તને શ્રદ્ધા છે માણસ પર ? – રઈશ મનીઆર

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે.

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.

દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનું છે.

બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.

જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.

તું સાચું બોલજે, ઈશ્વર ! તને શ્રદ્ધા છે માણસ પર ?
ને માણસજાતને શ્રદ્ધાની સાથે જીવવાનું છે.

-રઈશ મનીઆર

7 replies on “તને શ્રદ્ધા છે માણસ પર ? – રઈશ મનીઆર”

  1. “બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
    ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.”
    અફલાતૂન… ઈશ્વરને પણ પડકારની ભાષામાં પૂછી શકે તે “કવિ” …
    “તું સાચું બોલજે, ઈશ્વર ! તને શ્રદ્ધા છે માણસ પર ?”
    આમ માણસે પણ માત્ર “એક શ્રદ્ધા” સાથે જ જીવવાનું છે… એવું તે સૂચવી જાય છે.
    -લા’કાન્ત / ૧૩-૬-૧૩

  2. સરસ અને ઉમદા એવી આ ષટકોણી – એટલે કે છ શેર વાળી – આ રચના મને ખુબ જ ગમી છે. અને તેમાં પણ નિચેનાં બે શેર મને અફલાતુન લાગ્યા તેથી તેને રીપીટ કરવાની મારી ઈચ્છા હું રોકી શકતો નથી.

    બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
    ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.

    જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
    તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.

    પુષ્પકાન્ત તલાટી નો આભાર તથા ધન્યવાદ સ્વિકાર હો. –

  3. જિવવુ તો પડૅ છે કારન કે હજુયે કૈ આજ્ઞા ઇશ્વરે સોપેલિ પુરુ કરવા નિ બાકિ છે

  4. તું સાચું બોલજે, ઈશ્વર ! તને શ્રદ્ધા છે માણસ પર ?
    ને માણસજાતને આ શ્રદ્ધા સાથે જીવવાનું છે…….
    વાહ……

  5. હરણનુ હજી દોડવું, એજ શ્રધ્ધા
    સવારો થકી પોઢવું, એજ શ્રધ્ધા

    પછી ફુલ ટહુકાના ખરશે, કહીને
    તરૂ આંગણે રોપવું એજ શ્રધ્ધા

    નરી સાવ અફવા ભર્યા આ નગરમાં
    હકીકતનુ ઘર બાંધવું, એજ શ્રધ્ધા

    ગઝલને કહી, આપની દાદ માટે
    ઘડી બે ઘડી થોભવું. એજ શ્રધ્ધા

    સતત વિનવી, વિનવી, વિનવીને
    ફરી લાશનું જીવવું, એજ શ્રધ્ધા

  6. હરણનુ હજી દોડવું, એજ શ્રધ્ધા
    સવારો થકી પોઢવું, એજ શ્રધ્ધા

    પછી ફુલ ટહુકાના ખરશે, કહીને
    તરૂ આંગણે રોપવું એજ શ્રધ્ધા

    નરી સાવ અફવા ભર્યા આ નગરમાં
    હકીકતનુ ઘર બાંધવું, એજ શ્રધ્ધા

    ગઝને કહી, આપની દાદ માટે
    ઘડી બે ઘડી થોભવું. એજ શ્રધ્ધા

    સતત વિનવી, વિનવી, વિનવીને
    ફરી લાશનું જીવવું, એજ શ્રધ્ધા

Leave a Reply to dr.jagdip Cancel reply

Your email address will not be published. Required fields are marked *