ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે – રમેશ પારેખ

કવિશ્રી રમેશ પારેખની બીજી પુણ્યતિથી પર આપણા બધા તરફથી એમને શ્રધ્ધાંજલી..!

લયસ્તરો પર ‘રમેશ પારેખ શબ્દ સપ્તક‘ની પ્રથમ કડી – ‘સોનલ કાવ્ય’ સાથે વિવેકભાઇએ કરેલી વાત અહીં એમના જ શબ્દોમાં

ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. સોનલ કોણ હતી, છે કે હશેનું રહસ્ય હૃદયમાં લઈને સમયની ગર્તામાં સરી ગયેલાં ર.પા.એ સોનલને આપણા સાહિત્યની મોનાલિસા બનાવી દીધી છે- સદૈવ અકળ અને કાયમ સકળ!! ર.પા.ના શબ્દસપ્તકની શરૂઆત એમના સોનલ કાવ્યથી જ કરીએ.

રમેશ પારેખના મોઢેથી સોનલ કોણ છે એ સાંભળવું હોય તો ધવલે શોધી કાઢી મોકલાવેલો આ લેખ વાંચવો આવશ્યક બની રહે છે. આભાર, ધવલ!
સોનલ 1
સોનલ 2

રમેશ પારેખના ગીતો ગુજરાતી ભાષાનો જાણે આત્મા છે. 1968 ની સાલ માં લખાયેલું ‘તમને ફૂલ દીધાનું મને યાદ’ કાવ્ય રમેશ પારેખ ની કેટલીક સર્વકાલીન શ્રેષ્ઠ રચનાઓમાંનું એક. દરેક કવિ પોતાની કૃતિને લાડલા સંતાનની પેઠે ચાહે છે. ચાહતની આ પરાકાષ્ઠાનું અદભૂત ઉદાહરણ એટલે છે…..ક અગિયાર વર્ષ બાદ પોતાની લોકલાડીલી કવિતાનું ગીતમાં રૂપાંતરણ. બંને કવિતા અને ગીત આ સાથે આસ્વાદાર્થે અહીં બીડ્યાં છે.

સ્વર : અનિલ ધોળકિયા, સોનલ રાવલ
સંગીત : અનિલ ધોળકિયા

1461350781_a4e3262ac0_m.jpg

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…
તમને ફૂલ દીધાનું યાદ…

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

અડખેપડખેનાં ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં
એકલદોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં
તરે પવન ના લયમાં સમળી તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા
તમને ફૂલ દીધાનું યાદ…

ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

——————————

( કાવ્યનું રૂપાંતર ગીતમાં )

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ

કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ

ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ

ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ

12 replies on “ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે – રમેશ પારેખ”

  1. સો હેપી, બહુજ સમય પછી આવુ કઈક સરસ ગુજરાતી ગીત સાભળ્યુ.બહુજ ગમ્યુ.

  2. મારે કવિ ત્રાબેજ્કર્નેી કવિતા સુકાના રે હાદ પાદોસિના બાલ ને મોધે કએક મુથિ ચન નાખતો જાજે સાભલવિ સે

  3. IF RAMESH HAD WRITTEN NO MORE POETRY AFTER WRITTING THIS GEET,HE WOULD HAVE BEEN IMMORTAL LIKE RAVAJI’S GEET,”MARI ANKHE KANKUNA SURAJ ATHAMYA”

  4. Great Gazal ….

    પહેલી જ વાર સંગીત સાથે સાંભળી …
    બહું જ મજા પડી …..

    રમેશ પારેખનું છ અક્ષરનું નામ કઈ રીતે ભૂલાય્?

  5. ર.પા. એટલે ર.પા.

    મારા એમના માટેના અનુરાગને અહીં પુનર્જીવિત કરવા બદલ આભાર, મિત્ર ! આ કવિતા પહેલવહેલી વાર સાંભળી… અને હવે આ અવાજ અને આ સંગીત કાનમાં એવા ઘર કરી ગયા છે કે આજે આજ સાંભળતા રહેવાનો ઉપક્રમ રાખવો પડશે…

  6. આજે ર.પા.ની દ્વિતીય પુણ્યતિથિ એ અપાતાં શ્રધ્ધાંજલિના પુષ્પો પર મમ હૈયાનો પરાગ વેરાય.

  7. ર.પાને ગયાને બે વર્ષ થઈ ગયાં! ટહુકોના ટહુકામાં અમારો પણ શ્રધ્ધાંજલીમાં ટહુકો પૂરાવીએ. અનિલ ધોળકિયા, સોનલ રાવલના મધુર સ્વરમાં
    “સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
    તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
    ટેરવાં ભરી પીધાનું યાદ…
    “જાણે સાંભળ્યા જ કરીએ.

  8. Thanks! This poetry / geet is one of the best of Ramesh. THere are many good musical compositions of this same poetry by other musicians, worth listening to.
    Vijay

Leave a Reply to manvant Cancel reply

Your email address will not be published. Required fields are marked *