અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ? – રાહી ઓધારિયા

તમે હળવેથી એકવાર ઝંકારો તાર, અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?
તમે ટહુકો ઉછીનો એક આપો રાજલદે! અમે વરસોની જડતાને ત્યાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

રણનાં પંખીડાં અમે, અમને તો એમ કે રેતી આદિ ને રેતી અંત;
તમને જોઈને અમે જાણ્યું કે ક્યાંક ક્યાંક જીવી રહી છે વસંત;
તમે આછેરો સ્પર્શ કરી જુઓ રાજલદે! અમે ફોરમતા ફાગ થઈ ફાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

કલકલતી નદીઓના વહેણ સમી લાગણીઓ થઈને અમારે છે વહેવું,
નિજને ભૂલી તમારી આંખોમાં ઘૂઘવતા દરિયાના નીર થઈ વહેવું;
તમે ભીની બે વાત કરો અમથી રાજલદે! અમે આખો અવતાર ભીના લાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

-રાહી ઓધારિયા

5 replies on “અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ? – રાહી ઓધારિયા”

  1. “તમારી આંખોમાં ઘૂઘવતા દરિયાના નીર થઈ વહેવું;”
    કલ્પના છે …માત્ર ભાવ છે ” વહેવાના” પ્રતિક તરીકે “દરિયો”
    લાગણીઓની વાત… ગમી!વળી ” મોજાં” ઘૂઘવતા ,ગતિના દ્યોતક
    કોઈકનો સહારો…ટેકો…માનસિક…સાથ…પ્રેરણા ,ધફકો..જરૂરી બની જતો
    હોય છે ,પોતાનાજ સર્જેલા “અસામર્થ્યના કોચલા”ને તોડવા, એની પાર જવા…

  2. આ રચનાનું સ્વરનિયોજન સ્વ.રાજેશ બારોટે કરેલું જે ૧૭ વર્ષ પહેલાં અમે લોકો ગાતાં. દિપ્તીબેન દેસાઈને પણ આ કમ્પોઝિશન યાદ હશે. એ વખતે ભાવનગરમાં ‘માધુરી ગૃપ’ માં સુગમ સંગીતના કાર્યક્રમો કરેલા.

  3. Jayshreebene e moklelu ne Poet Makrand Dave e lakhelu aa geet kharekhar gami jay evu chej!agar gawani echha thai taw`Piya aiso jiyame samay gayo re,mai taw tanmankisudh-budh gawa baithi`….(Geeta Dutt-Sahi Bibi or gulam ?)Na jewi tunema gai shakay kharu ! HAVETHI AMARA SUR, BESURA NAHI HOY !!
    maza aawi,abhinandan…..

  4. તમે હળવેથી એકવાર ઝંકારો તાર, અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?
    તમે ટહુકો ઉછીનો એક આપો રાજલદે! અમે વરસોની જડતાને ત્યાગીએ.
    અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?
    બહુજ સરસ્
    આલોક જાનિ

Leave a Reply to Aalok Jani Cancel reply

Your email address will not be published. Required fields are marked *