ન લેજે વિસામો…. – વેણીભાઇ પુરોહિત

ગઇકાલે જ ટહુકોના વાચકમિત્ર શ્રી દિગંબરભાઇ સ્વાદિયા એ આ ગીત યાદ કરાવ્યું – એમણે કદાચ ગોપાલકાકાના બ્લોગ પર માણ્યું હશે – તો મને થયું – ટહુકોના બીજા મિત્રો માટે પણ અહીં જ લઇ આવું આ ગીત..! આનું સ્વરાંકન સાંભળ્યાનું મને યાદ નથી – કદાચ આશ્રમ ભજનાવલીમાં મળી આવે..! તમારી પાસે સ્વરાંકન હોય તો અમારી સાથે વહેંચશો? ત્યાં સુધી માણો આ મઝાનું ગીત – અને સાથે થોડી વાતો – સીધેસીધું ગોપાલકાકાના બ્લોગ પરથી કોપી-પેસ્ટ..! 🙂
******
થાકે ન થાકે છતાંયે હો માનવી! ન લેજે વિસામો!
ને ઝૂઝ્જે એકલ બાંયે—હો માનવી! ન લેજે વિસામો!

તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા,
તારે ઉધ્ધરવાના જીવન દયામણાં :
હિમ્મત ન હારજે તું ક્યાં યે–
હો માનવી ! ન લેજે વિસામો !

જાજે વટાવી તુજ આફતનો ટેકરો,
આગે આગે હશે વણખેડ્યાં ખેતરો :
ખંતે ખેડે એ બધાં યે–
હો માનવી ! ન લેજે વિસામો !

ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,
આવે અંધાર તેને એકલો વિદારજે :
છોને આ આયખું હણાયે–
હો માનવી ! ન લેજે વિસામો !

લેજે વિસામો ન ક્યાંયે હો માનવી ! ન લેજે વિસામો !
તારી હૈયા વરખડીને છાંયે હો માનવી ! દેજે વિસામો !
ન લેજે વિસામો….
– વેણીભાઇ પુરોહિત

*************
આ કાવ્ય “વિસામો” પાછળ એક નાનકડો ઇતિહાસ છે. આપણા યુગની મહાન વિભૂતિ—મહાત્મા ગાંધી—ના જીવનમાં આ કાવ્યમાં રહેલા સંદેશે કેવું સ્થાન મેળવ્યું હતું તેનો નિર્દેશ ગાંધીજીના નિકટના અંતેવાસી શ્રી મનુબહેન ગાંધી એ બાપુના સંસ્મરણો લખતાં કર્યો છે. એવાં ત્રણ અવતરણો આ રહ્યા:

“એમણે (સ્વ.શ્રી મહાદેવ દેસાઇ) જતાં પહેલાં મારી પાસે નીચેનું ગીત ગવડાવ્યું. એમને આ ગીત બહુ જ ગમતું હતું. હું કરાંચીમાં મારા શાળાના અભ્યાસ દરમિયાન શીખી હતી તેથી મારી પાસે વારંવાર ગવડાવતા:

’થાકે ન થાકે છ્તાંયે

હો માનવી!ન લે જે વિસામો ‘…(વિગેરે)…..

”આ ગીત એમને અને બાપુજીને બહુ જ વહાલું હતું;અને એમણે તો આવાં આવાં કેટલાંયે ગીતોને જીવનમાં ઉતારી જીવન સાર્થક કર્યું હોય તેમ છેલ્લી કડી:

’લેજે વિસામો ન ક્યાંયે હો માનવી ! દેજે વિસામો

તારી હૈયાવરખડીને છાંયે, હો માનવી ! દેજે વિસામો’

”તેમ એમણે પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી બાપુની સેવા કરી. ન જોયો ટાઢ—તડકો, કે ન જોયાં રાત-દિવસ, અને છેલ્લા શ્વાસ પણ બાપુજીની સેવા કરતાં કરતાં જ બાપુજીમાં જ પોતાના પ્રાણને સમાવીને હૈયાવરખડીને છાંયે જ વિસામો લીધો.

”એટલે શું એમણે આગાહીરૂપે છેલ્લે મારી પાસે આ ગીત ગવડાવ્યું હશે?

”પોતાને મોઢે નહોતું આવડતું, તેમ હજુ સૂરેય નહોતો બેઠો, પણ જેણે જીવનમંત્ર કર્યો હોય તેને સૂરની શી પરવા?’મને એક કાગળ ઉપર ઝટપટ ઉતારી આપ’.મેં એક કાગળ પર ઉતાર્યું અને તે કાગળ પોતાના ઝબ્બાનાઆગળના ખિસ્સામાં સાચવીને મૂક્યો અને સેવાગ્રામ આશ્રમ કાયમને માટે છોડ્યો.”

(બા—બાપુની શીળી છાંયામાં)

“ હું (ગાંધીજી) નહોતો જાણતો કે મારામાં આટલી શક્તિ છે અને આ લોકો સામે હું ટકી શકીશ; કે મને છોડશે તો મારાથી આમ આનંદપૂર્વક નભાશે.એ બધો પ્રતાપ રામનામનો. બાકી આશ્વાસન મળે છે ગુરુદેવના ‘એકલા ચલો’ના ભજનમાં અને પેલા ‘થાકે ન થાકે છ્તાંયે હો માનવી! ન લેજે વિસામો’માં. તેમાંય એક કડી તો બહુ ભારે છે કે:

‘ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,

આવે અંધર તેને એકલો વિદારજે;

છોને આ આયખું હણાયે

હો માનવી ! ન લેજે વિસામો.”

(‘ભાવનગર સમાચાર’,તા.28/07/1951ના અંકમાંથી)

“નિયમ મુજબ 30મી એ (30મી જાન્યુઆરી, 1948) સવારના 3.30 વાગ્યે બાપુજીએ પ્રાર્થના માટે અમને ઉઠાડ્યા.એક બહેન પ્રાર્થના માટે ઊઠ્યા નહિ,તેથી બાપુજીએ દાતણ કરતાં કરતાં મને કહ્યું,’હું જૌં છું કે મારો પ્રભાવ મારી પાસે રહેનારમાંથી ચાલ્યો ગયો છે.પ્રાર્થના એ તો આત્માને સાફ કરવાની સાવરણી છે. અને હું તો પ્રાર્થનામાં અડગ શ્રધ્ધા ધરાવું.’ અને કહ્યું કે આજે મારે પેલું “થાકે ન થાકે છતાંયે” ભજન સાંભળવું છે એટલે એ ગાજે”

”મેં એ ભજન ગાયું….. કોઇ દિવસ નહિ અને સવારની બ્રાહ્મમુહર્તની પ્રાર્થનામાં આ ભજનની બાપુજીએ પસંદગી કરી તેમાંય કેવું ગૂઢ રહસ્ય ભર્યું હતું !”

વેણીભાઇ પુરોહિત

10 replies on “ન લેજે વિસામો…. – વેણીભાઇ પુરોહિત”

 1. દિગંબરભાઇ સ્વાદિયા says:

  જયશ્રીબહેન,
  ખોબલા ભરીને આભાર માનું છું.
  તમે બન્ને અમારા જેવા મિત્રોની અમૂલ્ય સેવા કરો છો
  એ બદલ અભિનંદન.છ મહિના પહેલાં ટોરન્ટો હતો ત્યારે
  મેં તમારી પાસેથી “ચપટી ભરી ચોખા” ગરબાના શબ્દો
  મંગાવ્યા હતા અને તમે – as usual _મને તુરત
  મોકલ્યા હતા એ કેમ ભૂલું? ફરી આભાર.

 2. Arpana says:

  ખરેખર તો એવું લાગે છે કે આ આખુંયે કાવ્ય
  આપણે આપણી જાતને સંભળાવવાનુ છે.
  કેટલીયે વાર મનમાં ગુંચ આવતા આદરેલા
  અધુરા રહી જાય છે. એવે વખતે આપણે જ
  પોતાની જાત ને આવા કાવ્યો થકી ધક્કો મારવો
  પડે.

 3. Ullas Oza says:

  પૂ. શ્રી. વેણીભાઈ પુરોહિતે માનવ જીવન જીવવાની જડીબુટ્ટી આ રચનામાં આપી છે.
  પૂ. બાપુ જેવાને પ્રેરણા આપનાર આ ગીતના ભાવને જીવનમાં જડી દઈયે તો ખરેખર જીવન સાર્થક થઈ જાય.
  આભાર.
  યોગિની અને ઉલ્લાસ ઓઝા

 4. chandrika says:

  પ્રેરણા સભર ગીત

 5. AnshumannShah says:

  બહુજ સરસ ભજન ચે.મને ઘનુજ ગમ્યુ.

  અભાર્

 6. dr rakesh r shah says:

  ઇ અમ લિન્કેદ ઉપ વિથ તહુકો.
  ઇન અમારા નિશાલના દિવસોૂ મા આ પ્રાર્થના તરિકે ગવાતુ હતુ.
  કહેવાનેી જરુર નથેી કે તે કેતલુ મગજ મા સ્થિર થૈ ગયુ હશે!.આ૫ણૅ| ઋણી ૂ ઋ ૬ઈઍ.

  I DID TRY TO UTILIZE GUJARATI WITH ENGLISH KEY BOARD WITH ABOVE MANIFESTING RESUILT.
  I AM HIGHLY OBLIGED TO HAVE THIS. IN MY SCHOOL DAYS THIS WAS A MORNING SCHOOL PRAYER.
  NEEDLESS TO MENTION THE EXTENT TO WHICH THIS PRAYER IS OWNED UP BY ME!
  YES, I CAN SING NOT SINGER LIKE BUT STUDENT LIKE. I DONT KNOW HOW SHOULD I DO IT IN INTEREST OF MOST INTERESTED IN “SWARANKAN” . THANK YOU ONCE AGAIN.

 7. mahesh rana vadodara says:

  સરસ શબ્દો આભાર

 8. Satish Kalaiya says:

  `Na Leje Visamo`(venibhai Purohit), `Eklo Jane Re`(R.Tagore) & film song` Chal akela, chal akela, tera mela piche chuta rahi, chal akela…(Mukesh)are the most inspirative lyrics.
  `Himmat na harje tu kyaye
  Haw manvi!na leje visamo!`

 9. Ravindra Sankalia. says:

  ટાગોરના તારી જો હાક સુણી કો ના આવે તો એકલો જાનેરે.એગીત અને મુકેશનુ ચલ અકેલા ચલ અકેલા એ તો યાદ આવેજ પણ સાથે સાથે બીજુ એક ફિલ્મી ગીત પણયાદ આવેઃ ચલ ચલ રે નવજવાન કહેન મેરા માનમાન, રુકના તેરા કામ નહિ ચલના તેરી શાન; તુ આગે બધે જા આફતસે લઢે જ આન્ધી હો યા તુફાન ફટ્તા હો આસમાન્

 10. RITA SHAH says:

  ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે.ન લે જે વિસામો.
  ખુબ જ સુંદર રચના વેણીભાઇ પુરોહિતની.
  આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *