જયારે અણધાર્યું કોઈ ગમી જાય – તુષાર શુકલ

indian_poster_ae17_l-sml

(જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે…)

પ્રેમમાં તો એવું યે થાય છે, સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે,
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી, ઉડવાનું સંગાથે થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આકાશે આષાઢી વાદળનો વૈભવ ને છાતીમાં અણજાણ્યો ડૂમો,
ઝરમરની આંખોમાં જામે તૈયારી તમે પાલવને એકલાં જ ચૂમો;
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે એવું પથારીમાં લાગે,
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને કંઠે કોઈ શોષ બની જાગે;
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

ઓરડાની એકલતા થથરાવી જાય અને હૈયું આ સાથ કોઈ માગે,
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો તો રુંવાડે આગ કોઈ જાગે;
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં પ્રીત તણી રીતો બદલાય છે,
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ, બસ એવું એવું પ્રેમમાં તો થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

-તુષાર શુકલ

9 replies on “જયારે અણધાર્યું કોઈ ગમી જાય – તુષાર શુકલ”

  1. કવિ શ્રી તુષાર શુક્લનુ અણધાર્યુ જ પહેલી નજરમા / પ્રથમ વાંચનમા ગમી જાય તેવુ ગીત.
    પ્રેમની ખૂબ સુંદર અભિવ્યક્તિ.

  2. કોઈ અણધાર્યુ ગમી જાય છે એની અનુભુતી જેણે અનુભવ કર્યો હોય એ જ આ રચનાનો આનદ માણી શકે……………

  3. અણધાર્યુ કોઈ આવી જાય છે,
    સ્વપ્નાં જગાડી જાય છે.
    નદીના પાણી વહી ગયાં,
    કાઠે જોતો રહી ગયો.

  4. આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે એવું પથારીમાં લાગે,
    ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને કંઠે કોઈ શોષ બની જાગે;
    ત્યારે અંદર વસંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે….ખુબ સુન્દર તુષારભાઈ ….

  5. I like last two lines very much: One elevating experiance and everlasting, willing commitment only love can cause. Shri Tushar Sukla has given true and original insights through his love songs and made Gujarati lovers prosperous! Thanks for the upload.-Himanshu Muni.

  6. અણ્ધાર્યુ આવી ં મળૅલુ આ ગીત બહુ જ ગમ્યુ, પ્રેમમા પડી જવાયુ. ઍકે એક શબ્દ પ્રેમની અનુભૂતિની અદ્ભૂત
    અભિવ્ય્ક્તિ.

Leave a Reply to Ullas Oza Cancel reply

Your email address will not be published. Required fields are marked *