નહીં આવું – હરીન્દ્ર દવે

ગોકુળથી ગોવર્ધન જાવું
ને શ્યામ, તોય વચ્ચે વૃંદાવન નહીં આવું.

દાણતણો લેશ નથી ડર રે ઓ કાન!
એમ અમથા ફુલાતા નહીં મનમાં,
બંસરીનો નાદ હવે ભૂલવે ના રાહ
હવે સૂણતી એ સૂર ક્ષણેક્ષણમાં;
સંતાશો તોય નહિ શોધું, ઓ કાન,
તને કહો તો એ માન પણ મુકાવું.

ફોગટના પોરસાઓ નહિ રે ઓ કાન,
હવે ભૂલી પડું ન કુંજગલીએ,
સામે આવીને તમે રસ્તો રોકો તો અમે
આડબીડ મારગે ઊપડીએ;
કોઈનીયે રોક, કે ન કોઈનીય ટોક
હવે મારગ મળે એમ જાવું.

અમને મિલન કેરો આવડિયો મંતર રે
ખોવાયું હોય એ જ ખોળે,
દીધું’તું એથી તો કૈંક ગણું પામ્યાં, હાથ
આવ્યું રતન કોણ રોળે?
જેને ગરજ હોય આવે ને સ્હાય હાથ
મારે તે શીદને મૂંઝાવું!

– હરીન્દ્ર દવે

3 replies on “નહીં આવું – હરીન્દ્ર દવે”

 1. chhaya says:

  Radha, Gopi , Bhaktni vaat

 2. RITA SHAH says:

  ગોકુળથી ગોવરધન જાવું ને શ્યામ, તોય વચ્ચે વૃંદાવન નહી આવુ.
  બહુ જ સરસ વાત કહી.રીસામણા રાધાના ખુબ જ સુંદર.

 3. vimala says:

  રીસમણા તો રાધાના જ…..આટલા પ્રેમાળ પણ પડકાર ભર્યા રીસામણાનું ગજુ તો રધા પાસે જ હોય….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *