મનોજ પર્વ ૨૧ : વિદાયનું ગીત

આ વર્ષના મનોજ પર્વની આજે છેલ્લી કડી.! પરંતુ આ તો અલ્પવિરામ છે. આવતા વર્ષે ફરીથી મનોજભાઇના શબ્દોનો ઉત્સવ ઉજવશું..!! અને આજે માણીએ મનોજભાઇનું એક સુંદર વિદાયનું ગીત – અને સાથે કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ના સંસ્મરણો..!

——————–
લગભગ સન ૧૯૯૭ ની આ વાત છે. મારી પત્ની અપર્ણા એ સમયે એક NGO મારફતે ગરજુ મહિલાઓને સીવણકામ શીખવવા માટે જતી. એકવાર એણે ઘેર આવીને કહ્યું કે ‘આવતા અઠવાડીએ મારે સીવણકામ શીખવવા માટે જૂનાગઢ જવાનું છે’. મેં કહ્યું ‘એટલે તું મારા પ્રિય કવિ મનોજ ખંડેરિયાને ગામ જાય છે એમ ને ! તો મનોજ ખંડેરિયાને મળતી આવજે.’

આ વાત મેં માત્ર મજાક માં જ કહેલી. મનોજ ખંડેરિયા મને ઓળખે એવો કોઈ પ્રશ્ન જ ન હતો કારણકે એ વખતે હજી હું કવિ તરીકે જાણીતો થયો નહોતો. પણ મઝાની વાત તો એ પછી બની. અપર્ણાનો જૂનાગઢથી ફોન આવ્યો ‘બોલ, હું ક્યાંથી બોલતી હોઈશ ?’ મેં કહ્યું ‘જૂનાગઢથી, બીજે ક્યાંથી ?’ તો કહે કે ‘એ તો બરાબર વિવેક, પણ હું અત્યારે તારા પ્રિય કવિ મનોજ ખંડેરિયા ને ત્યાં થી બોલું છું.’ હું તદ્દન અવાચક ! મેં મજાકમાં કહેલી વાત આમ સાચી પડશે એવું મેં સપનામાં પણ ધારેલું નહીં. વાત એમ હતી કે અપર્ણા જે સંસ્થામાં સીવણકામ શીખવવા ગઈ હતી એના મુખ્ય સંચાલકોમાં પૂર્ણિમાબેન ખંડેરિયા એક હતાં.

પહેલાં તો અપર્ણાનો ઉતારો ગેસ્ટહાઉસ ઉપર હતો, પણ જેવી પૂર્ણિમાબેન ને ખબર પડી કે અપર્ણા સગર્ભા છે (સોપાન એ વખતે ગર્ભમાં હતો), એ અપર્ણાને સીધી ઘેર લઇ ગયા અને બે ત્રણ દિવસ ખૂબ લાડ લડાવ્યા. પછી મનોજભાઈને મળવાનું થયું ત્યારે અપર્ણાએ એમને મારા વિષે વાત કરી કે ‘વિવેક તમારો મોટો ફેન છે અને એ પોતે પણ કવિ છે’ ત્યારે મનોજભાઈ એમનું જાણીતું મંજુલ સ્મિત વેરીને મૌન રહ્યા. આજે પણ અપર્ણા મને કહે છે કે ‘મ.ખ.ને હું તારાથી પહેલાં મળી છું’.

મારે મનોજ ખંડેરિયાને પ્રથમ મળવાનું બન્યું તે સીધું INT ના મુશાયરાના મંચ ઉપર – બિરલા માતોશ્રી સભાગૃહ, ૧૯૯૯, મુંબઈ. આપણા માનીતા કવિને ‘કલાપી’ એવોર્ડ એનાયત થતો નિહાળવો – અને એ પણ એમની જ સાથે મંચ પર બેસીને – એ અમારા સૌ યુવાન કવિઓ (હું, મકરંદ, હિતેન, મુકેશ વગેરે) માટે ગૌરવની વાત હતી, એક અનેરો લહાવો હતો. એ પછી પણ મનોજભાઈ સાથે મંચ share કરવાના પ્રસંગો આવ્યા અને એ પ્રત્યેક પ્રસંગ મારા માટે જીવનભરનું સંભારણું છે.

મ.ખ. જેટલા ઉત્તમ કવિ, એટલા જ ઉમદા માણસ. જાન્યુઆરી ૨૦૦૦ માં મને INT દ્વારા ‘શયદા’ એવોર્ડ એનાયત થયો એ પહેલાં અને પછી પણ મનોજભાઈને મળવાનું બન્યું હતું પણ ‘શયદા’ એવોર્ડની ચયન સમિતિમાં એ વખતે મ.ખ. અને ચિનુ મોદી હતા એની જાણ તો મને એ પછી ઘણા વર્ષે આડકતરી રીતે થઇ હતી. બાકી મ.ખ. તો ભદ્રતા અને શાલીનતાની જાણે પ્રતિમૂર્તિ – એ પોતે તો આવી વાત કદી સામે ચાલીને કહેતા હશે !

૨૦૦૨ ની સાલમાં, મારું વાસ્તવ્ય મુંબઈમાં હતું ત્યારે રમેશ પારેખના સમ્માન પ્રસંગે મનોજભાઈ એમની સાથે આવેલા. કાર્યક્રમના મધ્યાંતરમાં હું મનોજભાઈને મળ્યો ત્યારે એમણે એમની હોટેલનું નામ-ઠેકાણું વગેરે આપ્યાં અને આગ્રહથી કહ્યું કે કાલે સમય હોય તો મળવા આવજો. હું બીજે દિવસે મળવા ગયો ત્યારે મને થોડું અચરજ થયું, કારણકે જે કલાક દોઢ કલાક મેં એમના રૂમ માં વિતાવ્યો, એમાં મ.ખ. પોતે માત્ર ૫ મિનીટ માંડ કંઇ બોલ્યા હશે. બાકીનો સમય હું અને ર.પા. જ વાતો કરતા રહ્યા. કૈંક વિચિત્ર લાગણી સાથે મેં વિદાય લીધી અને મ.ખ.ની આ વર્તણુક વિષે તર્ક-વિતર્ક કરતો રહ્યો. એ પછી બે ચાર મહિનામાં જ સમાચાર મળ્યા કે મ.ખ.ને ગળાના કેન્સરનું નિદાન થયું છે ! અને તરત જ એમની હોટેલમાંની વર્તણૂક નો મને જાણે ખુલાસો મળી ગયો. આવું આવું કરતા કેન્સર ને કારણે મ.ખ. બોલવામાં તકલીફ અનુભવી રહ્યા હોવા જોઈએ. પોતે બહુ વાત નહીં કરી શકે એની જાણ હોવા છતા એમણે હોટેલ પર મને મળવા બોલાવ્યો કારણ કે એ કદાચ મને એક વાર નિરાંતે મળી લેવા માગતા હતા. અને ખરેખર, એ જ મારી એમની સાથેની છેલ્લી મુલાકાત પુરવાર થઇ.

જયશ્રીએ મનોજપર્વ માટે કૈંક લખવાનું કહ્યું અને એ નિમિત્તે આ વાત કરવાનું થયું. બાકી આજ સુધી, મારા અંતરંગ વર્તુળ સિવાય આનો મેં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી.

‘ટહુકો’ નો ખૂબ ખૂબ આભાર અને મ.ખ.ને આદરાંજલિ…

વિવેક કાણે ‘સહજ’
વડોદરા

—————————-
બીજો શું અર્થ હવે હોય તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

અડક્યાની સુંવાળી કેડીનો ખાલીપો
ખટકે છે આજ મને શૂળ થઈ
ઊઘડી રે જાય એવી પાંપણની છાંય તળે
સેવ્યાં’તા સમણાં એ ભૂલ થઈ

પરપોટે પુરાયો તૂટ્યો રે મ્હેલ સાત જન્મોના રંગોની ઝાંયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી તૂટતી
વિદાયનો

દિવસ ને રાત તપી એકલતા એટલું કે
ઓગળ્યો સંબંધ બધો મીણનો
દરિયો આખો તો સખી,સહી લઈએ આજ
નથી જીરવાતો ભાર કેમે ફીણનો

ઓળખી ન શકતો રે હું જ મને કોઈ રીતે હાથમાં જ્યાં
લઉં જરા આયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

– મનોજ ખંડેરિયા

11 replies on “મનોજ પર્વ ૨૧ : વિદાયનું ગીત”

 1. k says:

  મ.ખ.ને આદરાંજલિ……અને સુંદર સ્મરણો માટે વિવેક કાણે નો આભાર…

 2. હ્હ હા – મનોજ ખન્દેરિયઆ તો થાવા નથિ ભૈ >>> બહુ જ મોતા ગજા ના માન્વિ ચ્હ સ્વર્ગ મા પન જો ાર્સાદ વર્સે તો મનોજ્ભૈ યાદ આવે

 3. Maheshchandra Naik says:

  શ્રી મનોજભાઈ સાથેના શ્રી વિવેકભાઈના મધુર સંભારણા દ્વારા શ્રી મનોજભાઈ આપણી સમક્ષ આવ્યા હોય એવૂ અનુભવ્યુ, શ્રી મનોજભાઈને આદરાંજલી અને સલામ…………………………..

 4. manubhai1981 says:

  જ.અને અ.નો આભાર.કવિને શ્રદ્ધાઁજલિ તેમજ શ્રી.
  કાણેજીનો આભાર !તૂટતી વિદાય કોને ગમે ?કહો ને !
  સ્નેહસ્મરણો કદી વિસરાતાઁ હશે ?કવિએ સાચુઁ કહ્યુઁ છેઃ
  પીળાઁ પર્ણો ફરી નથી થતાઁ કોઇ કાળે જ લીલાઁ….
  ભાઁગ્યાઁ હૈયાઁ કદી નથી થતાઁ કોઇ કાળે રસીલાઁ.ઑંમ્ શાન્તિ !

 5. Ullas Oza says:

  મનોજભાઈની કલમને તો આપણે થોડી સમજતા થયા.
  આજે વિવેકભાઇની વાત પરથી મનોજભાઇ અને તેમના પત્નીની માનવતા ને શાલીનતાની પ્રતીતિ થઈ.
  કાબિલે તારીફ.
  ઉલ્લાસ ઓઝા

 6. Kalpak Gandhi says:

  સુન્દર!

 7. rahul m ranade says:

  વાહ્..

 8. darshan sarvaiya says:

  જૈ ગર્વિ ગુજરત્
  કોઇ નો લાદકવયોૂ ઈ સામ્ભ્લિને મોજ આવિ ગયિ પન મને ન ચદ્દિય તલ્વર આ ગેીત જોઇવે ચે

 9. મ.ખ. ને આદરાજલિ….વિવેકભાઈ નો ખુબ ખુબ આભાર

 10. ashok pandya says:

  બહોત ખૂબ..સાવ અંગત વાત આજે જાણવા મળી તેનો આનંદ કરતા દુખ વધુ લાગ્યું..મને પણ મ.ખં ના ઉમદા, શાલીન,કોમળ, માયાળુ અને ભરેલા સ્વભાવનો લાભ મળ્યો છે..હું SBI માં હતો ત્યારે એક કાર્યક્રમ માટે જૂનાગઢ જવાનું થયું..હું ઉદઘોષક હતો અને તેઓ મુખ્ય મહેમાન..મને બોલતો સાંભળી જયારે તેમનો વારો મુખ્ય મહેમાન તરીકે બોલવાનો આવ્યો ત્યારે કહ્યું કે આટલું સરસ્ શુદ્ધ ગુજરાતી બોલનાર ભાવનગરના જ હોય અને ઘણું કરીને કવિ હોય..મને બહુ જ અભિનંદન આપ્યા..ત્યારબાદ તો ઘણીવાર મળવાનું અને માણવાનું થયું..મ્.ખં જેવી વિભૂતિ ન ભૂતો ન ભવિષ્યતિ..અંતકરણથી યાદ કરીને મનોમય પ્રણામ..આભાર જયશ્રીબેનનો અને વિવેક કાણેનો ભીના થવાની તક આપવા માટે..

 11. સરસ કેફિયત! મનોજભાઈને આપણે કવિ તરીકે ઓળખીએ જ છીએ. એમની માનવીય બાજુ આજે જાણવા મળી. ધન્યવાદ વિવેકભાઈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *