એક ચોમાસે – રાજેન્દ્ર શુક્લ

કાવ્યપઠન : રાજેન્દ્ર શુક્લ

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું,
ઉડતાં ઓલ્યાં પંખેરું ને જાણ થઈ
તે ગીત જોડ્યાં ને વન ગજાવ્યું.

વચમાં વ્હેતલ નદી નીરની નમણાઈમાં
નેણ ઝબોળ્યાં,
હૈયે ઊઠ્યાં લ્હેરિયાં એને આભ હિલોળ્યાં,
દૂરને ઓલે ડુંગર ડુંગર નીલમ કોળ્યાં,
જેમ ધરાના સાત જનમનું
. હોય કોળામણ સામટું આવ્યું.

કેટલી વેળા,
કેટલી વેળા આભને ભરી આભ ઘેરાયું,
કેટલી વેળા ધોરીએ ધોરીએ ક્યારીએ ક્યારીએ
નીર રેલાયું.
કેટલી વેળા કાળને કાંઠે ઈ જ ખેતર
કેટલું લણ્યું કેટલું વાવ્યું !
ઈ દંનની ઘડી, આજનો દા’ડો,
કોઈ ચોમાસું આંખમાં ના’વ્યું.

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું.

– રાજેન્દ્ર શુક્લ (કોમલ રિષભ – પૃ. ૯)

7 replies on “એક ચોમાસે – રાજેન્દ્ર શુક્લ”

  1. કવિરાજની “બધુ ક્ષેમ ક્ષેમ ક્ષેમ” કવિતા સાંભળવાની ઈચ્છા છે. મેળવીને મુકશો પ્લીઝ ?

  2. સામા ગામનું સાવ છેવાડું ખોરડું
    એવું એક ચોમાસે આંખમાં આવ્યું,
    ઉડતાં ઓલ્યાં પંખેરું ને જાણ થઈ
    તે ગીત જોડ્યાં ને વન ગજાવ્યું…
    ખુબ આવી મજા..!

  3. ઋષિ કવિ આદરણીય રાજેન્દ્ર્ભાઈને સામે બેસીને અંગત ઘરેલુ બેઠકમાં માણવાનો લ્હાવો મને મારા જ ઘરે મળ્યો છે..જેટલા તેમને સાંભળીએ તેટલા ઓછા..ઘૂંટાયેલો અવાજ..વેદની ઋચા જેવી કવિતા..મોજ પડી ગઈ ઘણાં સમય બાદ..

  4. પુરાણી યાદોને સારી શણગારીને કાવ્ય સર્જાયુઁ છે.
    કોઇક ગામડા ગામનુઁ અનેરુઁ વર્ણન મોહક છે.એમાઁ
    ખોરડાનુઁ મહત્વ અવિસ્મરણીય કહેવાય !ચોમાસાએ
    કલ્પનાઓનુઁ વાદળ સારીરીતે વધાર્યુઁ છે.વિકસાવ્યુઁ
    છે.કવિ અને જ.અ.અભિનઁદનને પાત્ર છે જ !
    પઁખી.નદી,આભ,ડુઁગર,ખેતર,સામુઁ ગામઃબહુ જ
    પ્રેરક સઁદેશ આપે છે.કવિની કલ્પનાને સલામ !

  5. સરસ ગઝલ પઠન, શ્રી રાજેન્દ્રભાઈને સલામ્…….

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *