વાલમનો બોલ – અનિલ જોષી

ગઈ કાલે, 17 May 2012, કવિ શ્રી રમેશ પારેખની છઠ્ઠી પુણ્યતિથી હતી – તો એમને ફરી એકવાર શ્રધ્ધાંજલી!….

કવિ શ્રી રમેશ પારેખ અને કવિ શ્રી અનિલ જોષીની દોસ્તીથી તો તમે વાકેફ હશો જ. એમણે સાથે લખેલું પેલું ગીત – ડેલીએથી પાછા મા વળજો હો શ્યામ – યાદ છે?

બે કવિઓ ભેગા મળી ગીત-ગઝલ લખે – એ સમજી શકાય… પણ એક કવિનું ગીત, બીજા કોઇ કવિની યાદમાં લખાયેલું ગીત, ત્રીજા એક કવિ એ સ્વરબધ્ધ કર્યું હોય, એવું તમને યાદ છે? અહીં પ્રસ્તુત આ ગીત લખ્યું છે અનિલ જોષીએ.. કવિ શ્રી મણીલાલ દેસાઇની યાદમાં.. અને એનું સ્વરાંકન કર્યું છે – કવિ શ્રી રમેશ પારેખએ..! અરે થોભો…!! હજું એક વાત તો બાકી રહી ગઈ… આ જ ગીતને કવિ રમેશ પારેખ અને અનિલ જોષીએ – સાથે મળીને સ્વર પણ આપ્યો છે..!!

અને હા.. આ વિડિયો ક્લિપમાં પ્ર્સ્તુતકર્તા કવિ શ્રી શોભિત દેસાઇ…!!

સ્વર – અનિલ જોષી અને રમેશ પારેખ
સંગીત – રમેશ પારેખ
ગીત પ્રસ્તાવના – શોભિત દેસાઇ

YouTube Preview Image

કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ

શેઢે ઘૂમે રે ભૂરી ખિસકોલી જેમ
મારી કાયાનો રાખોડી રંગ
તરતું આકાશ લઈ વહી જાય ધોરિયે
અંતરનો બાંધ્યો ઉમંગ

દખ્ખણની કોર હવે ઊડતું રે મન
જેમ ખેતર મેલીને ઊડે પોલ.

ચારે દિશાઓ ભરી વાદળ ઘેરાય
અને પર્વતના શિખરોમાં કંપ
આઘે આઘે રે ઓલી વીતકની ઝાડીમાં
હરણું થઈ કૂદે અજંપ

સામે આવીને ઊભી ઝંઝાની પાલખીમાં
ફરફરતો વાલમનો બોલ.

– અનિલ જોષી

************
અને આ રહ્યો – લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ…   (આભાર – લયસ્તરો.કોમ)

અનિલ જોષીના ખાસ મિત્ર રમેશ પારેખ આ ગીતનો ‘પાણીદાર ગીત’ કહીને જે આસ્વાદ કરાવે છે એને ટૂંકાણમાં માણીએ (થોડી મારી નોંક-ઝોંક સાથે):

ગીતના ઉપાડમાં જ કવિ ‘પાણી ઉલેચ્યું’ એમ નહીં, ‘કૂવો ઉલેચ્યો’ એમ કહીને આ કૈંક જુદી જ વાત છે એનો સંકેત કરી દે છે. પછી તરત જ ‘કૂવો વાવ્યો’ એમ કહે છે ત્યારે કૂવો એના વાચ્યાર્થનો પરિહાર કરીને રહસ્યમય વ્યંજના ધારણ કરે છે. વાતે-વાતે રડી પડનારને લોકો ‘ભઈ, તારે તો કપાળમાં કૂવો છે’ એવું કહે છે તે યાદ આવે. અને તરત જ ‘આંખ’ના સંદર્ભો વીંટળાઈ જાય. ‘ખેતર’નો પણ એની જડ ચતુઃસીમામાંથી મોક્ષ થયો છે. પ્રતિભાશાળી સર્જક પગલે પગલે શબ્દોનો મોક્ષ કરતો હોય છે.

જેનાથી દૃષ્ટિ પોતાનું સાર્થક્ય પામે તેવા કોઈ ‘અવલોકનીય’ને પામવાની અપેક્ષામાં આંખને રોપી, વાવી. પછી? પછી બાજરાના મોલની ખળા સુધી પહોંચવા માટે હોય તેવી પક્વ સજ્જતાનું અને ઉત્સુક્તાનું દૃષ્ટિમાં પ્રકટીકરણ થયું. કાંટાની વાડનું નડતર પણ ન રહ્યું કેમકે એને અતિક્રમીને વ્હાલમનો બોલ સન્મુખ પ્રકટ થયો છે.

કાયા અને કાયામાં રહેલો ઉમંગ હવે અસીમ બન્યો છે. ખેતર પાછળ મેલીને પોલ ઊડી નીકળે એમ સ્થૂળ દેહ ખેતરના શેઢે છોડીને મન વિસર્જિત થવા દક્ષિણ તરફ ઊડ્યું. (મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભમાંથી કવિએ આ માર્મિક અભિવ્યક્તિ નિપજાવી લીધી છે).

ચારે દિશાઓ ભરાઈ જાય એટલા ઉમળકા હૈયામાં ઊઠી રહ્યા છે અને અ-ચલ પર્વતના શિખરોમાં ય કંપ છે. હરણાં જેવું મન અજંપે ચડી કૂદાકૂદ કરે છે…કેમકે પવનની પાલખીમાં આવેલ વ્હાલમનો કોલ, ઉપયોગી કે નિરુપયોગી તમામ વળગણોને તોડીફોડીને, પાલખીમાં લઈ જવા આવ્યો છે એટલે લઈ જ જશે….

7 replies on “વાલમનો બોલ – અનિલ જોષી”

 1. Vaidurya Upadhyay says:

  ખુબ જ સરસ ગીત સામ્ભળવા મળયુ આજે. ખુબ ખુબ આભર.

 2. manubhai1981 says:

  ગેીત,ગાન,અને આસ્વાદગમ્યાઁ.
  બધાનો ઘણો આભાર !

 3. bharat chandarana says:

  Ekdam Zakkas Rachanaa…..
  Thanks a Ton for such Wonderful share…….
  Adabhut….. Be-Namun…….. La Jawab…….
  Kabil-A-Tarif….

 4. chhayabn says:

  ગિત સ્વર અને આસ્વાદ ખુબ ગમ્યા

 5. બહુજ સરસ , આનદ્દયક ……..આભ્હર …..ધન્ય્વદ ;;;;;;;;;;;;;;અભિનદનદ્ન

 6. jayesh shah says:

  મારિ જિન્દગિ મા પહેલિ વાર કવિ ને તેમનિ સ્વરાકન કરેલિ રચના તેમના જ કઠ મા સાભળવા નો લાભ મ્ળ્યો..ધન્ય થ્યો..

 7. પાણીદાર ગીત ના શું મજાના શબ્દો છે? કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ મારા વાલમનો હરિયાળો કોલ…. બળતા પગે ભર ઉનાળે દોડીને મળવાનુ યાદ છે,
  મરક મરક મલ્કાતા ચેહરે હસવાનુ યાદ છે… અહીં ટપકાવું આપની મંજુરી માંગી મારી રૂડી કવિતા…

  કાલ્પ્નીક દુનીયા…

  સ્નેહ નીતરતી આન્ખનુ મળવાનુ યાદ છે,
  ઝીલવા કરેલ હાથને થામવાનુ યાદ છે….

  પ્રણયની ગોશ્ઠિમા દોટ મુકીને મળવાનુ યાદ છે,
  વિરહના ધીમા ડગલે પાછા ફરવાનુય યાદ છે…

  વન્ટોળે હિલોળા લેતા ધબકાર હૈયાના યાદ છે,
  વર્ષાના પ્રથમ આગમને ધરતીની સુગન્ધ યાદ છે…

  ચાન્દનીના પ્રકાશમા નૈન ઉભરાયા યાદ છે,
  ખભે માથુ ઢાળીને રુદન કર્યાનુ યાદ છે…

  સન્તાયેલી નીન્દરને ઉજાગરા કૈ યાદ છે,
  કહેલી વાત કાનમા ને હાસ્યનો ગુન્જારવ યાદ છે….

  બળતા પગે ભર ઉનાળે દોડીન મળવાનુ યાદ છે,
  મરક મરક મલ્કાતા ચેહરે હસવાનુ યાદ છે…

  રન્ગોળીના રન્ગોને મન્દિરના ધન્ટારવ યાદ છે,
  બન્ધ કરેલી આન્ખે અન્દર આવી ગયાનુ યાદ છે…

  કાલ્પ્નીક દુનીયામા ભાન ભુલવાનુ યાદ છે,
  સજ્જ્ડ પગે વાસ્તવિકતામા ડગ માન્ડવાનુ યાદ છે…

  રેખા શુક્લ, શિકાગો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *