સો સો રે સલામું મારાં ભાંડુડાંને (છેલ્લી સલામ) – ઝવેરચંદ મેઘાણી

સ્વર – ?
સંગીત – ?

સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો…જી !
મળાયું ન તેને સહુને માફામાફ કે’જો, ને
રુદિયામાં રાખી અમને રે’જો હો…જી !

ટીપેટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી –
એવા પાપ-દાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા – ઠરશે નજી !
– સો સો રે સલામુંo

કીધાં ખાખ ખાંડવવનને પાંડુ તણા પુત્રે તે દી
નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો…જી :
આદુનાં નિવાસી એ તો આ રે આર્યભોમ કેરાં,
પૂર્વજ મારાને પાપે ઓરાણાં હો…જી.
– સો સો રે સલામુંo

રઘુપતિ રામ મારા રુદાનો વિસામો – એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો…જી :
પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો…જી !
– સો સો રે સલામુંo

છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથવીના પેટમાં, ને
અસૂરો કહીને કાઢ્યા વનવાસ જી :
જીવતાંને કાજે જુદી નરકું બંધાવિયું, ને
સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી.
– સો સો રે સલામુંo

સમર્થોની સત્તા, સંતો, ઘુતારાની ઘૂતણબાજી,
કૂટિયા ગુરુની કૈં કૈં કરામાત જી :
એની તો વણાવી ઘીંગી ઘરમધજાઓ, એને
ભાંડું કેરે રગતે રંગી ભલી ભાત જી.
– સો સો રે સલામુંo

એવી એવી ઝડીઓ મારાં સહોદરો ઝીલતાં, ને
ધરમધજા કેરે ક્યારે સિંચાણાં હો…જી :
રુદામાં શમાવી સરવે રુદનપિયાલા, વા’લાં
હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો…જી.
– સો સો રે સલામુંo

રથના સારથિડા – સુણજો, સાધુ ને ગુંસાઈ સરવે,
કડાકા કરે છે રથની ધરીઓ હો…જી :
જુઓ જુઓ જુગનો ભેરવ ઊભો વાટ ખાળી આજે,
ભીતર તો નિહાળો : હરિ ક્યાં પળિયો હો…જી.
– સો સો રે સલામુંo

જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો, ને
ધરમ કેરા ધારણ-કાંટા માંડે હો…જી :
સતને ત્રાજવડે મારાં કલેજાં ચડાવિયાં મેં,
શીશ તો નમાવ્યું શાસનદંડે હો…જી.
– સો સો રે સલામુંo

હરિ કેરાં તેડાં અમને – આવી છે વઘામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો…જી :
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા’લાં !
રખે કોઈ રોકે નયણાં રડિને હો…જી.
– સો સો રે સલામુંo

– ઝવેરચંદ મેઘાણી

17 replies on “સો સો રે સલામું મારાં ભાંડુડાંને (છેલ્લી સલામ) – ઝવેરચંદ મેઘાણી”

  1. સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણી બાપુ નું રચેલું આ સુંદર ગીત લોક ગીત ના ઢાળ માં ગુજરાતી લોક સંગીત ના મોર સ્વર્ગસ્થ શ્રી હેમુ ગઢવી એ ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ પર થી ગાયું છે.

  2. સો સો સલામુ મારા મેઘાણિ ને……

    google par jhaverchandmeghani.com -> jhaverchandmeghani-wikipedia ->external links -> website about jhaverchand meghani run by his grand son -> click on voice -> tena par aa geet chhe, jena parthi lage chhe k aa avaj nitin devka no chhe.

  3. પ્રાછત એટલે પ્રાયશ્ચિત.
    ઈતિહાસ વિજેતાઓ દ્વારા લખાતો હોય છે.અહીં એ વિજેતાઓના વંશજોએ હારેલાઓનાં પેંગડામાં પગ નાખી જોવાનો પ્રયત્ન કર્યો છે. એમણે “ભીતર નિહાળીને” પ્રાયશ્ચિત અનુભવ્યું છે એની વાત શોર્ય કરતાં આ ગીતમાં વધારે છે એમ મને લાગે છે.

    • દલિતોના અધિકારો વિરૂદ્ધ ગાંધીજી ભૂખ હડતાલ પર બેઠા.
      ત્યારે મેઘાણીએ દલિતોના અધિકારોના રક્ષણ માટે કવિતા લખી ગાંધીજીને મોકલી.
      ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે શ્રી ઝ્વેરચંદ મેઘાણીએ ગાંધીજીને “ઝેરનો કટોરો” નામની કવિતા આપેલી. ગોળમેજી પરિષદમાં ગાંધીજી દલિતોના અધિકારોની વિરૂદ્ધમાં રહ્યા. તેમણે ડૉ.આંબેડકરનો પણ વીરોધ કર્યો. આમ છતાં અંગેજોએ દલિતોની અલગ મતાધિકારની માગણીને મંજૂરી આપી. ગાંધીજી ભારતમાં આવી પૂનાની યરવડા જેલમાં દલિતોને અંગ્રેજોએ આપેલા અધિકાર વિરૂદ્ધ ભૂખ હડતાલ પર બેઠા. હજારો વર્ષોથી પીડાતા અસ્પૃશ્ય દલિતોના અધિકારો વિરૂદ્ધ ભૂખ હડતાલ પર બેઠેલા ગાંધીજીનાં કૃત્યથી મેઘાણીનું હ્રદય દ્રવી ઉઠ્યું. અને તેમણે “ છેલ્લી સલામ” નામની કવિતા ગાંધીજીને મોકલી. ગાંધીજીએ વળતો પોસ્ટકાર્ડ લખી જણાવ્યું કે, તમારી પહેલી કવિતા મને ગમી, પણ આ બીજી કવિતા “છેલ્લી સલામ” મને ન ગમી.
      ઐતિહાસિક તથ્યો સાથે દલિતોને મૂલનીવાસી કહી, તેમની પર થયેલા અત્યાચારોનું વર્ણન હૈયું વલોવી નાંખે તેવું છે. અસ્પૃશ્ય દલિતોને “ મૂલનીવાસી” કહી લખાયેલી બિન દલિતની આ પ્રથમ કવિતા છે. કમનસીબે “દલિત સાહિત્યકારો” સહીત સૌએ ગાંધીજીને નહિ ગમેલી આ કવિતાની અવગણના કરી છે.
      આમ દેશના અસ્પૃશ્યો, કામદારો, પીડિતોના શોષણ વિરૂદ્ધ સખત શબ્દોમાં લખનાર, લડનાર અને લડતા લડતા જેલમાં જનાર એવા ક્રાંતિકારી શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫માં જન્મ દિને તેમને હૃદય પૂર્વકની શ્રધાંજલી.

  4. સ્વર પ્રફુલ્લ દવે નો છે તે વાત ચોક્કસ. સંગીતની ખબર નથી. પરંતુ ઝવેરચંદ મેઘણએ આ શોર્યગીત કોના માટે કે કયા સંદર્ભમા લખ્યું છે તે જાણવા મળે તો કઈંક તાળો બેસે…..

    • યરવડા આંદોલનના તથા પૂના કરાર સમયે આઝાદી માટે ગાંધી જી ને લખેલી આ કવિતા છે..

  5. રાષ્ટ્રકવિના મનને આજે ખૂબ સુઁદર રીતે માણ્યુઁ.
    પાઁડવો અને રાજા રામને યાદ કર્યા .ગેીતના
    બધા જ શબ્દો મમળાવવા જેવા છે.ગાનારા
    ભાઇ શ્રેી ઇસ્માઇલભાઇ જ હોઇ શકે !કવિશ્રેી
    તેમજ જયશ્રેીદીદી,અમિતભાઇને સો સો સલામો !

  6. મળાયું ન તેને સહુને માફામાફ કે’જો, ને
    રુદિયામાં રાખી અમને રે’જો હો…જી !

    હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા’લાં !
    રખે કોઈ રોકે નયણાં રડિને હો…જી.
    – સો સો રે સલામુંo

    કોઇ નો લાડકવાયો કેમ ભુલાય ?
    સો સો રે સલામું વ્હલા મેઘાણીજીને…

  7. શાળા છોડ્યા પછિ પહેલિ વાર મેઘાણિ જિ નુ કાવ્ય વાચવા મલ્યુ.મઝા આવિ. આખરિ કડી ” હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા’લાં !
    રખે કોઈ રોકે નયણાં રડિને હો…જી.બહુજ ગમી.
    શાળામા કોઇ નો લાડકવાયો કાવ્ય ભણ્ય હતા,એની પણ આખરી કડી માર્મિક
    ; ઍ પથ્થર પર કોતરશો નહિ કોઇ કવિતા લામ્બી ,લખજો ખાક પડી આહી ,કોઇના લાડકવાયાની.

  8. ખાસ તો શ્રી ઝવેરચંદ મેઘાણીને સો સો સલામ, આવું સરસ ભજન, શૌર્યગીત,દિલ ઝૂમી ઉઠ્યું.

  9. Thank you very much, never heard this song before.
    પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી – what does this line means.(SOUND LIKE PRAFUL DAVE.)

    Looking for song from movie Dada ho Dikri–THODI TO VISAMO MUNE LEVA DYO HARI BY PRAFUL DAVE.

  10. સ્વર ઇસમાએલ વાલેરાનો લાગે છે અને આકાશવાણી રાજકોટ દ્વારા રજુ થયેલુ ગીત લાગે છે (સંગીત ઉપરથી)

    • This voice definitely belongs to late shri Hemu Gadhavi. Hemu Gadhavi really gave soul to Shri Meghani’s literature and made it popular by his superb compositions.

  11. સો સો રે સલામું મારાં ઝવેરચંદ મેઘાણીને….કોઇ ન આવે એમની તોલે રે… વ્હાલ ભરેલ અર્થ-સભર કાવ્યો નો ખજાનો..શુરાતન ચઢાવે તેવી શોર્ય-સભર શૈલી વાળા કાવ્યો નો ખજાનો દેનાર તેમને નમ્રવંદન…ખુબ જ સુન્દર આ ગીત..સાચેસાચી સુપ્રભાત..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *