છૂટી શકું તો બસ – વિવેક મનહર ટેલર

Sea-eagle
(તીખી નજર…            ….બ્રાહ્મણી કાઈટ, દેવબાગ, કર્ણાટક, નવે- ૨૦૦૮ – Picture by Dr. Vivek Tailor)

એક તારી ગડમથલમાંથી છૂટી શકું તો બસ !
અડધી લખી ગઝલમાંથી છૂટી શકું તો બસ…

હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.

મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ.

તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

-વિવેક મનહર ટેલર
(૦૮-૦૯-૨૦૦૮)

છંદ-વિધાન: ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા

7 replies on “છૂટી શકું તો બસ – વિવેક મનહર ટેલર”

  1. ખુબ ખુબ ખુબ સરસ રચના!!!

    હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
    જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.
    તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
    થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

    Awesome!!!! Fantastic words!!! Say a lot many things!!!

  2. ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
    ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

    વિવેકભાઈ આ ગઝલમાં અહી ઘણું સાચું કહી ગયા ને એમની સ-રસ ફોટોગ્રાફી સાથે સાથે જ હોય..ખુબ ગમી આ ગઝલ.

  3. હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
    જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.
    તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
    થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

    તીખી નજર….આંખને મીઠી લાગી.
    વિવેક ભાઈની ગઝલ અને એમની ફોટોગ્રાફીને એ પણ ટહુકોમાં….પછી મજા કેમ્ ના પડે?

Leave a Reply to Rekha shukla(Chicago) Cancel reply

Your email address will not be published. Required fields are marked *