ખાલી ગજવામાં – મનોજ ખંડેરિયા

ઝીણી ઝાકળના ઝબકારા ભરું છું ખાલી ગજવામાં
અછડતા આછા ભણકારા ભરું છૂં ખાલી ગજવામાં

પડ્યું છે એક એવું છિદ્ર જેમાંથી બધું સરકે
છતાં હું કૈક જન્મારા ભરું છૂં ખાલી ગજવામાં

કરું છું એકઠી વરસોથી મૂડી હું પ્રતિક્ષાની
ખર્યા પાંપણથી પલકારા ભરું છૂં ખાલી ગજવામાં

ભરું છું એટલું કોઈ રહ્યું સેરવતું ચુપકીથી
છતાં ધીરજના ધબકારા ભરું છૂં ખાલી ગજવામાં

કશું ઝાલર સમું વાગી રહ્યું નિત સાંજે મારામાં
રગેરગમાં રણકારા ભરું છું ખાલી ગજવામાં

કદી આવીશ તો કેવો સમય ગાળ્યો બતા’વાને
સૂનાં દ્વારોના ભણકારા ભરું છું ખાલી ગજવામાં

નગરમાં એકલા ક્યારે પડી જઈએ, ખબર કોને!
હું એથી શબ્દ-સથવારા ભરું છું ખાલી ગજવામાં

– મનોજ ખંડેરિયા

8 replies on “ખાલી ગજવામાં – મનોજ ખંડેરિયા”

 1. Suresh Vyas says:

  “પડ્યું છે એક એવું છિદ્ર જેમાંથી બધું સરકે”

  છિદ્ર છે તે જાણ્યુ તમે
  થીગડુ ન માર્યુ તમે
  કે પેન્ટ ના બદલ્યુ તમે

  ને ઘણુ ગજવે ભર્યુ તમે
  ખાલી ખીસુ રાખ્યુ તમે
  એમ કેમ કર્યુ તમે? 🙂

  જય શ્રી ક્રિશ્ન!
  સુરેશ વ્યાસ

 2. પડ્યું છે એક એવું છિદ્ર જેમાંથી બધું સરકે
  છતાં હું કૈક જન્મારા ભરું છૂં ખાલી ગજવામાં..

  ખુબ સુન્દર રચના..!!

 3. પડ્યું છે એક એવું છિદ્ર જેમાંથી બધું સરકે
  છતાં હું કૈક જન્મારા ભરું છૂં ખાલી ગજવામાં

  ભરું છું એટલું કોઈ રહ્યું સેરવતું ચુપકીથી
  છતાં ધીરજના ધબકારા ભરું છૂં ખાલી ગજવામાં

  ખુબ સરસ, માનવી પોતાની અનંત ઈચ્છાઓ

  કે જીવન માં કોઈકવાર જ પુરી થાય છે છતાં

  ધીરજ થી તે ઈચ્છાઓ નો કાફલો તેના કાણા ખીસ્સામાં

  ભરતોજ જાય છે. પરીણામ ” ઈશ્વર ઈચ્છા બલીયસી “

 4. mahesh rana vadodara says:

  શબ્દ સથવારા ભરુ ખાલિ ગજવામા સરસ મજા આવિ

 5. dr.jagdip says:

  આનુ નામ મનોજ ખંડેરીયા…વાહ

 6. મજાની ગઝલ… બધા શેર ગમી જાય એવા…

 7. માણસ ની ત્રુષણા પણ કેટલી,અજાણતા પણ કેટલુ ભરવા મન કહ્યા જ કરે પણ કાણુ ખીસ્સુ તો જોયુ નહી…

 8. jAYANT SHAH says:

  યાદીઓને ખાલી ખીસામાભરી રાખો તો ભવિશ્યમા વાગોળાશે .
  મનોજભાઈનુ સુન્દર કાવ્ય .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *