ગીત મને કોઈ ગોતી આપો – યશવંત ત્રિવેદી

મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો

કોઈ રાધાનાં લોચન-શા આ દરિયાઓ
ઈ દરિયાઓની પાર ઝૂલતી સાંજનાં કોઈ વાંસવનો ઈ વાંસવનોના કો’ક મોરના મોરપીંછમાં
પૂરવ જનમ થૈ ઊડી ગયેલું ગોકુળ મારું ગોતી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.

મારો ચઇતર તો અંધ, મને શીદ ફૂલોભરી તડકાની ડાળી બતલાવો?
મારા ગોકુળની ઋતુ ઋતુ , આ અંધ શહેરમાં નિયોનના પરદાઓમાં શીદ લટકાવો?

કોઈ કન્હાઈની આંખોમાં તરતાં આકાશો
ઈ આકાશોને કહો કે ઊતરે હળુહળુ કોઈ બોરસલીની ડાળે
ઈ બોરસલીની ડાળ હવે તો વસંતનું ઝુમ્મર થૈ ઝૂલે
ઈ ઝુમ્મર નીચે રીસે ઊભી રાધાને ફૂટ્યું ગીત મને કોઈ લાવી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.

સમયના તૂટી ગયેલા દર્પણમાં લો આજ મને કોઈ પૂરવજનમથી સાંધી આપો.
ઈ દર્પણના કો’ક શહેરના અવશેષોથી કન્હાઈ-રાધા આજ મને કોઈ લાવી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો

– યશવંત ત્રિવેદી

4 replies on “ગીત મને કોઈ ગોતી આપો – યશવંત ત્રિવેદી”

 1. ”’બહુજ સરસ , કન્હૈ નિ વાતો , યસ્વન્ત્ભૈ ને અભિનદનન્….

 2. vimala says:

  પૂરવ જનમ થૈ ઊડી ગયેલું ગોકુળ મારું ગોતી આપો,
  સમયના તૂટી ગયેલા દર્પણમાં લો આજ મને કોઈ પૂરવજનમથી સાંધી આપો.

  કન્હાઈ-રાધાના આવા સુંદર ગીતો આપતા રહો એ અભ્ય્રર્થના.

 3. બોરસલીની ડાળ હવે તો વસંતનું ઝુમ્મર થૈ ઝૂલે
  ઈ ઝુમ્મર નીચે રીસે ઊભી રાધાને ફૂટ્યું ગીત મને કોઈ લાવી આપો.

  ખુબ સુન્દર કલ્પના માં મારો હંમેશ નો પ્રશ્ન અંધ શહેરમાં રખડીને સામે આવ્યો…ને પરદામાં લટકાયો..!

  મારો ચઇતર તો અંધ, મને શીદ ફૂલોભરી તડકાની ડાળી બતલાવો?
  મારા ગોકુળની ઋતુ ઋતુ , આ અંધ શહેરમાં નિયોનના પરદાઓમાં શીદ લટકાવો?

 4. Ravindra Sankalia. says:

  ગોકુળ શોધી આપવાની વાત બહુ ગમી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *