શબ્દો છે શ્વાસ જેના…..

એવા આપણા વ્હાલા વિવેકભાઇને આજે ફરી કહીએ – Happy Birthday..!! 🙂
સુરેશ દલાલના આ શબ્દો કોઇક પુસ્તકમાં વાંચ્યા હતા એકવાર – કવિનો જન્મદિવસ ઉજવવાની સૌથી ઉત્તમ રીત – એમની રચનાઓ માણીને !
આ પહેલા વિવેકભાઇના કેટલાક શેરોનું સંકલન આપણે એકવાર માણ્યું છે – એમના બ્લોગના જન્મદિવસે. આજે એમના જન્મદિવસે પણ એવું જ એક મારા ગમતા શેરોનું સંકલન આપવાનો પ્રયાસ કરું છું. આશા છે કે આપને ગમશે.

કોયલ બેઠી
પર્ણઘટામાં; હવે
વૃક્ષ ટહુકે !!

untitled.JPG

ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

લાખ ઈચ્છા થાય તો પણ ચાલતા રહેવું પડે,
શ્વાસ છું તો આમ અધવચ્ચે હું થાકી ના શકું.

પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.

પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

‘આપણા’ ઘટતા ગયા ને ‘મારા’ જ્યાં વધતા ગયા,
તે ઘડીથી વિશ્વમાં પૂરા થયા સંબંધ સૌ.

મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
ફિતરત છે મારી આ ને આ દિલ પણ ફિતૂરી છે.

તું શબ્દ મારાં છે અને છે શબ્દ મારાં શ્વાસ,
જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.

આભ એનું એ જ, સૂરજ, ચાંદ-તારા એના એ જ,
તો તો નક્કી આ નજરમાંથી જ નીકળી ગ્યું કશુંક.

આપી શકું ના એ ય તું માંગી શકે છે તો
ઝૂક્યો બલિ, ઝૂક્યો! ત્રીજું પગલું ઊઠાવ, લે !

હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
ચાંદ સમ તું ગઈ એ દિ’થી ક્યાં ઊગે છે ચાંદની ?!

ફરી પાછાં ફર્યાં પાછાં, હજી શું રહી ગયું બાકી?
કે એક ‘ના’થી વીતે છે શું એ જોવા ઝંખના જાગી?

તારો સફરમાં સાથ જો ક્ષણભરનો હોય તો,
લઈ શ્વાસ બેસુમાર પછી કોણ નીકળે ?

હું તો શું ? કાવ્ય પણ ભીંજાયા છે,
મન-વિચારોને જો અડે ઝાકળ.

યાદના પાણીમાં તારી એક ઠેસ…
ક્યાં સુધી મારામાં વર્તુળાય છે (!)

હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

પાણી ભરેલા વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ?

પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

10 replies on “શબ્દો છે શ્વાસ જેના…..”

  1. વાહ વાહહહ
    હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ
    કબર પાસેથી તું ગુજરે, એ આશામાં જીવે છે લાશ

    હૃધય સ્પર્શી

  2. મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
    ફિતરત છે મારી આ ને આ દિલ પણ ફિતૂરી છે.

    તું શબ્દ મારાં છે અને છે શબ્દ મારાં શ્વાસ,
    જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.

    i liked this…

    Belated happy birthday to Vivekbhai..

  3. મારા તરફથી પણ જન્મ દિવસ મુબારક ! વિવેકભાઈ !
    તુમ જિયો હઝારોઁ સાલ ….સાલ કે દિન હો પચાસ હજાર !

  4. Many Many Hapyy returns of the day.. Vivekbhai..

    વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
    આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

  5. જન્મદિવસની શુભેચ્છાઓ….
    હંમણા જ ‘સહીયારું સરજન’ પર અગડં બગડં લખ્યું
    આજનાં વસંતના દિને
    પ્રગટ થયો સુરતમાં
    વ્યવસાયે થયો તબીબ
    નથી એટલું મહત્વ તેનું!

    શબ્દો બન્યાં શ્વાસ તારા
    વિવેકભ્રષ્ટ થયાં વગર
    પ્રગટ થયાં કાવ્યો જ્યારે
    સાચો એજ જન્મ દિન !

    તે કવિ વિવેક જીવશે
    યાવત્ચન્દ્રદિવાકરૌ !

  6. વસંત જેવી ………મહોર્યેજ છુટકો. સરસ અભિવ્યક્તી ખરેખર સુંદર શે’ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *