પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો – શેખાદમ આબુવાલા

ocean.jpg

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;
અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.

તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો

હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો

જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.

ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.

ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

7 replies on “પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો – શેખાદમ આબુવાલા”

  1. aa gazal janita gujarati gayak shri sanjay oza dwara sarat rite raju thai chhe album k bandishkar nu nam yad nathi

  2. સુન્દર્.કવિની બીજી ગઝલો સમ્ભળાવવા અનુરોધ.

  3. જ્યાં પણ હ્રદયના ઊભરા, ઊભરે કરો કબુલ,
    તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના.
    ના, એવું દર્દ હોય મહોબત સિવાય ના,
    સોચો તો લાખ સૂઝે – કરો તો ઉપાય ના.

  4. ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
    કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.

    મનના computer ને સમજવુ ઘણુ અઘરુ છે…

  5. સુંદર ગઝલ ….

    ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;
    અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.

    તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
    ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.

    દરેક શેર બહુ મસ્ત છે…

  6. ખુબ જ સરસ અને ગહન ગઝલ છે.

    ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
    નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

  7. ઘડાયલી કલમની સુંદર રચના
    તેમાં
    ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
    કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.
    ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
    નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.
    વાહ્

Leave a Reply to Lalit Cancel reply

Your email address will not be published. Required fields are marked *