મારા હિસ્સાનો સૂરજ – ગૌરાંગ ઠાકર

મારા હિસ્સાનો સૂરજ જો અંધારે અટવાઇ જશે તો?
નીકળું ઘરથી ફાનસ લઇને રસ્તામાં બુઝાઇ જશે તો?

ઇશ્વર નામે ગોળો ગબડ્યો ને માણસને મળવાથી શું?
અડધે રસ્તે હાંફી જઇને શ્રધ્ધાથી બોલાઇ જશે તો?

સિક્કો સોંપી દઇને પાછું રમવાનું પણ છાપ પ્રમાણે,
રમતાં રમતાં મારો સિક્કો તારાથી ખોવાઇ જશે તો?

ટહુકાનું વરદાન મળ્યું છે એને ક્યાંથી બાન કરું હું?
દ્વાર ઉઘાડે તું પહેલા ત્યાં હૈયું જો ખોલાઇ જશે તો?

પડછાયાની પૂજામાં રમમાણ રહે છે જીવનભર પણ,
તારું તારી વચ્ચે હોવું ક્યાંય તને સમજાઇ જશે તો?

માથે મૂકી જાત અમે સૌ પાદર લગ તો પહોંચ્યા છીએ,
ઝાંખુ પાંખુ ઘર દેખાઇ પણ મારગ લંબાઇ જશે તો?

4 replies on “મારા હિસ્સાનો સૂરજ – ગૌરાંગ ઠાકર”

  1. સુંદર જાનદાર ગઝલ…

    પડછાયાની પૂજામાં રમમાણ રહે છે જીવનભર પણ,
    તારું તારી વચ્ચે હોવું ક્યાંય તને સમજાઇ જશે તો?
    – આ શેર ખૂબ ગમી ગયો…

  2. આજે અમિતભાઇ-પૂર્વીનાઁ શુભ લગ્ન !
    અભિનઁદન સહ આશિર્વાદ !આપણ સૌના !

Leave a Reply to akash Cancel reply

Your email address will not be published. Required fields are marked *