ન સાંભળે – ભગવતીકુમાર શર્મા

પથ્થરના બનેલા છે આ રસ્તા, ન સાંભળે
લોહીલુહાણ ચરણોની પીડા ન સાંભળે

એને કહેવું શું કે જે અષાઢ – શ્રાવણમાં
કેસેટ સાંભળે ને ટહુકા ન સાંભળે

મળવા ધસેલી એક સરિતાના કાનમાં
દરિયો જે કરે વાત તે મોજાં ન સાંભળે !

વીણા વગાડવી છે પરંતુ સચેત છું
થોડાંક સાંભળે ને ટોળાં ન સાંભળે

ઘડિયાળ છે જીવંત, સમય તાલબધ્ધ છે
ભીંતોનો દોષ છે જે ટકોરા ન સાંભળે

એ છે અધીરતા કે ઉપેક્ષા ખબર નથી
આખી ગઝલ સુણે અને મક્તા ન સાંભળે.

 

5 replies on “ન સાંભળે – ભગવતીકુમાર શર્મા”

  1. એને કહેવું શું કે જે અષાઢ – શ્રાવણમાં
    કેસેટ સાંભળે ને ટહુકા ન સાંભળે

    સરસ મજાનો શેર..

  2. સરસ ગઝલનાં આ મજાનાં શેર…
    એ છે અધીરતા કે ઉપેક્ષા ખબર નથી
    આખી ગઝલ સુણે અને મક્તા ન સાંભળે.
    વીણા વગાડવી છે પરંતુ સચેત છું
    થોડાંક સાંભળે ને ટોળાં ન સાંભળે
    કોઈક વાર આપણે કાંઇ જ કરવાને માટે અસમર્થ લાગતી વાત પણ સાંભળવી એ મોટો ગુણ છે.
    ત્ેમણે જ ક્કહ્યું છે તેમ=
    આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
    આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.

  3. એને કહેવું શું કે જે અષાઢ – શ્રાવણમાં
    કેસેટ સાંભળે ને ટહુકા ન સાંભળે

    ઘડિયાળ છે જીવંત, સમય તાલબધ્ધ છે
    ભીંતોનો દોષ છે જે ટકોરા ન સાંભળે

    – મજાના શેર…. સચોટ અને બળુકી વાત…

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *