કવિ વિનાનું ગામ – અનિલ જોશી

પ્હાડ ફરીને પાછા વળતા પ્હાડ મૂકીને આવ્યા
પરોઢનું ઝાંખું અજવાળું ખાલી હાથે લાવ્યા

કુંજડીઓના હારબંધ ટહુકાની બારી ખુલ્લી
સૂર્ય ડોકિયું તાણે ત્યાં તો ઝળહળ ઝાકળ ઝૂલી

અંધકારનો ભણકારો થઇ ભમરો ફોરમ દોરે
સવારના ચહેરા પર બેસી અજવાળાને કોરે

કોરાતે અજવાળે ઊભાં રહીને પર્વત કાંખે
ખોબે ખોબે ધુમ્મસ પીધું પતંગિયાની પાંખે

ધુમ્મસ પીને ઝાંખીપાંખી એકલતાને ટેકે
ઢાળ ઊતરી ઊભાં આવીને પલાશ વનની મ્હેકે

પલાશવન તો જાય દોડતું ક્યાંય લગી હરણોમાં
પર્વત આખો થા કે મારા થંભેલા ચરણોમાં

મનમાં એવું થાય કે પૂગું પ્હાડ મૂકી સૂમસામ
અવાજના જંગલમાં ભટકે કવિ વિનાનું ગામ.

– અનિલ જોશી

8 replies on “કવિ વિનાનું ગામ – અનિલ જોશી”

  1. કોરાતે અજવાળે ઊભાં રહીને પર્વત કાંખે
    ખોબે ખોબે ધુમ્મસ પીધું પતંગિયાની પાંખે..
    કમાલ ધમાલ ને બેમિસાલ….આફરિન. શ્રી અનિલભાઈ ખુબ સ-રસ રચના માટે આપનો આભાર.

  2. બહુ જ અઘરિ વાતો , કવિ અ રજુ કરિ ……..જે ….સમ્માન્ય સમજ નિ બહાર ……..અનિલ્ભૈ ને ધન્યવદ ,,,,,,,,,ને આભાર તમારો …………મધુ કાવ્ય સ્વાદ કરવવનો ……….

  3. જ્યા ન પહોચે રવિ ત્યા પહોચે કવિ ,સૌન્દર્ય નિહાલ્વા કવિ દ્રશ્તિ જરુરિ

  4. એકલતાના ટેકાનો તો કવિ જ પરિચય કરાવી શકે. હરણો સાથે વન પણ દોડતું હોય છે તેવી કલ્પના તો કવિ જ કરી શકે. થંભેલા ચરણોમાં યુગોથી ઊભેલો પહાડ થાક ખાય છે તેવો વિચાર પણ કવિને જ આવે. ચ્યુંઈગમની જેમ આખી કવિતા જાણે મમળાવીએ જ રાખીએ. અનિલ જોષીને અભિનંદન તથા ટહુકા નો ખુબ ખુબ આભાર.

Leave a Reply to chandrika Cancel reply

Your email address will not be published. Required fields are marked *