સંબંધ તો પ્રેમનો થવા – રવિ ઉપાધ્યાય

સંબંધ તો પ્રેમનો થવા સંજોગ જોઇએ,
સાચું પૂછો તો ભાગ્યમાં કોઇ યોગ જોઇએ!

એમ સમજાશે નહીં કિંમત શી મિલનની,
રામ-સીતાના જેવો વિરહ ને વિયોગ જોઇએ!

કષ્ટ વિના સાધના ફળતી નથી કદી,
શીલાની અહલ્યા થવાં કોઇ સંયોગ જોઇએ!

કર્મનાં કાજળ ન ગંગાજળથી ધોવાતાં,
જીવનમાં સત્યનાં સદા પ્રયોગ જોઇએ!

યુધ્ધમાં તલવાર તો કોઇની સગી નથી
મિત્ર યા શત્રુ સહુનો ભોગ જોઇએ!

પામવાં મૃત્યુ ‘રવિ’ આખરમાં કુદરતી,
જેની દવા મળે નહીં એ રોગ જોઇએ!

7 replies on “સંબંધ તો પ્રેમનો થવા – રવિ ઉપાધ્યાય”

  1. સંબંધ તો પ્રેમનો થવા સંજોગ જોઇએ,
    સાચું પૂછો તો ભાગ્યમાં કોઇ યોગ જોઇએ!

    એમ સમજાશે નહીં કિંમત શી મિલનની,
    રામ-સીતાના જેવો વિરહ ને વિયોગ જોઇએ!

    કષ્ટ વિના સાધના ફળતી નથી કદી,
    શીલાની અહલ્યા થવાં કોઇ સંયોગ જોઇએ!

    Nice One…

  2. ખરેખર ખુબજ સુદર રચના છે.

    એમ સમજાશે નહીં કિંમત શી મિલનની,
    રામ-સીતાના જેવો વિરહ ને વિયોગ જોઇએ!

    આ રચના તો ખુબજ સરસ છે.
    આપણને માણસ ની કિમત તેની ગેરહાજરી મા જ સમજાય છે.પણ ત્યા સુધીમા તો ઘણુ મોદુ થઈ ગયુ હોય છે.
    -અમી.

  3. કવિ રવિ ઉપાધ્યાયે પ્રેમના સંબંધ માટે આ બહુ સુંદર રચના લખી છે.દરેક શેરને દાદ આપવાનું મન થાય છે.
    ડો. જગદીપભાઇનું આ માટેનું વિવેચન બહું જ ગમી ગયું.
    એમનું આ તારણ, આ વિધાન જચી ગયું …….
    ” કહેવાય છે કે માગ્યું મોત, ધાર્યુ મોત અને કુદરતી મોત મળવા નસીબ જોઇએ.ડોક્ટરોને ડેથ સર્ટીફીકેટ્માં મૃત્યુંનું એકાદું કારણ લખવું પડ્તું હોય છે. ઘણીવાર એવું બને કે લખાયેલું કારણ સત્ય હોય પણ એમાં તથ્ય ન હોય.રોગ ક્યો છે એ ખબર હોય પણ એની દવા જ ન હોય તો શું કામનું? બાકી તો જો જીવવાનું ખરેખર લખાયેલું જ હોય તો હનુમાન જેવો આપણો સેવક-સંબંધી ક્યાયથીએ આવી ટ્પકી પડે અને જરૂર પડ્યે દવા માટે આખે આખો પહાડ ઉંચકી આવે.”
    – સુનીલ જોષી

  4. ડો.જગદીપભાઈએ સરળ શબ્દોમાં ખુબજ અઘરી વાત સમજાવી.
    પ્રેમ એટ્લે મિલન…. અને આ મિલનની મઝા ઝૂરવામાં છે…

  5. કર્મનાં કાજળ ન ગંગાજળથી ધોવાતાં,
    જીવનમાં સત્યનાં સદા પ્રયોગ જોઇએ!

    વાહ! શું સુંદર અને સરળ શબ્દોમાં ખૂબ મોટી વાત કહી દીધી છે !
    ડો. જગદીપભા ઇએ બહુ જ સરસ વિવેચન કર્યું છે. ધન્યવાદ!

  6. કવિ રવિ ઉપાધ્યાયની આ સુઁદર અને સરળ પણ ગહન અર્થસભર ગઝલ વાઁચીને મન પુલકિત થઇ ગયુઁ. ઍમના પુત્ર ડો. જગદીપનુઁ બેનમૂન વિવેચન વાઁચી એમને હ્રદયપૂર્વક દાદ આપવાનુઁ મન થઇ ગયુઁ. ડો. જગદીપભાઇએ આપેલી લીઁક પરથી કવિ રવિ ઉપાધ્યાયની સાઇટ પર ગયા પછી કવિ રવિ ઉપાધ્યાયના સાહિત્યના ખજાનાના દર્શન થયાઁ. ડો. જગદીપભાઇએ ખૂબ સુઁદર રીતે એને સજાવી છે.
    – અભય

  7. સંબંધ તો પ્રેમનો થવા…
    મનુષ્ય જેવો જન્મ મળતાં મા-બાપ, ભાઇ-બહેન, દાદા-દાદી, નાના-નાની, કાકા-માસી-ફોઇ ઇત્યાદિ સાથે આપણે લોહીના સંબંધથી હંમેશ માટે બંધાતા હોઇએ છીએ, આગળ જતાં શિક્ષણ, રહેઠાણ, ધંધો-વ્યવસાય જેવાં બીજા અનેક કારણોથી આપણે બીજા અનેક સંબંધોથી સંધાતા હોઇએ છીએ. આ સંધાયેલા સંબંધોતો અદલાય પણ, બદલાય પણ, પળભરમાં નંદવાય પણ, પરાણે નભાવાય પણ, હોંશેહોંશે સચવાય પણ,…,આ સંબંધો સાચા પણ હોય ‘ને જૂઠાં પણ હોય. કહેવાય છે કે સાચો સંબંધ સાચવવો પડતો નથી અને જે સાચવવો પડે એ સંબંધ સાચો હોતો નથી.
    ” સબસે ઉંચી પ્રેમ સગાઇ….” પ્રેમનો સંબંધ…..એ તો ભાગ્યમાં કોઇ યોગ હોય ત્યારે જ એના સર્જાવાનાં સંજોગ પણ સર્જાય. પણ આ પ્રેમ એટલે શું?.

    મરાઠી કવિ મંગેશ પાડગાંવકરના મતે
    ” પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ હોય છે.
    આપણા સહુંનું સરખું : બસ એમ જ હોય છે…..”
    અર્થાત આ પ્રેમ ક્દી કોઇ વ્યાખ્યામાં બંધાતો નથી, એ તો યોગ અને સંજોગને સંબંધે વીંટળાઇ આપોઆપ ઉદભવે છે. આ પ્રેમ પણ કોઇ સંબંધના હાંશીયામાં કેદ થઇને બેઠો હોય ત્યારે એ શોભે પણ. પ્રેમ એટ્લે મિલન…. અને આ મિલનની મઝા ઝૂરવામાં છે… અને એની કિંમત પણ આપણે જ્યારે રામ-સીતાનાં વિરહ-વિયોગને સમજીએ ત્યારે તો સમજાય.
    જપ, તપ, તીરથ, સાધના વગેરે કષ્ટ ભોગવ્યાં વિના અને યોગ જાગ્યાં વિનાં ફળતાં નથી. યોગ જાગ્યો ત્યારે જ , શીલા થઇ મારગમાં પડી કષ્ટ સહેનાર અહલ્યાને શ્રીરામનો ચરણસ્પર્શ થયો અને પુન: માનવ દેહ પ્રાપ્ત થયો…..
    કહેવાય છે કે માગ્યું મોત, ધાર્યુ મોત અને કુદરતી મોત મળવા નસીબ જોઇએ.ડોક્ટરોને ડેથ સર્ટીફીકેટ્માં મૃત્યુંનું એકાદું કારણ લખવું પડ્તું હોય છે. ઘણીવાર એવું બને કે લખાયેલું કારણ સત્ય હોય પણ એમાં તથ્ય ન હોય.રોગ ક્યો છે એ ખબર હોય પણ એની દવા જ ન હોય તો શું કામનું? બાકી તો જો જીવવાનું ખરેખર લખાયેલું જ હોય તો હનુમાન જેવો આપણો સેવક-સંબંધી ક્યાયથીએ આવી ટ્પકી પડે અને જરૂર પડ્યે દવા માટે આખે આખો પહાડ ઉંચકી આવે.
    ” તને કોણે કહ્યું કે મરણની બાદ મુક્તિ છે? રહે છે કેદ એની એ, ફકત દિવાલ બદ્લાય છે.”
    આ લોકનાં સર્વ બંધન છોડી મનુષ્ય પરલોક સિધાવે છે ત્યારે ત્યાં જઇને એણે એનાં આત્માને પરમાત્મમાં, એનાં જીવને શીવમાં અને પીંડને બ્રહ્માંડમાં ભેળવી નવા સંબંધની શરૂઆત કરવાની હોય છે. પ્રેમના સંબંધની ફિલસૂફી જ્યારે અને જે ઘડીએ સમજાશે તે ઘડીએ જ આપણાં આ મનસરોવરનું સાચાં અર્થમાં માનસરોવરમાં રૂપાંતર થયેલ છે એમ માની શકાય.
    *********************************
    મારાં સ્વ. પિતાશ્રી રવિ ઉપાધ્યાયની ( http://WWW.raviupadhyaya.wordpress.com )આ એક સુંદર ગઝલ ટહુકા પર મૂકવાં જયશ્રીબેન અને એમની ટીમને ધન્યવાદ.
    ડો. જગદીપ ઉપાધ્યાય

Leave a Reply to Abhay Cancel reply

Your email address will not be published. Required fields are marked *