તને ચાહવી છે મારે તો – પ્રિયકાન્ત મણિયાર

આ કવિતા વાંચવાની શરૂઆત કરો, ત્યારે તમારી આસપાસ ભલે ગમે એટલો ઘોંઘાટ હોય, પણ કવિતાની છેલ્લી કડી વાંચો ત્યાં સુધીમાં કાનમાં શરણાઇના સૂર ચોક્કસ ગૂંજશે..! 🙂

હવે આકાશના સર્વ તારકોને જોઈ લઉં
ને જાણી લઉં કેટલું શ્રેત – કેટલું સ્વચ્છ થવું પડશે મારે.
તને ચાહવી છે મારે તો
જગતનાં સર્વ વૃક્ષોનાં ફરફરતાં પર્ણને પૂછી લઉં :
કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઇએ મારે
અવિરામ લયની માધુરી જન્માવવા ?
તને ચાહવી છે મારે તો
પૃથ્વીની સઘળી ધૂલિ – જે વારંવાર વેગીલા વાયરામાં
ઊડી જાય –
તેને મારા સંપુટમાં સમાવવા શીખી લઉં
કારણ કે તારે કાજે કેટલી એકાગ્રતા
ઘટ્ટ કરવી પડશે મારે –
અને છતાં ઘડીભર થોભું,
સકલ ક્ષારમય આ મને મળેલા સાગર સામે
શક્ય એટલી શર્કરા લઇ આવું –
ત્યાં સુધી તું પણ થોભીશ ને ?
મલકાયેલા લોચનમાં
ત્યાં તો વાંચું ભાવિની સ્પતપદીની અગ્નિવેદી,
હસતા હોઠમાં હસ્તમેળાપ –
અને જો આપણે ચાલ્યાં
યુગોથી ઠરતા હિમાલયના શિખરને હૂંફ આપવા.

– પ્રિયકાન્ત મણિયાર

6 replies on “તને ચાહવી છે મારે તો – પ્રિયકાન્ત મણિયાર”

  1. સરસ અને સુન્દર રચના.
    શુભ દીપાવલી અને નુતન વર્ષાભીનન્દન.
    શુભકમનાઓ સાથે.

  2. વાહ કવિ !ઉત્તમ રજૂઆત ! આભાર ભાઇ-બહેના !
    હેપ્પી દિવાળી……..સાલ મુબારક !શુભેચ્છા..

  3. ખુબ જ સુંદર કાવ્ય…

    ..જગતનાં સર્વ વૃક્ષોનાં ફરફરતાં પર્ણને પૂછી લઉં :
    કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઇએ મારે
    અવિરામ લયની માધુરી જન્માવવા ?
    ..તને ચાહવી છે મારે તો..

  4. નિર્મલ નિરન્તર પ્રેમ નિ અભિવ્યક્તિ………………ખુબજ ભાવ અનએ પ્રેમ નિ ઉશ્મા થિ ભરેલિ……….રચના…………

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *