તને ચાહવી છે મારે તો – પ્રિયકાન્ત મણિયાર

આ કવિતા વાંચવાની શરૂઆત કરો, ત્યારે તમારી આસપાસ ભલે ગમે એટલો ઘોંઘાટ હોય, પણ કવિતાની છેલ્લી કડી વાંચો ત્યાં સુધીમાં કાનમાં શરણાઇના સૂર ચોક્કસ ગૂંજશે..! 🙂

હવે આકાશના સર્વ તારકોને જોઈ લઉં
ને જાણી લઉં કેટલું શ્રેત – કેટલું સ્વચ્છ થવું પડશે મારે.
તને ચાહવી છે મારે તો
જગતનાં સર્વ વૃક્ષોનાં ફરફરતાં પર્ણને પૂછી લઉં :
કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઇએ મારે
અવિરામ લયની માધુરી જન્માવવા ?
તને ચાહવી છે મારે તો
પૃથ્વીની સઘળી ધૂલિ – જે વારંવાર વેગીલા વાયરામાં
ઊડી જાય –
તેને મારા સંપુટમાં સમાવવા શીખી લઉં
કારણ કે તારે કાજે કેટલી એકાગ્રતા
ઘટ્ટ કરવી પડશે મારે –
અને છતાં ઘડીભર થોભું,
સકલ ક્ષારમય આ મને મળેલા સાગર સામે
શક્ય એટલી શર્કરા લઇ આવું –
ત્યાં સુધી તું પણ થોભીશ ને ?
મલકાયેલા લોચનમાં
ત્યાં તો વાંચું ભાવિની સ્પતપદીની અગ્નિવેદી,
હસતા હોઠમાં હસ્તમેળાપ –
અને જો આપણે ચાલ્યાં
યુગોથી ઠરતા હિમાલયના શિખરને હૂંફ આપવા.

– પ્રિયકાન્ત મણિયાર

6 replies on “તને ચાહવી છે મારે તો – પ્રિયકાન્ત મણિયાર”

 1. પ્રણયાનુભૂતિનું સુંદર કાવ્ય !! વારંવાર મમળાવવું ગમે એવું…

 2. Nitin shukla says:

  નિર્મલ નિરન્તર પ્રેમ નિ અભિવ્યક્તિ………………ખુબજ ભાવ અનએ પ્રેમ નિ ઉશ્મા થિ ભરેલિ……….રચના…………

 3. asha says:

  ખુબ જ સુંદર કાવ્ય…

  ..જગતનાં સર્વ વૃક્ષોનાં ફરફરતાં પર્ણને પૂછી લઉં :
  કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઇએ મારે
  અવિરામ લયની માધુરી જન્માવવા ?
  ..તને ચાહવી છે મારે તો..

 4. manubhai1981 says:

  વાહ કવિ !ઉત્તમ રજૂઆત ! આભાર ભાઇ-બહેના !
  હેપ્પી દિવાળી……..સાલ મુબારક !શુભેચ્છા..

 5. સરસ અને સુન્દર રચના.
  શુભ દીપાવલી અને નુતન વર્ષાભીનન્દન.
  શુભકમનાઓ સાથે.

 6. congrates ; this N O W u can tell ur beloved with pride , thanks to priykantbhai maniar to guide us ; n teach us this lovely lessons , thanks , once again ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *