તનાવ રાખું છું – મહેશ દાવડકર

પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.

પાર જઈને હું ત્યાં કરું પણ શું?
બસ હું તો તરતી નાવ રાખું છું.

ખોળિયામાં હવે નથી સીમિત,
કોઈમાં આવજાવ રાખું છું.

રસ પડે તો પતંગિયું થઈ આવ,
ફૂલ જેવો હું ભાવ રાખું છું.

જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.

મૂળ પકડાઈ જાય પીડાનું,
એથી તાજા હું ઘાવ રાખું છું.

ક્યાંક છલકાઈ જાઉં ના એથી,
હું મને ખાલી સાવ રાખું છું.

– મહેશ દાવડકર

14 replies on “તનાવ રાખું છું – મહેશ દાવડકર”

  1. મૂળ પકડાઈ જાય પીડાનું,
    એથી તાજા હું ઘાવ રાખું છું.

    સુંદર, માર્મિક રચના!
    પીડાનો ઉપરછલ્લો જ ઉપચાર કર્યા કરીએ એટલે પીડા અવાર-નવાર થયા જ કરે. બહેતર એ જ કે ઘાવ લીલો રાખી, થોડું
    વધારે સહન કરી પીડાના મૂળ સુધી જવું અને એવો ઉપચાર કરવો કે એ જડમૂળથી જાય.

  2. સરસ તો ખરી જ પણ શ્રી વિવેકભાઈએ કહ્યું એમ કમાલની ગઝલ પણ કહેવું પડે એવી માતબર ગઝલ.
    વાહ મારા નામેરી…!
    જય હો.

  3. વાહ! મહેશભાઈ,બધા જ શે’ર અદ્ભુત!! વાહ, ક્યા બાત હૈ!!!!

  4. વાહ વાહ વાહ મહેશભાઈ ખુબજ સરસ રચના
    ખોળીયા મા નથી હવે સિમિત
    કોઈ મા આવજાવ રાખુ છૂ

  5. ક્યાંક છલકાઈ જાઉં ના એથી,હું મને ખાલી સાવ રાખું છું….કેહવુ પડે શ્રી મહેશભાઈ..ખુબ સુન્દર..કમાલની ગઝલ છે…ઘણી ગમી.

  6. ક્યાંક છલકાઇજાઉં ન એથી,

    હું મને સાવ ખાલી રાખું છું.. સુંદર રચના….

Leave a Reply to RITA SHAH Cancel reply

Your email address will not be published. Required fields are marked *