શ્રીપ્રાણલાલ વ્યાસને શ્રધ્ધાંજલી (શેઠ સગાળશા – ચેલૈયો)

મિત્રો, ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું‘, ‘ચૈલેયાનું હાલરડું’ અને ‘ભાગુ તો મારી ભોમકા લાજે’ ના ગાયક એવા પ્રથમ કક્ષાના લોકગાયક અને ભજનિક શ્રીપ્રાણલાલ વ્યાસ હવે આપણી વચ્ચે નથી રહ્યા!! તેમના વતન જૂનાગઢ ખાતે ગઈ કાલે બપોરે પોણા ત્રણ કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો.

તેઓ પ્રખર શિવભક્ત હતા. ગાયકીના ક્ષેત્રમાં લગભગ પાંચેક દાયકાથી કાર્યરત એવા શ્રીપ્રાણલાલ વ્યાસ મુખ્યત્વે ડાયરા અને સ્ટેજ કાર્યક્રમોનું એક અભિન્ન અંગ બની ચૂક્યા હતા. લગભગ દરેકે-દરેક ડાયરામાં તેમેણે રસિક શ્રોતાજનોની ફરમાઈશ પર ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ ગાયું હશે! તેમેણે કુલ ૩૭ જેટલી ફિલ્મોમાં પોતાનો કંઠ આપ્યો હતો. જેમાં “શેઠ સગાળશા” (૧૯૭૮) ફિલ્મનાં બે ગીત – ‘ચૈલેયાનું હાલરડું’ અને ‘ભાગુ તો મારી ભોમકા લાજે’, “ગોરા કુંભાર” ફિલ્મનું “ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું” તથા “ગંગાસતી” (૧૯૭૯) ફિલ્મનું “હાલો મારા હરિજનની હાટડીએ” ખૂબ જ લોકપ્રિય થયા હતા.

તો આજે એમને ટહુકો અને આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી સાથે માણીએ એમના કંઠે ફિલ્મ ‘શેઠ સગાળશા’ ના આ બે ગીતો.. અને સાથે થોડી વધુ માહિતી..! (આભાર – કેતન રૈયાણી)
————————————————————————–

દંતકથા એવી છે કે – દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયો, જ્યાં એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે જમવાનો સમય થયો, ત્યારે કર્ણને થાળીમાં સુવર્ણના ટુકડા પીરસાયા, જ્યારે અન્ય સૌને અન્ન. કર્ણ હેરાન થઈ ગયો. દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતા જાણવા મળ્યું કે કર્ણએ પૃથ્વી પર હમેંશા બ્રાહ્મણોને, અને એ ય માત્ર સુવર્ણદાન જ કર્યું છે, એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે. જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત, તો સ્વર્ગમાં અન્ન મળી શકત. કર્ણ દેવરાજ પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માગે છે અને મૃત્યુલોકમાં કળિયુગમાં, વાણિયાના ખોળિયે શેઠ સગાળશા રુપે જન્મ ધારણ કરે છે.

શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતી (કે સંગાવતી) સદાવ્રત ચલાવે છે. સમાજનાં દરેક વર્ગના લોકોને બન્ને જણાં જમાડે છે. ધમધોકાર સદાવ્રત ચાલે છે. દુકાળનાં કપરાં વર્ષોમાં પણ શેઠ સગાળશાનાં અન્નના ભંડારો ખુલ્લા રહે છે. દૂર દૂર સુધી એમની ખ્યાતિ ફેલાયેલી છે.

બધી વાતે સુખ હોવાં છતાં એમને શેર માટીની ખોટ છે. એક જોગંદરના કહેવાથી પતિ-પત્ની એક વ્રત રાખે છે કે ઓછામાં ઓછા એક અતિથિને જમાડ્યા વગર ભોજન ન લેવું. આવી અનેક માનતાઓ પછી પતિ-પત્ની પુત્રરત્ન પામે છે. ચેલૈયો એનું નામ. માતા-પિતા પાસેથી અત્યંત નાની ઉમરમાં જ ચેલૈયાએ ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરેલા છે. નાનકડો ચેલૈયો શાળાએ ભણવા પણ જાય છે.

એકવાર ચોમાસામાં વરસાદ ચાલુ થાય છે, તે રોકાવાનું નામ જ લેતો નથી. નવ-નવ દિ’ વીતવા છતાં હેલી ધરતીને ધમરોળવાનું ચાલુ રાખે છે. ભયંકર વરસાદને લીધે આંગણે કોઈ માગણ કે અતિથિ ડોકાતો નથી. શેઠ-શેઠાણી અને ચેલૈયો લાંઘણ પર લાંઘણ ખેંચે રાખે છે. આખરે દસમે દિવસે વરસાદ થંભે છે અને જનજીવન પૂર્વવત બને છે. દીકરા ચેલૈયાને શાળાએ મોકલી શેઠ-શેઠાણી ગામમાં કોઈ અતિથિ – ભૂખ્યાંની શોધમાં નીકળે છે.

ગામને પાદર એક અવાવરુ જગ્યામાં તેમને એક અઘોરી મળી જાય છે. અઘોરી તદ્દન કુરૂપ અને, મેલો-ઘેલો છે. સમગ્ર શરીરે રક્તપિત્તના ચાઠાં છે, જેમાંથી પરુ નીતરે છે. એની નજીક જતાં જ ભયંકર વાસ આવે છે. દંપતિ એમની પાસે જાય છે અને એમને ઘરે પધારવા વિનંતી કરે છે પણ અઘોરી કહે છે કે તમે મારી માગણીઓ પૂરી નહિ કરી શકો. વણિક દંપતિ ખૂબ આગ્રહ કરીને પરાણે ઘરે લઈ આવે છે. એમને હૂંફાળા પાણીએ સ્નાન કરાવે છે, પરુથી નીતરતા એના ઘારા સાફ કરે છે, સારા વસ્ત્રો પહેરાવે છે અને પછી સુંદર આસને બેસાડીને અનેક વાનગીઓ ભરેલો થાળ ધરે છે. ગુસ્સે થઈને અતિથિ થાળને ઠોકર મારી દે છે અને કહે છે કે અમે અઘોર પંથના સાધુ છીએ, અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ!!

વણિક દંપતિ આવી માગણી સાંભળીને હતપ્રભ થઈ જાય છે. વણિકના ઘરમાં માંસ ચૂલે ચડે? પણ જો માગણી પૂરી ન થાય તો અતિથિ ઘરેથી ભૂખ્યો જાય અને સગાળશાનું વ્રત તૂટે. આખરે ખાટકીને ત્યાં જઈને તાબડતોબ સગાળશા માંસનો પ્રબંધ કરી આવે છે. ચંગાવતી બત્રીસ પકવાનો બનાવી જાણે છે, પણ માંસ રાંધતા થોડું આવડે? કાળજું કઠણ કરીને ચંગાવતી માંસ રાંધે છે. ફરી થાળી અતિથિ સમક્ષ આવે છે. દંપતિ સામે ઉભા રહીને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરે છે. થાળીમાં જ્યાં નજર કરે છે ત્યાં અતિથિના ચહેરા પર રોષ પથરાય છે. અતિથિ ફરીથી થાળીનો ઘા કરે છે.

હવે શું? અતિથિની માગણી તો કંઇક ઓર જ છે. અઘોરી બાવા ફરમાવે છે – “શેઠ! અમે રહ્યા અઘોરપંથી. અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માંગો છો? અમને માનવ-માંસ સિવાય કંઇ ન ખપે…!”

વણિક દંપતિ પર આભ તૂટી પડે છે. માનવ-માંસ ક્યાંથી લાવવું? દંપતિ વિચારે છે કે આપણી ટેક પૂરી કરવા આપણેન્ય માનવજીવનો ભોગ ન આપી શકીએ. માનવ-માંસનો પ્રબંધ તો ઘરમાંથી જ કરવો ઘટે. હૈયા પર પત્થર મૂકી ચેલૈયાનો ભોગ ધરાવવાનું નક્કી થાય છે. ચેલૈયાને શાળાએ તેડું મોકલવામાં આવે છે. અચાનક ઘરેથી તેડું આવતા ચેલૈયો ઉતાવળે પગે ઘરે જવા નીકળે છે. વિઘ્નસંતોષીઓ ચેલૈયાને ચેતવે છે કે તારા માતા-પિતા તારો ભોગ આઘોરીને ધરાવી મોટા દાનેશ્વરી થવા માગે છે, માટે ભાગી નીકળ. સંસ્કારી ચેલૈયો જવાબ આપે છે કે ‘ભાગું તો મારી ભોમકા લાજે..!’

આ પ્રસંગને વર્ણવતું ગીત અહીં જુઓ – ભાગું તો મારી ભોમકા લાજે..!

ભાગુ તો મારી ભોમકા લાજે, ભોરિંગ ઝીલે ન ભાર…(૨)
મેરુ સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે….(૨)

મોરધ્વજ રાજાએ અંગ વહેરાવ્યા, કીધા કર્ણે દાન…(૨)
શિબિરાજાએ જાંઘને કાપી ત્યારે મળ્યા ભગવાન,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે….(૨)

શિર મળે પણ સમય મળે નહિ, સાધુ છે મે’માન,
અવસર આવ્યે પાછા ન પડીએ, કાયા થાય કુરબાન,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે….(૨)

ઘરે પહોંચ્યા પછી ચેલૈયાને વ્હાલભરી છેલ્લીવારની ચૂમીઓ ભરે છે. દીકરા પર તલવાર ચલાવતા માવતરનો જીવ કેમ ચાલે? ચેલૈયો કહે છે કે બાપુ, ઝટ કરો, મને બધી જ જાણ થઈ ચૂકી છે. અતિથિદેવતા ક્ષુધાતુર છે, તેમને વધુ રાહ નથી જોવડાવવી. આવા ઉત્તમ પુત્રની ગેરહાજરી જીરવાશે નહિ એ નક્કી જ છે. આથી, આતિથિના ચાલ્યા ગયા બાદ ચેલૈયાનું કપાયેલ માથું ખોળામાં લઈને પતિ-પત્ની પણ જીવનનો અંત આણવાનુ નક્કી કરે છે. ભયંકર વેદનાને હ્રદયમાં ભંડારીને દંપતિ પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે, અને અતિથિને ધરાવે છે. કહે છે મહારાજ, હવે તો રાજી ને? ભોજન કરો. થાળીમાં નજર કરીને ફરીથી એ જ નારાજગી – “આ શું? તમારે મને ન જમાડવો હોય તો મને અહીંથી રજા આપો. મને શરીરનાં અંગોનુ માંસ? મારે તો મસ્તકનું ભોજન જોઈએ…!!”

અને પછી તો મહારાજ આકરામાં આકરી શરતો મૂકે છેઃ “ચેલૈયાનું મસ્તક ખાંડણિયામાં મૂકીને ખાંડો. તમે લગ્ન કર્યા હોય તે વખતે જેવા શણગાર સજ્યા હોય તેવા કપડા પહેરો. માથું ખાંડતી વખતે તમારી આંખમાંથી એક પણ આંસુ ખરવું ન જોઈએ. તમને બન્નેને જો દીકરો ગુમાવ્યાનો જરા પણ રંજ હોય તો મારે ભોજન કરવું નથી…!!”

સગાળશા-ચંગાવતી આ તમામ શરતોનું અક્ષરશઃ પાલન કરે છે. ખાંડણિયામાં માથું ખાંડતી વખતે પતિ-પત્ની પોતાના વ્હાલસોયા દીકરાને યાદ કરીને હાલરડું ગાય છે, જે “ચેલૈયાનું હાલરડું” તરીકે લોકસાહિત્યમાં સચવાયું છે.

આ પ્રસંગને વર્ણવતું ગીત અહીં જુઓ – ચેલૈયાનું હાલરડું

જોને ધ્રુવ ડગે, અને મેરુ ડગે, ડગે અરણવનાંય ઉર,
પણ નર-નારી જોને નહીં ડગે, ભલે પશ્ચિમ ઉગે સૂર.

મારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું, ને જાડેરી જોડશું જાન,
પણ ઓચિંતાના મરણ આવિયા, એને સરગેથી ઉતર્યા વિમાન.

માર નોંધારાનો આધાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ બાપનું ઢાંકણ બેટડો, અને નરનું ઢાંકણ નાર,
પણ ભગતનું ઢાંકણ ભૂધરો, એ તો ઉતારે ભવ પાર.

તારા મે’તાજી જોવે તારી વાટ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ ઘર નમ્યું તો ભલે નમ્યું, તું કાં નમ્યો ઘરનો મોભ?
પણ જેના ઘરમાંથી કંધોતર ઉઠિયા, એને જનમોજનમના સોગ.

મારે જનમોજનમના સોગ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ હાથે પોંચી હેમની, અને ગળે એકાવન હાર,
પણ જેને આંગણ નહિં દીકરો, એનાં મંદિરિયા સૂનકાર.

તારા નિશાળિયા જુવે તારી વાટ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ મેલામાં મેલો નુગરો, અને તેથી યે મેલો લોભ,
પણ એથી મેલા અમે દંપતિ, ઇ તો મૂવે ય ન પામે મોક્ષ.

મારી ચાખડીના ચડનાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પછી તો ચેલૈયાના મસ્તકનું ભોજન થાળીમાં આવે છે અને આખરે મહારાજ ભોજન કરવા તૈયાર થાય છે. દંપતિ અતિથિને સંતુષ્ટ જોઈને રાજી થાય છે. પહેલો કોળિયો મોંમાં મૂકતા પહેલા અતિથિ સવાલ કરે છે – “તમારા ઘરમાં અન્ય કોઈ બાળક ખરું?” દંપતિ ભારે હૈયે જણાવે છે કે ચેલૈયો અમારે એક જ હતો. મહારાજ કોળિયો પાછો થાળીમાં મૂકતા ચોખવટ કરે છે – “બાળક વિનાનું સૂનું આંગણું હોય તેવા ઘરમાં હું ભોજન કરતો નથી…!!”

કસોટીની હવે તો હદ થાય છે. એકના એક બાળકનો ભોગ લેવાઈ ગયા પછીયે અતિથિ ભૂખ્યા ને ભૂખ્યા!! પણ પાછા પડે એ બીજા…! ચંગાવતી કહે છે કે – “મહારાજ, ભોજન લીધા વિના તો તમારાથી જઈ જ નહી શકાય. બે ઘડી થોભો.”. પછી શેઠને કહે છે કે – “મને કટાર આપો. મારા પેટમાં સાત માસનો ગર્ભ છે. એમાં જીવ આવી ચૂક્યો છે. મારા અગ્નિસંસ્કાર પછી કરજો, પણ અતિથિ ભૂખ્યા ન જવા જોઈએ..!!” હાથમાં રહેલી કટાર જ્યાં ચંગાવતી પેટમાં નાંખવા જાય છે, ત્યાં હરિએ પકડ્યો હાથ..!! હરિ ધ્રૂજ્યો, પ્રકાશ થયો અને કસોટીમાં સાંગોપાંગ પાર ઉતરેલ દંપતિને પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા. મૃત પુત્ર ચેલૈયો પણ પાછો આપ્યો.

૧૯૭૮માં રજૂ થયેલી ફિલ્મ “શેઠ સગાળશા”માં શેઠ સગાળશા અને ચંગાવતીનું પાત્ર અનુક્રમે શ્રીકાંત સોની અને સ્નેહલતાએ અદભૂત રીતે ભજવ્યું છે. “ભાગું તો મારી ભોમકા લાજે” અને “ચેલૈયાનું હાલરડું” – બન્ને લોકગીતો પહેલેથી જ લોકજીભે વણાયેલા હતા, એમાંય પ્રાણલાલ વ્યાસ / દિવાળીબેન ભીલનો ઘૂંટાયેલ અવાજ અને અવિનાશ વ્યાસનું સંગીત ભળ્યાં છે, એટલે ગીતો ખૂબ જ સુંદર બન્યા છે.

નોંધઃ- આ શેઠ સગાળશા જૂનાગઢ જિલ્લાના બિલખા ગામે થઈ ગયા. આજે ત્યાં ચેલૈયાની જ્ગ્યા આવેલી છે. લોકો ચેલૈયાનો ખાંડણીયો અને શેઠ સગાળશાની પ્રસિદ્ધ જગ્‍યાના દર્શન કરવા અહીં આવે છે. જૂનાગઢ શહેરથી વિસાવદર જતા વચ્ચે બિલખા આવે છે.

26 replies on “શ્રીપ્રાણલાલ વ્યાસને શ્રધ્ધાંજલી (શેઠ સગાળશા – ચેલૈયો)”

  1. ખૂબ જ રસપ્રદ

    આપને કેટલા નશીબદાર છીએ કે, શેઠ સગાળશા-ચંગાવતી-અને ચેલૈયાની ભોમકામાં આપણને જનમ મળ્યો.

    આભાર પ્રભુ.

  2. પ્રાણલાલ વ્યાસ ના ‘ચાહત’ આલ્બમનું બિંદુમાં સિન્ધુ સમાવી નહિ શકો જ્યારે પ્રથમ વાર સાંભળ્યુ ત્યારથી જ દિલ મા વસી ગયુ. શ્રી પ્રાણલાલ વ્યાસ નાકંઠે બિંદુમાં સિન્ધુ સમાવી નહિ શકો શ્રદ્ધાંજલિ સ્વરૂપે મૂકી શકાય તો ખૂબ આનંદ થાય.

  3. મોરલો ટહુક્યો,ટહુકો ગૂજ્યો, વાદળ્ ગોરમ્ભાયા અને ગુજરાતી લોકસન્ગીત પર વિજળી ત્રાટકી ને પ્રાણલાલના પ્રાણે અનન્તને માર્ગે પ્રયાણ આદર્યુ.
    જાતસ્ય હિ ધૃવો મૃત્યુ એ સનતન સત્ય સ્વિકારવુજ રહ્યુ. પ્રભુ દિવન્ગતના આત્માને શાન્તિ અર્પે.

  4. ટહુકાને સાનંદ આવકાર! આવતાની સાથે વર્ષોથી લોક હ્રદયે બીરાજતા ગુજરાતી લોકસહિત્ય અને દેશી ભજનોના પ્રાણ સમા પ્રાણલાલ વ્યાસે ગાયેલી બે રચના અહીં મુકીને તમે તેમને યોગ્ય શ્રધ્ધાંજલી આપી છે.
    કાનદાસબાપુ પછી નારાયણસ્વામી અને હવે પ્રાણલાલ વ્યાસના જવાથી આ ક્ષેત્રે બહુ મોટી ખોટ પડી છે. ગાયક કલાકારો હશે પરન્તુ સૈકાઓથી લોકજીભે ચડેલા સાહિત્યને આત્મસાત કરીને લોકોના હૈયા સોંસરવા ઉતરી ગયેલા આવા ભેખધારીઓ હવે કદાચ
    નથી.
    પ્રભુ એમના આત્મા ને પરમ શાંતિ આપે અને તેમના પરિવાર પર આવી પડેલ આ દુઃખ સહન કરવાની તેમને શક્તિ આપે.
    એજ પ્રભુ પાસે પ્રાર્થના.

    દિનેશ પંડયા

  5. ગુજરાતિ લોક સાહિત્ય અને ભજનના ટહૂકા કરતા મોરલાઓ અનેક,પણ પ્રાણલાલ વ્યાસ જેવા પન્ચમ સૂરમાં કેકારવ કરતા તો તેઓ એકજ. હવે એ કસાયેલા સ્વર માં નવી સૂરાવલીઓ સાંભળવા નહી મળે. પ્રભુ સદ્ ગત ના આત્માને ચીર શાન્તિ બક્ષે. અસ્તુ.

  6. શેઠ સગાળશા અને ચેલૅયાની કથા વાંચીને આંખ ભરાઇ આવી. આ છે આપણા લોક સાહિત્યની તાકાત ! પ્રાણલાલ વ્યાસ મૃત્યુ પામી જ શકે નહીં. તે તો સદાય અમર જ છે.

  7. નામ રહંનતા ઠાકરા નાણા નહિ રહત, કિરતી કેરા કોઠડા પડયા નવ પડંત .સુરજ ચાંદ જયાં સુધી હશૅ ત્યા સુધી પ્રણલાલાભાઇ નુ નામ રૅહશૅ.

  8. ગુજરાતી લોકસંગીતનું એક અનમોલ રત્ન આપણે ખોયું

  9. i remember pranlalbhai in dayro he is out standing bhajnik,we miss best voice from Gujrat i loved his voice from my hart

  10. લોકકથા ખુબજ હ્ઐઇય અને અત્મ ને સ્પરશિ જાય ા

  11. તેમણે ગાયેલા અન્ય લોકપ્રિય ગીતો – “એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા”, “મારા ગુરુજીને પૂછો રુડા જ્ઞાન…” અને “હો નાથ તમે તુલસીને પાંદડે તોળાણા”

  12. યોગાનુયોગ પણ કેવો? પ્રખર શિવભક્ત એવા સદગત પ્રાણલાલભાઈ સિધાવ્યા પણ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે! પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે!

  13. ટહુકાને સપ્રેમ આવકાર !શ્રેી પ્રાણલાલ વ્યાસને
    હાર્દિક શ્રદ્ધાન્જલિ ! બન્ને ગેીતો ગુજરાતનુઁ અમૂલ્ય
    ઘરેણુઁ છે,તેમજ લોક્જીભે વસેલાઁ છે.આભાર !

  14. સમાચાર જાનેી ને દુઃખ થયુ , પ્રભુ એમના આત્મા ને શાન્તિ આપે

  15. ..તહુકો ફરિ એક્વાર સાન્ભલ્વા મલ્યો …મન મોર થઇ ગયુ

  16. ખરેખર ખુબ્જ ખુશિ થયા ટહુકો સામ્ભ્લવા મલ્યો
    સર્સ ભજન છ્હે

  17. પ્રભુ સદગત ના આત્મા ને શાંતિ આપે….

    ‘મુકેશ’

  18. એક યુગ આથમી ગયો ….પ્રભુ સદગત ના આત્મા ને શાંતિ આપે

  19. ( 1 ) .. After a long interval, really pleased to receive
    TAHUKO today. God Bless You for resuming your
    service.
    ( 2 ) .. The two songs which are really refreshing an
    historical event are heart-rending, for which
    thank you. Your Gujarati explanation has doubly
    given meaningful details of the story and its
    singers, one of whom is respected Pranlalbhai
    Vyas, whose soul has departed leaving behind
    such memorial songs. God bless departed soul
    eternal peace. Om Shanti, shanti, shanti.

  20. પ્રાણલાલ વ્યાસ – ગુજરાત નુ ગૌરવ – પ્રભુ તેમના આત્માને શાન્તિ આપે.

  21. પ્રાણલાલ વ્યાસને મે એકવાર આખી રાત સાંભળ્યા છે. ઘણા વર્ષ થયા. ૩૦-૩૧ વર્હ્શ થયા હશે પણ આજે પણ એવું લાગે છે કે હું એમને અત્યારે સાંભળી રહ્યો છું. કમનશીબે એ પછે તેમને સાંભળવાનો મને મોકો ન મળ્યો. એમના જવાથી હવે તો પ્રત્યક્ષ તેમને ક્યારેય સાંભળી નહિ શકાય.

  22. ” વ્યાસ [પીઠ] નાં પ્રાણ એટલે “પ્રાણલાલ વ્યાસ” ડાયરા નાં અષાઢી લોક ગાયક
    શ્રી પ્રાણલાલ વ્યાસ ને શ્રધા સુમન આપતા દુ;ખ ની લાગણી અનુભવાય છે.
    પ્રભુ એમના આત્મા ને પરમ શાંતિ અર્પે, અને તેમના પરિવાર ને સાંત્વના અર્પે ,
    એજ પ્રભુ પાસે પ્રાર્થના.”

  23. આઘાત જરુર લાગે ..મ્રુત્યુ અનિવાર્ય અનિસ્ટ તેનો સ્વિકાર જ કરવો રહ્યો ..સદગતના આત્માને પરમ ક્રિપાલુ પરમાત્મા પરમ શાન્તિ અર્પે એજ પ્રાર્થના..એ ભલે ન હોય ..પણ તેનો સ્વર તો સતત ગુન્જતો જ રહેશે..તેમને યાદ કરી ..તેમનિ રચના સતત સામ્ભ્લવઈ એજ એની સાચી શ્રધ્ધાજલિ..હર હર મહાદેવ હર્. ઑમ શાન્તિ શાન્તિ..
    (વડિલ સ્વ્.પ્રાણલાલ વ્યાસ જેવો પન્ચમ સૂર તો હવે નાભિનો અવાજ તો હવે કોણ ગાઈ શકશે..?)

  24. ગુજરાતની યશકલગીમાંથી એક વધુ મોરપીંછ ખરી પડ્યું…. પ્રભુ સદગત શ્રી પ્રાણલાલ વ્યાસના આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રર્થાના..

Leave a Reply to manvant patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *