ફરી ઘર સજાવ તું – રમેશ પારેખ

તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું
લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું

આંસુભર્યા રૂમાલ સૂકવવાની આજકલ ઋતુ છે શહેરમાં
પંપાળ મા તું ઘાવ, ઢળેલી નજર ઉઠાવ, નજર ના ઝુકાવ તું

સપનાંનો ભગ્ન અંત નવેસરથી આ વસંત લખે છે કૂંપળ વડે
કૂંપળ છે તારી મિત્ર ને દોરે છે તારું ચિત્ર, ન ચહેરો છુપાવ તું

અચરજ છે એ જ એક કે સર્વત્ર મ્હેક મ્હેક મધુરપનો મોગરો
થોડી ક્ષણોને ઘૂંટ કે આખોય બાગ લૂંટ ને ઉત્સવ મનાવ તું

હોઠે થીજેલ શબ્દ ને લોહીનાં વ્હેણ સ્તબ્ધ શું આ આપણે છીએ?
તારો છે હક કે માંગ, અનાગતની પાસે રાગ ને મહેફિલ જમાવ તું

બેઠો ર.પા. ઉદાસ અને એની આસપાસ તું ટોળે વળી ગઇ
ના ચૂપચાપ તાક, ને ભીતર જરાક ઝાંક, છે એનો અભાવ તું

3 replies on “ફરી ઘર સજાવ તું – રમેશ પારેખ”

  1. સપનાંનો ભગ્ન અંત નવેસરથી આ વસંત લખે છે કૂંપળ વડે
    કૂંપળ છે તારી મિત્ર ને દોરે છે તારું ચિત્ર, ન ચહેરો છુપાવ તું

    Time to make a fresh start
    Time to let time heal your heart
    Forget about what could have been
    Let your new life begin
    There is no reason to feel sad
    Starting over will not be that bad
    You knew in your heart it was for the best
    After all, happiness should never be a test

  2. એક્લા બેસિને સામ્ભલ્ાવાનિ મજા આવે તેતલુ સરસ ચે. કોઇએ કમ્પોસ નથિ કર્યુ?

  3. આઁસુભર્યા રુમાલ સુકવવાની આજકલ ઋતુ છે શહેરમાઁ !
    ર્.પા.ની નજર ઘણી ઝીણી જણાઇ આવે છે.સુઁદર ફુલો !
    આભાર બહેના ,આવુઁ સર્જન આપવા બદલ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *