ડેલીએ આવે તો -પ્રજ્ઞા વશી

સંગીત: મેહુલ સુરતી

સ્વર: અનિતા પંડિત

ડેલીએ આવે તો બારણુંયે વાસુ પણ સપનામાં આવે તો શું?
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું…

આંખોમાં જ્યારથી મેઘધનુ કોર્યા એ રંગો હથેળી જઈ મ્હોર્યા,
કમખા ને ઓઢણીની કોરે ચીતરેલા મોરલાં ઓછા ના ટહુક્યા;
કુમળા એ અવસરને એમ થયું જાણે કે સોળ વરસ બાથમાં ભરું…
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.

હોઠો પર વાસંતી લાલી ફૂટીને ગાલો પર આવી ગુલાબી,
હૈયામાં ઉછરેલ સૂરજમુખી કરે રોમરોમ રણઝણની લ્હાણી;
મોસમની જેમ તું આવ-જા કરે ને મળે શ્વાસોને ભવભવનું ભાથું…
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.

-પ્રજ્ઞા વશી

6 replies on “ડેલીએ આવે તો -પ્રજ્ઞા વશી”

  1. મોસમની જેમ તું આવ-જા કરે ને મળે શ્વાસોને ભવભવનું ભાથું…
    સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.
    સ્મરણ
    હતુ શુ કારણ કે તારુ સ્મરણ આંખ થી ટપકી પડ્યુ?
    ના શબ્દ થઈ શક્યુ બસ.
    અવ્યક્ત થઈ કઈ કહેતુ રહ્યુ.

  2. ડેલીએ આવે તો બારણુંયે વાસુ પણ સપનામાં આવે તો શું?
    સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું…

    ખુબ સરસ!!!

  3. ડેલીએ આવે તો બારણુંયે વાસુ પણ સપનામાં આવે તો શું?
    સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું……યાદ આવી ગઈ તો અહીં રજુ કરુ છું મારી કવિતા..!!

    ઢીંગલા-ઢીંગલીને હિંચકે હિંચાવે આ જીન્દગી…!!!!
    અક્ષરોના ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર,પુષ્પાંજલિ કવિતાની સમર્પણ કરવા આવી છું;
    ઝુલતાં મિનારાના સહારે ભર્યા ડગ ને સ્વપ્નનો મહેલ કંડારુ છું,દુરથી સુખી જોઈને આછુ સ્મિત વેરું છું;
    રમત રમી ખો-ખોની પણ સંતાકુકડી યાદ કરું છું,સુખના સરનામાની શોધે બાઈ-બાઈ ચાંયણી;
    પહેરીને ચશ્મા જો જડે એનો ઝાંપો, હું તો ડેલે હાથ ધરવા આવી છું;
    રુપેરી ઝરણાંને કહી સસલીએ કવિતા,દોટ મુકી અટક્યું અમારીજ આંખમાં;
    સુતરના બે ધાગાની રાખી ને રુડી મજાની બાંધણી, નાડાછડીના બન્યા ગણેશને સાબુમાં કોતરેલા રમકડાં;
    મુલાકાત વગરના સંબંધોને ઉછેર્યા અત્તરના પુંમડાથી,હેઠી ઉતરી ઉંબરેથીને સ્પર્શે મુગ્ધ થાંઉ છું…!!
    રેખા શુક્લ (શિકાગો)

  4. સરસ !

    સ્મરણો ની હેલી રોકવી છે?
    સુસ્મરણો નું પૂર લાવો.

    મન બેફામ ભટકે છે?
    ધ્યાન યોગ કરો.

    થોડા વૈરાગી થાવ
    મન સ્થિર કરવાનો
    રોજ અભ્યાસ કરો

    ‘સ્કંદ’ આ કહેક છે,
    જે ગીતા કહે છે.

Leave a Reply to dipti Cancel reply

Your email address will not be published. Required fields are marked *