પ્યારનો પારો – વેણીભાઇ પુરોહિત

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઇ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઇ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
કે તું ય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મૂરઝાય કળી,
કોઇ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુ:ખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો, શા માટે?

– વેણીભાઇ પુરોહિત

10 replies on “પ્યારનો પારો – વેણીભાઇ પુરોહિત”

  1. હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
    કે તું ય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

    વેણીભાઇ તેની બીજી રચનામાં તેનો જવાબ પણ આપે છે…

    એક સથવારો સગપણનો
    મારગ મજીયારો બે જણનો…
    એક સથવારો…

    આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં
    વાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં

    એક અણસારો ઓળખનો
    એક ઝમકારો એક ક્ષણનો
    એક સથવારો…

  2. ઘણે વખતે વેણીભાઈનુ ગીત વાચ્વા મળ્યુ. જ્યા પ્રેમ કર્યાનુ પાપ નથી એ પન્ક્તિ ખુબ ગમી.

  3. “પ્યારનો પારો,”

    બહુ ઓછા પચાવી જાણે છે.

    હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,

    છાતાં વેણીભાઈ કહે છે…

    “ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો, શા માટે?”

  4. ક્રાંતિકારી ની રચના જાણે……અદભુત..!

    હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
    ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો, શા માટે?

  5. ઘણા સમયથી આ ગઝલ શોધતી હતી, આજે મળી.

    Thank you for posting such a nice gazal.

    છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
    મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

  6. સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મૂરઝાય કળી,
    કોઇ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?
    વાહ…ખુબ સુન્દર રચના..દિલની વાત એમણે લખી…!!

  7. હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
    કે તું ય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

    એક સરસ કવિ રચના.Keep it up Jayshree.

Leave a Reply to M.D.Gandhi, U.S.A. Cancel reply

Your email address will not be published. Required fields are marked *