શાંતિ પમાડે તેને તો સંત કહીએ – બાપુ ગાયકવાડ

સ્વર -દિલીપ ધોળકિયા

શાંતિ પમાડે તેને તો સંત કહીએ
એના દાસના તે દાસ થઈને રહીએ રે… ભાઈ રે શાંતિ

કલ્પવૃક્ષ સેવ્યે દારિદ્ર રહ્યું ઊભું
ત્યારે તેના તો ગુણ શીદ ગાઈએ રે?… ભાઈ રે શાંતિ

રાજાની ચાકરી નિત્ય રહી ઊભી
ત્યારે પારકી તો વેઠ શીદ વહીએ રે?… ભાઈ રે શાંતિ

વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ના ભણાવ્યું
ત્યારે પંડ્યાનો માર શીદ ખાઈએ રે?… ભાઈ રે શાંતિ

લીધો વળાવો ને લૂંટવા રે લાગ્યો
ત્યારે તેની સંગાથે શીદ જઈએ રે?… ભાઈ રે શાંતિ

વૈધ્યનો સંગ કરે રોગ રહ્યો ઊભો
ત્યારે વૈધ્યની તે ગોળી શીદ ખાઈએ રે?… ભાઈ રે શાંતિ

કીધી બાંધણી ને માથું વઢાવે
ત્યારે તેને તે ઘેર શીદ જઈએ રે?… ભાઈ રે શાંતિ

નામ અનામ સદ્ગુરુ બતાવ્યું
તે નામ ચોંટયું છે મારે હઈયે રે?… ભાઈ રે શાંતિ

બાપુ તેની કાયા તો નરવો સ્નેહ છે
અમે એવા સ્વામીને લેઈને રહીએ રે?… ભાઈ રે શાંતિ

– બાપુ ગાયકવાડ

હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ:

બાપુસાહેબ ગાયકવાડ બાપુમહારાજ તરીકે પણ પ્રસિદ્ધ હતા. મધ્યકાલીન કવિઓમાં આ એક પદને કારણે પણ ગાયકવાડનું નામ યાદ રહી જાય એવું છે. ઘણાં વર્ષો પહેલાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે સજ્જન કોને કહો? પ્રશ્ન ઓચિંતો પુછાયેલો. આપમેળે જે જવાબ આપ્યો તે કયો?… જેનાં સાંનિધ્યમાં તમે રિલેકસ થઈ શકો, તમે આસાયેશ અનુભવી શકો એ માણસ સજ્જન. સંત તો સજ્જનનાયે સજ્જન.

કવિએ અહીં સંતની અત્યંત અદ્ભુત વ્યાખ્યા આપી છે અને પ્રથમ પંક્તિમાં જ એક ઘા ને બે કટકા જેવી વાત કરી છે. શાંતિ પમાડે તેને તો સંત કહીએ. જીવનમાં અશાંતિ આપનારા ઘણા છે. માણસ પોતે પણ અજંપાનો અવતાર છે. આ અશાંતિ, અજંપો, હતાશા, ગ્લાનિ-આ બધાની વચ્ચે કોઈ આપણને શાંતિના દ્વીપ ઉપર મૂકી શકે તે આપણો સંત. જેને કારણે આપણા ચૈતન્યની વંસત મહોરી ઊઠે તે આપણો સંત. આપણે જવાળામુખી પર બેઠા હોઈએ અને જેની વાણી કે મૌન, જેનો પારસમણિ સ્પર્શ આપણી ભીતર ચંદનનો લેપ કરી શકે તે આપણો સંત અને જે આપણો સંત હોય એના દાસ થવું એના જેવો કોઈ આશીર્વાદ નથી.

જીવનમાં સતત કડવા અનુભવો થાય છે. આપણું ધારેલું કશું થતું નથી. આપણે સવળું ઈચ્છ્યું હોય અને અવળું થાય છે We never know the design of the destiny. કલ્પવૃક્ષ તળે પણ ઊભા હોઈએ તો પણ દારિદ્ર જતું નથી. રાજા જેવા રાજાની ચાકરી કરતાં પણ કશું વળતું નથી. જીવનમાં વૈતરું અને વેઠ છે. જે શીખવે છે એનો માર સહીએ છીએ અને છતાંયે જ્ઞાનથી તો જોજનના જોજન દૂર રહીએ છીએ. જેની સંગાથે જઈએ છીએ તે પણ લૂંટી લે છે. ભલભલો વૈદ હોય અને એના કહેલા ઉપચારો કરીએ તોપણ કાંઈ વળતું નથી અને રોગ તો ત્યાંનો ત્યાં જ રહે છે. જે આપણું જ માથું વાઢી નાખે એના ઘરે પણ શા માટે જવું જોઈએ?

હકીકતમાં પ્રથમ પંક્તિમાં જ આ કવિતાની પરાકાષ્ઠા છે. પછી તો કવિએ વિવિધ દ્રષ્ટાંતો અને ઉદાહરણોથી અનુભવગાથુ અને ગળે ઘૂંટડો ઊતરે એવા છે. છતાં પણ કવિતાની ગતિનો ગ્રાફ ઉપર જતો નથી પણ વર્તુળાકારે જતો હોય એવું લાગે છે.આ બધાં કરતાં તો જો આપણને કોઈ સદ્ગુરુ મળી જાય અને એનું અનામ નામ કાયમને માટે આપણે કાળજે વળગી પડે તો એનાથી રૂડું શું? પછી કોઈ આપણને અસ્વસ્થ ન કરી શકે, કારણ કે જે ગુરુ છે, જે સદ્ગુરુ છે તે, વિધાતા ગમે તેવી હોય તો પણ, શાશ્વત શાતા આપે છે. ગુરુ પાસે નરવો સ્નેહ છે અને કોઈ અપેક્ષા નથી. જ્યાં કેવળ ગુરુનો પ્રેમ હોય અને શિષ્યની ભક્તિ હોય ત્યાં આપણા અસ્તિત્વની આસપાસ શાંતિનું સરોવર જ હોય. અગમ નિગમની સારેગમની ગુરુ ગતાગમ આપે.

9 replies on “શાંતિ પમાડે તેને તો સંત કહીએ – બાપુ ગાયકવાડ”

  1. આ રચના નરસિંહ મહેતાના નામે મેં સાંભળી છે. બની શકે કે અત્રે જે લખેલ છે તે રચના બાપુ સાહેબ ગાયકવાડની હોય અને દિલીપ ધોળકીયાના અવાજમાં જે ગવાય છે, તે નરસિંહ મહેતાની હોય. બન્ને વચ્ચે સામ્ય પણ છે, અને ભેદ પણ છે.

  2. That what the beauty of Dilip Kaka that he can compose any song beyound someone’s imigination…. Great Composition and singing….

  3. વાહ મન્ શાન્ત થૈ જાય એવુ ભજન…….આભાર દિલિપકાકા. જય સ્વામિનારાયન.

  4. સુંદર ભજન છે! સાથે સાથે સુરેશભાઇ દલાલનુ વિવેચન પણ બોધક છે. ગાયકીના શબ્દો લખાયેલી પંક્તિઓ સાથે જરાપણ સંબંધ ધરાવતા નથી.

  5. શાઁતિ પમાડે તે સઁત ! સરસ વ્યાખ્યા !
    આભાર દિલિપભાઇ,બાપુ સાહેબ અને
    જયશ્રેીબહેનનો…..ઑંમ શાઁતિ !

Leave a Reply to manvant patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *