ડૂબ્યાં – ભગવતીકુમાર શર્મા

પુસ્તક પુસ્તક પુસ્તક પુસ્તક પુસ્તક ડૂબ્યાં;
પંક્તિ ફકરા અક્ષર શબ્દો શીર્ષક ડૂબ્યાં.

હસ્વ ઈ-દીર્ઘ ઇ અનુસ્વાર ને કાનો માતર
વમળ- વહેણમાં તણાઇને સૌ ભરચક ડૂબ્યાં.

પંડિતના ચશ્માં, કલમો સર્જકની ડૂબી;
ધરી તર્જની લમણે શાણા ચિંતક ડૂબ્યાં.

સાંકળિયાં એ, પાદટીપ ને લાલ લિસોટા;
ભીંત ઉપરની ઘડિયાળોનાં લોલક ડૂબ્યાં.

જળજળબંબાકાર કબૂતર અને છાજલી,
તૈલીચિત્ર પાછળનાં ચીંચીં-ચકચક ડૂબ્યાં.

આંગળીઓની છાપ અને દ્રષ્ટિના સ્પર્શો;
પુસ્તક સાથે ઘણા સંભવિત વાચક ડૂબ્યાં.

કાકમંજરી-કુમુદસુન્દરી – સાર્ત્ર ગયા ક્યાં ?
મન્દાક્રાન્તા, વસંતતિલકા, તોટક ડૂબ્યાં.

કાળમુખા જળદાનવ, તારું ગજું કેટલું?
કાલ જન્મશે જ્ઞાન આજ જે અઢળક ડૂબ્યાં.

(સંદર્ભ – ૨૦૦૬નાં તાપીના પૂરમાં સુરતના કેટલાક પુસ્તકાલયો ડૂબ્યાં હતાં)

– ભગવતીકુમાર શર્મા

4 replies on “ડૂબ્યાં – ભગવતીકુમાર શર્મા”

  1. ખુબ સુંદર.
    આદરણીય ભગવતીકુમાર શર્માજીને એક અગત્ય નોંધ મોકલવા માંગુ છું. તેમની ઈ-મેલ મેળવી આપવા વિગ્નપ્તિ.

    આભાર
    -કનક્ભાઈ રવિશંકર રાવળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *