‘મરીઝ’ની મહેફિલ…

આજે ગુજરાતના ગાલિબ – યાદગાર શેરોના સર્જક – ‘મરીઝ’ સાહેબના જન્મદિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમના શેરોની મહેફિલ… .- આભાર – રીડગુજરાતી.કોમ

*************

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

***

એના ઈશારા રમ્ય છે, પણ એનું શું કરું-
રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે !

***

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.

***

એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ !
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.

***

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

***

હું કયાં કહું છું, આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

***

એ ‘ના’ કહીને સહેજમાં છટકી ગયાં ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

***

એ દ્વાર પરના હળવા ટકોરા તો રદ ગયા,
શાયદ એ સાંભળી લે જો માથું પછાડીએ.

***

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

***

બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી,
જાણે કોઈ કહે મને તારી તમા નથી.

***

એક પળ એના વિના તો ચાલતું નહોતું, ‘મરીઝ’
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.

***

ફળી છે જે જે આશા, તેના મેં અંજામ જોયા છે,
હવે કાંઈ ખાસ દુ:ખ જેવું નથી થાતું નિરાશાથી.

***

છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું, જીવન ખરાબ આપીને !

***

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

***

હવે એની ઉપરથી આપ મારી દુ:ખ કથા સમજો,
જવાનીમાં કરું છું યાદ વીતેલી જવાનીને.

***

મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં,
‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધેકાંધે,
જીવન પણ ગયું છે સહારેસહારે.

***

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી, ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

9 replies on “‘મરીઝ’ની મહેફિલ…”

 1. Just 4 You says:

  એક પળ એના વિના તો ચાલતું નહોતું, ‘મરીઝ’
  કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.

  બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી,
  જાણે કોઈ કહે મને તારી તમા નથી…

  Awesome…

 2. Darshit says:

  મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
  વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.

  મને લાગે છે આ શેર અમ્રુત ઘાયલ નો છે

 3. Jayshree says:

  આ શેર મરીઝ સાહેબનો જ છે. આખી ગઝલ અહીં વાંચોઃ

  http://tahuko.com/?p=10132

 4. Darshit says:

  Thanks for clarifying that Jayshree….

  Here is one more I could find….

  પ્રસંગો જીવનમા જે જે ગમી ગયા
  પુરી હજુ મજા ન લીધી અને આથમી ગયા
  ઍ સ્વાસ છે જીવનના સ્પંદનોથી દૂર નથી
  જે તાર ઝણઝણી ના શક્યા, કમકમી ગયા

 5. Jayant Joshi says:

  મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં,
  ‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે.
  જનાજો જશે તો જશે કાંધેકાંધે,
  જીવન પણ ગયું છે સહારેસહારે.
  આ શેરમાં જીવન કેમ જીવાય એની ફિલસૂફી ઠાંસી ઠાંસીને ભરી છે. માણસને માણસની જરૂર જનમથી લૈને મરણ સુધી રહેવાની…..

 6. Deepti Mehta says:

  ઘનુ બધુ લખવુ હોય પન શબ્દો ન મલે એવિ સુન્દર રચના ઓ થિ મન ખુશ થઇ ગયુ.

 7. dinesh gogari says:

  SU SAAYARO HAMESHA ‘MARIZ’ HOY CHHE ATLE AAVU SUNDER VYTHAA NU VARAN KARI SAKE CHHE.GHAAYAL MARIZ NE DAVAA KDUAA SU HOY

 8. SUDHIR T SHAH says:

  ઘના સમય પછિ પાછો કુદરત ના સન્નિધ્ય મા સમાયિ જવા મલિયુ

 9. ગીરીશ પલાણ says:

  વાહ ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *