રાતી રાતી પારેવાની આંખડી – વેણીભાઇ પુરોહિત

સ્વર : ?
સંગીત : ક્ષેમુ દિવેટીયા

.

રાતી રાતી પારેવાની આંખડી
ઝમકારા લાલ.. ઝમકારા..
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી

લાલ રતન પૂરવમાં વેર્યાં
સૂરખી અદભૂત ઊડી રે
આથમણી મનમોજી રંગત
છલકે ત્રાંબાકુડી રે… ઝમકારાલાલ..

નયણાં નભને ઝીલે જોડા જોડ
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી

અત્તરની ફોરમ મેંદીના
અંતરમાં મતવાલી રે
લીલો રંગ લપાવી બેઠો
લાજ શરમની લાલી રે… ઝમકારાલાલ..

મનડું મેંદીનો ઝીણો છોડ
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી

12 replies on “રાતી રાતી પારેવાની આંખડી – વેણીભાઇ પુરોહિત”

  1. આવી સ્વર રચના શું મારા ગીતને સજીવ કરી શકે?
    કેમકે હું વાંસલડી તો છું, પણ મને ટહૂકો નથી મળતો. આપનો આ કાર્યક્રમ મારો ટહુકો થઇ શકે તેમ છે.
    હું હજી ઊંગતો કવિ છું.
    આશા છે કે આપ મને સહકાર આપશોજી.

  2. આભાર જયશ્રી,

    આ ગીત વાંચીને મારી જૂની યાદો તાજી થઇ.કેમ કે,આ ગીત આકાશવાણી અમદાવાદ ઉપર અમે સમૂહ ગાન તરીકે ગાયું હતું.તે વખતે અમદાવાદના સ્ટેશન ડાયરેક્ટરશ્રી રસિકલાલ ભોજક હતાં.હવે મને એ યાદ નથી કે લીડ સિંગર કોણ હતાં?મારા ખ્યાલથી બંસરી યોગેન્દ્ર હતાં.પણ તમે તપાસ કરી શકો છો.આ ગીત તો સુમન કલ્યાણપુરે ગાયું છે.પણ હું જે માહિતી આપું છું તે શ્રી રસિકલાલ ભોજક નું ક્મ્પોઝીશન છે અને અમે રેડીઓ રેકોર્ડીંગ કર્યું હતું.એ પણ બહુ સરસ સ્વર-રચના છે.

  3. સ્‍વર ઃ સુમન કલ્‍યાણપુર નો છે. આ ગીત ઘણા વરસો પ્‍છી માણ્‍યું મજા પડી ગઇ. થેંકસ.જયશ્રી બેન.

  4. Hi Jayshree:
    Cannot hear this song get the error msg.
    Thanks for the site and solution tothe problems.
    Look forward to hearing this song
    Jyoti

  5. જયશ્રી,

    આ ગીત સાભળીને અનેક એવા ગીતો યાદ આવ્યા જે ક્યારેક “બોરસલ્લી” નામના TV program મા સામભ્ળા હતા. અત્રે યાદ નથી આવતુ કે આ program દૂરદર્શન ઉપર આવતો હતો કે Z gujarati ઉપર, પરન્તુ ગુજરતી રન્ગ્ભુમિ ન અનેક કર્નપ્રિય ગીતો તેના ઉપર રજુ થયા હતા. જો તેમના ગીતો માણવ મળે તો ખુબ જ મઝા આવી જાય.

    Jignesh

  6. સરસ લોકગીત જેવુઁ જ આ ગીત !
    શબ્દો ખૂબગમ્યા! આભાર બહેના !

  7. Who is the singer?
    Very well sung, for aspiring singers – this is what they call “expression” in singing.

    Excellent!!!

  8. આ લાલ-લાલ રંગની વાતો વાંચીને એક શેર યાદ આવી ગયો:

    ભગવો એક જ રંગ સાચો હોય તો,
    લોહીને એ લાલ શું રાખે કદીક ?

  9. લોહીનો લાલ ચટ્ટાક રંગ! ક્યારેક એમ થાય કે ભગવાને લોહીને તો શરીરની અન્દર છૂપું જ રાખ્યું છે, તો પછી એને લાલ રંગ કેમ આપ્યો હશે? ભાગ્યે જ આ લોહીનો રંગ બહાર અભિવ્યક્ત થતો હોય છે, પણ જ્યારે પણ અભિવ્યક્ત થાય છે, ત્યારે એ જોરદાર આવે છે!! એક પરિણીતાના જીવનમાં લાલ રંગનું ખૂબ મહત્ત્વ હોય છે, એના હૈયામાં એની ઘેરી છાપ હોય છે.

    દીકરી માતાની કુખેથી અવતરે, પછી જ્યારે એ સ્નેહનો સેતુ કે જેનાથી માતાએ નવ નવ મહીના સુધી વાત્સલ્યનું સિંચન કર્યું હતું એ ગર્ભાશય સાથે જોડાયેલો ઓર કપાય છે, ત્યારે દીકરીની સર્વપ્રથમ એ લોહીના લાલ રંગ સાથે નજર મળે છે. આ લાલ રંગ એના આખા જીવતર સુધી સાથે રહેવાનો છે. આ દીકરી ૧૨-૧૩ વરસની થાય છે, હસતી-કૂદતી ખીલું ખીલું થતી કળી જેવી પિતાના ઘરે મોટી થતી હોય છે ત્યારે એનો આ લાલ રંગ સાથે હજુ લગાવ થયો હોતો નથી. ગુલાબનું ફૂલ કે સન્ધ્યાના લાલ રંગ હજુ એના હૈયાને હચમચાવતા હોતા નથી. પરન્તુ એ નાજુક દીકરી જ્યારે કન્યા બને છે, ઋતુની અસર નીચે આવે છે ત્યારે એક નૈસર્ગિક રીતે જ એ લોહીના લાલ રંગ સાથે ખેંચાતી જાય છે. એના હૈયામાં હવે કોયલ ટહૂકવા માંડે છે અને કોઈ પૌઢા ઊનનું સ્વેટર ગુંથતી હોય એમ આ કન્યા પણ રતુંબલ સ્વપ્નો ગુંથતી થઈ જાય છે. એના પોતાના જ લોહીનો લાલ રંગ ક્યારેક ક્યારેક એના ગાલની લાલીમાં અને હોઠના ગુલાબીપણામાં ડોકિયાં કરતો હોય છે. કન્યાની આ લોહીના લાલ રંગ સાથેની દોસ્તી હવે પુખ્ત થતી જાય છે…..મનના માણીગરની રાહ જોવામાં ને જોવામાં એની જ્યારે ઊંઘ હરામ થઈ જાય છે ત્યારે એ જ લાલ રંગ એનાં કાજળ આંજ્યાં નયણાંમાં ડોકિયાં કરતો હોય છે. આ લાલ રંગને એ હવે પ્રેમ કરતી થઈ જાય છે. એક દિવસ એ લાલ પાનેતર પહેરી, લાલ શ્રુંગાર કરી, લાલ હાર કોઈને પહેરાવી, લાલ હાથ અને હૈયું કોઈને આપી, કંકૂના લાલ હાથના પિતાના ઘરની ભીંત પર થાપા પાડી, રડી રડીને લાલ થયેલી આંખે પ્રભુતામાં પગલાં પાડે છે એ રાતે જ એ પરિણીતાનો લોહીના લાલ રંગ સાથે અતૂટ સંબંધ થઈ જાય છે!! એ ભીની ભીની રાતની લાલ લાલ યાદોને પરિણીતા જીવનભર નથી ભૂલતી. એ યાદોની એંધાણીરૂપે લાલ પાનેતરને એ કાયમ માટે સાચવી રાખે છે. એ રાત કે જ્યારે એની લાગણીઓ “મીઠા લાગ્યા રે મને આજના ઊજાગરા” અને “દિલના દરિયાવના ઊંડાણ જરા જોઈ લઉં, કેવા રે મહોબ્બતનાં તાણ જરા જોઈ લઉં” જેવાં ગીત બનીને ગૂંજી ઊઠે છે. આ મહોબ્બતનાં તાણમાં વ્હાલાએ જે કસીને એને ચૂમી હતી એનું લાલ નિશાન ચોળીથી કે ઓઢણીથી એમ શાનાથી ઢાંકવું એવી મૂંઝવણ એને સવારે સતાવતી હોય છે, અને વળી સાથે સાથે ભીના પાનેતરનો લાલ રંગ પણ એને મીઠું મીઠું મલકાવતો હોય છે…..આવે સમયે તેને સઘળે લાલ રંગ ના દેખાય તો શું દેખાય? આ લાગણીને કવિએ સરસ શબ્દોમાં કંડારી છે. જ્યાં જ્યાં લાલ રંગ દેખાય એ એને પોતાનો લાગે છે….

    આંગણામાં પારેવું ચણ ખાવા આવ્યું તો એની આંખનો રાતો રંગ પરીણિતાના હૈયે ચોંટી જાય છે. પાણી ભરવા પનઘટ જાય છે ત્યાં રસ્તામાં ચણોઠીનો છોડ દેખાય, રાતી રાતી ચણોઠી આંખે આવે, તો એને યાદ આવે છે વ્હાલાનો સંગ! દરેક લાલ રંગ હવે તેને એક મીઠી યાદ અપાવી જાય છે. રસ્તે ચાલતાં ચાલતાં ચણોઠીના રંગથી એ રંગાઈ જાય છે. પૂર્વમાં ઉષા ખીલી હોય છે એમાંનો લાલ રંગ પણ એને કશુંક યાદ કરાવી જાય છે. સાંજ પડ્યે આથમણે જ્યારે સન્ધ્યા ખીલે છે તે પણ એને મનગમતી લાગે છે. અગાશીમાં જઈ એ ઘેલી ખૂલ્લા આકાશની નીચે આંખોમાં કોઈના આવવાની રાહ ભરીને ચત્તી પડી હોય છે, એનાં નયણાં જાણે નભને ઝીલી રહ્યાં છે, અને પાછું કશુંક યાદ આવતાં બન્ને હાથોથી આંખો બન્ધ કરી સંભારણામાં સરી પડે છે!

    આ લાગણી એ કોઈને કહી શકતી નથી, એને કહેવી પણ નથી. આંગણું સાફ કરતાં કરતાં માટીમાં એ હળવેથી એના વહાલાનું નામ લખી બેસે છે, પણ કોઈ આવતું જાણી તરત એ નામને એ ભૂંસી નાખે છે. એનું બહારનું વર્તન એના મનની લાગણીને વ્યક્ત ના કરી બેસે એના માટે એ હંમેશા જાગ્રત હોય છે. એનું મન એ જાણે મેંદીનો છોડ છે- બહારથી લીલો પણ અન્દરથી લાલ! અને આ મેંદીના અન્તરની અત્તર જેવી ફોરમ એને મતવાલી લાગે છે. વળી, અત્યાર સુધીમાં તો એ લાલ ડાઘ પણ લીલાશ પકડતો ગયો છે અને એટલે જ લખ્યું છે કે “લીલો રંગ લપાવી બેઠો લાજ શરમની લાલી રે!!”.

    એક લોકગીત જેવું જ ભાવમય આ ઊર્મિગીત છે અને સ્ત્રીની એક સુન્દર લાગણીને કવિએ બહુ જ હ્રદયંગમ રીતે અભિવ્યક્ત કરી છે.

Leave a Reply to Jignesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *