ઊંટ ભરીને આવ્યું રે – રાજેન્દ્ર શુકલ

ઊંટ ભરીને આવ્યું રે
અંધારું લ્યો.
આ પોઠ ભરીને આવ્યું રે
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

કોઇ લિયે આંજવા આંખ,
કોઇ લિયે માંજવા ઝાંખ;
અમે તે ઉંબરમાં ઉતરાવ્યું રે
અંધારું લ્યો.
અમે તો આંગણામાં ઓરાવ્યું રે
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

એના અડ્યા આભને છોડ;
એવા અડ્યા આભને કોડ –
અમે તો મુઠ્ઠી ભરી મમળાવ્યું રે,
અંધારું લ્યો.
અમને ભોર થતાં લગ ભાવ્યું રે,
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

– રાજેન્દ્ર શુકલ

8 replies on “ઊંટ ભરીને આવ્યું રે – રાજેન્દ્ર શુકલ”

 1. સુંદર કાવ્ય… જીવનની કાલિમા વિશે જોવા મળતા જૂજ કાવ્યોમાંનું એક…

 2. igvvyas says:

  અંધકારને ઉજાસમાં પલટાવી નાખતું આ કાવ્ય મને ખુબ ગમે છે.કવિશ્રી રાજેન્દ્ર શુક્લની શબ્દોની પસંદગીમાં દાદાગીરી છે.

 3. કવિશ્રીના પહેલા કાવ્યસંગ્રહ ‘કોમલ-રિષભ’ (૧૯૭૦)ની પહેલી કૃતિ. સામાન્ય વાચકને ગોથું ખવડાવી દે એવા આ કાવ્યને પામવા માટે કવિશ્રી સુરેશ દલાલનો આસ્વાદ ઉપયોગી બની શકે.

  એ જમાનામાં આ કાવ્યનું વિવેચન અને એના પ્રતિભાવ રૂપે કવિના બીજા કાવ્યસંગ્રહ અંતર-ગાંધારની વલ્લીઓનો પણ એક મજાનો ઈતિહાસ છે. ૧૯૭૦-૮૦ના દસકના જાણીતા સામયિકો ફંફોસતા આ બધું હાથ લાગી શકે. ૧૯૬૦ પછીના આધુનિક ગુજરાતી ગીતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંશોધન લેખની પૂરતી સામગ્રી આ કાવ્યની આસપાસ પડેલી છે.

  આંગણામાં -> આંગણમાં ?

 4. Anila Amin says:

  ઘોર અન્ધકારનુ વર્ણન રાજેન્દ્ર શુક્લ જેવા સમર્થ કવિ કરી શકે,અમે તો માણી જ જાણીએ.
  અન્ધકારનુ કાવ્ય વાચીને ગો.મા. ત્રિપાઠીના “સરસ્વતીચન્દ્રનુ” અન્ધારી રાતનુ
  વર્ણન આખ સામે ખડુ થઈ ગયુ.

 5. Suresh Vyas says:

  અસતો મા સત્ગમય
  તમસો મા જ્યોતિર્ગમય
  મ્રુત્યોર્મા અમ્રુતમ ગમય

 6. ઑમ શાન્તિઃ ઘણુઁ જ માર્મિક ગેીત આપવા બદલ
  ખૂબ જ અભિનઁદનો બહેના !

 7. divya says:

  It reminded me of my school days……

 8. shivani shah says:

  રાત્રીના આભમાં છવાયેલ અસીમ અંધકાર જાણે આભને અડીને ઉભો છે અને કવિના
  આંગણાને પણ આવરીને બેઠો છે. અંધકારમાં પણ સૌંદર્ય છે એ વાતનું સમર્થન કરવા માટે
  કવિ નેત્રોનું તેજ અને સૌંદર્ય વધારવા માટે વપરાતા આંજણ અને ઝાંખા પડી ગયેલાં પાત્રોને
  માંજવા માટે વપરાતી કાળી રાખ્યાના દૃષ્ટાંતો આપે છે. આમ જોઈએ તો અંતરમાં અંધકાર
  છવાયેલો છે એ હકીકતની અનુભૂતિ અને સ્વીકૃતિ કરીએ ત્યારે જ પછી અંતર્મુખ થઈને
  ઉજાસ તરફ પ્રયાણ કરવાની પ્રેરણા જીવને પ્રાપ્ત થાય છે-
  “ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા”
  ખુબ સુંદર અને માર્મિક કાવ્ય જે થોડામાં ઘણું જ કહી જાય છે.
  અજવાળું થાય ત્યાં સુધી અંધકાર ગમે છે અને પછી બધે પ્રકાશ જ પ્રકાશ પથરાઈ જાય છે.
  વાહ! કેવું અદભૂત કથન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *