સાવ લગોલગ… – કૃષ્ણ દવે

 

અણસારોયે ના આવ્યો ને સો સો જોજન છેટેથી
આ કોણ અચાનક આવી બેઠું સાવ લગોલગ ?
ખોદી કાઢી આખું ભીતર પળભરમાં તો મન જેવું
આ કોણ અચાનક વાવી બેઠું સાવ લગોલગ ?

ડાળે ડાળે, પર્ણે પર્ણે એક ઉડાને ભમી રહ્યો છું ભમરા જેવું
છતાં એક પણ કળી મળી ના
અને ત્યાં જ તો કંઇ ડાળે આ ફૂલ અચાનક મધરાતે ઉઘડીને
આખા ઉપવનને મ્હેકાવી બેઠું સાવ લગોલગ ?

નહિ ગાજ કે વીજ તણો ચમકાર સહેજ પણ, ના જોયા વાદળ કે ના અંધાર સહેજ પણ
ના આવી એવી મોસમ કે ના અણસાર સહેજ પણ
અને છતાંયે બે કાંઠે ભરપૂર બધું આ ક્યાંથી આવી એક જ ક્ષણમાં
સઘળું યે છલકાવી બેઠું સાવ લગોલગ ?

હળવા પગલ આંખોમાં થઇ નસનસમાં આવીને પેઠાં સાવ નિરાંતે
પછી હ્દયના બંધ નહિ અકબંધ દ્વારને ખોલી એમાં એક પ્રવેશી બેઠા
જાણે જેમ બપોર ઘટાટોપ કો વૃક્ષ ઉપરની નજર પડેના એવી ડાળે વિહંગ નિરાંતે
પાંખોને પ્રસરાવી બેઠું સાવ લગોલગ ?

એક મજાની સાંજે મનમાં એમ થયું કે
ચાલ હવા થઇ ફરતો આવું ખુલ્લાં નભમાં
અને નીકળી પડ્યો ત્યાં જ તો ધજા જેમ આ કોણ શિખર પર
પોતાને ફરકાવી બેઠું સાવ લગોલગ ?

One reply

 1. dipti says:

  સરસ.

  અણસારોયે ના આવ્યો ને સો સો જોજન છેટેથી
  આ કોણ અચાનક આવી બેઠું સાવ લગોલગ ?
  ખોદી કાઢી આખું ભીતર પળભરમાં તો મન જેવું
  આ કોણ અચાનક વાવી બેઠું સાવ લગોલગ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *