તારે નામે લખું છું – કુમાર પાશી

તારે નામે લખું છું : સિતારા, પતંગિયા, આગિયા
તારા રસ્તાઓ સીધા સરળ હોય
એના પર છાયા હોય ઝગમગતા આકાશની
અણદેખ્યા વિશ્વનાં રૂપાળાં રહસ્યો ખૂલતાં જાય તારા પર
જેથી આંખોમાં તારી સ્વપ્નો હોય ઊંચેરી ઉડ્ડયનનાં

તારે નામે લખું છું : આનંદ, આરજૂ, ખુશબૂ
તારો એકએક દિવસ ખૂબસૂરત હોય, નમૂનેદાર હોય
તારી કોઈ પણ રાત ચાંદ-તારાથી ખાલી ન હોય
સવાર થતાં જ્યારે તું ઊઠે
તારી સામે ફેલાયેલી હોય દિશાઓ ફૂલોની
જ્યારે રાત આવે
તારી આંખોમાં સ્વપ્ના હોય હિંડોળાના

તારે નામે લખું છું : એ આખુંય ખુશનુમા શહેર
જે મેં જોયું નથી
તારે નામે લખું છું સઘળાએ ખૂબસૂરત શબ્દો
જે મેં લખ્યા નથી

તારે નામે ઊજળી સવાર, રંગીન સાંજ લખું છું
સનાતન જામ લખું છું
જે સુખની ક્ષણો મને પ્રાપ્ત થઈ છે એ બધી જ તારે નામે લખું છું
તારે નામે લખું છું.

– કુમાર પાશી (ઉર્દૂ કવિ)
( અનુવાદ- સુરેશ દલાલ)

6 replies on “તારે નામે લખું છું – કુમાર પાશી”

  1. તારે નામે લખું છું : આનંદ, આરજૂ, ખુશબૂ
    તારો એકએક દિવસ ખૂબસૂરત હોય, નમૂનેદાર હોય
    તારી કોઈ પણ રાત ચાંદ-તારાથી ખાલી ન હોય
    સવાર થતાં જ્યારે તું ઊઠે
    તારી સામે ફેલાયેલી હોય દિશાઓ ફૂલોની
    જ્યારે રાત આવે
    તારી આંખોમાં સ્વપ્ના હોય હિંડોળાના…

    પ્રત્યેક દિવસ જીન્દગીનો હો પ્રકાશિત- એ દુઆ,
    હંમેશ એ મળતું રહો જે હોય ઈચ્છિત- એ દુઆ;
    આડું નહીં અવડું નહીં પડજો નહીં પગલું કોઈ,
    જ્યાં જ્યાં ભરો ડગલા ત્યાં મંઝિલ હોય નિશ્ચિત- એ દુઆ.

    લોક જેને યુગ ગણે એવી ક્ષણો તમને મળો,
    ને પ્રતિબિંબો નહીં પણ દર્પણો તમને મળો;
    સો વરસની જીન્દગી હો, સો વરસની હો ખુશી,
    પ્રેમ પણ દુનિયા તરફથી સો-ગણો તમને મળો.

  2. સરસ રચના અને તરજુમો વગર સમજવામા તકલીફ પડે, આભાર……

  3. પ્રેમ નિ પરકસ્ત લખિનાખિ , હવે કસુ બકિ નથિ રહેતુ , ઢન્યવદ કવિ અને સુરેશ્ભૈ ભૈ ને પન

  4. શેક્સ પિયરે કહ્યુ હતુ કે વોટ ઇસ ઇન ધ નેમ પણ જો તેઓ આજે હયાત હોત તો બિચારા ડઘાઇ જાત… ખરેખર સરસ શબ્દો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *