આજની રાત હું ઉદાસ છું – હરીન્દ્ર દવે

145560236_4d353b3eb6_m.jpg

રાત્રિને કહો કે આજે
એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા
ફૂલની પાંખડી માફક એ સામો આવે,
વૃક્ષોને કહો કે એના પર્ણોમાં
એ કોઇ અજબની રાગિણી વગાડે.
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય –

આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે

બ્રહમાંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં
નેપૂર સાંભળવા છે;
મધદરિયે મોજાંને પહેરાવેલા વલય
મારે ઉતારી લેવા છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
બે હાથ લંબાવી માપી લેવા છે;

આજની રાત હું ઉદાસ છું
અને મારી ખોવાયેલી પ્રસન્નતા
મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે

મિલના ઊંચા ભૂંગળાને કોઇ ચંદનની
અગરબત્તીમાં પલટાવી દો,
સિમેંટ-કોંક્રિટનાં મકાનોને કોઇ સરુવનમાં
ફેરવી દો;
આંખની કીકીઓને કોઇ ચંદ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઇ સાગરની લહેરોમાં
લહેરાવી દો;

આજની રાત હું ઉદાસ છું અને
મારે ખડખડાટ હસી લેવું છે.

6 replies on “આજની રાત હું ઉદાસ છું – હરીન્દ્ર દવે”

 1. આજની રાત હું ઉદાસ છું
  અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે

  – બે જ પંક્તિમાં કદાચ આખી જિંદગીનો ટૂંકસાર… અદભુત શબ્દો… વેણ લીધા પછી જ પ્રસુતિ સંભવ છે! આમ જુઓ તો ઉદાસીની વાત અને આમ જુઓ તો આખા કાવ્યમાં એકેય કલ્પન વાચકને ઉદાસ કરે એવું નથી જડતું ને તોય સરવાળે વાચક કાવ્યાંતે મૌન થઈ સમસમી જાય એજ કવિતાની સાચી સિદ્ધિ….

 2. Dharmendra says:

  હુ, ” ગ્રામમાતા” નામની કવિતા શોધી રહ્યો છુ. if you can find it and publish here or provide the link, i would greatly appreciate. Thank you.

 3. ધર્મેન્દ્ર says:

  જયશ્રી, થૈંક યુ વેરી મચ.
  now, if only i can find the અતિજ્ઞાન poem.

  wow, i could find that too. i didn’t know how to search in google using gujarati, but i managed to type the word here and then pasted it in google. it works. thanks again.

 4. hema says:

  માણસો ના ટોળા ને કોઈ સાગર ની લહેરો મા લહેરાવી દો…કેટલી બઘી વાસ્તવીકતા!!!

 5. માણસો ના ટોળા ને કોઈ સાગર ની લહેરો મા લહેરાવી દો…કેટલી બઘી વાસ્તવીકતા!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *