Monthly Archives: June 2011

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (રંગભૂમિના ગીતો) પ્રિતમજી આણા મોકલે – પ્રભુલાલ દ્વિવેદી

ગુજરાતી રંગભૂમિએ ગુર્જરભાષાને કેટકેટલાય અવિસ્મરણીય ગીતોથી સમૃધ્ધ કરી છે. ૧૮૫૩માં ૨૯ ઓક્ટોબરના રોજ ‘રુસ્તમ, જાબુલી અને સોહરાબ’ નામના નાટક સાથે શરૂ થયેલી રંગભૂમિની યાત્રા આજે ૧૫૮ વર્ષો પછી પણ અવિરત આગળ વધી રહી છે. અને આ વર્ષોમાં ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ‘ થી લઇને ‘પ્રિય પપ્પા હવે તો તમારા વગર’ જેવા કેટલાય યાદગાર ગીતો આપણને મળ્યા છે.

આજે ટહુકો પર જ્યારે પાંચમા જન્મદિવસની ઉજવણીમાં ગુજરાતી ગીતોના અલગ અલગ રસ માણીએ છીએ – તો રંગભૂમિને બાકી રખાય? તો આજે સાંભળીએ – ગુજરાતી રંગભૂમિ પર ભજવાઇને આજે લોકગીતની કક્ષાએ પહોંચેલું આ ગીત..! અમદાવાદના સમન્વય કાર્યક્રમનું આ રેકોર્ડિંગ ની શરૂઆતમાં પ્રસ્તાવના પણ એટલી જ માહિતીસભર છે.

અને હા – આજે ૧૫ જુન. ગુજરાતી રંગભૂમિનો ઉલ્લેખ જેમના નામ વગર અધૂરો ગણાય – એવા શ્રી કાંતિ મડિયાની પૂણ્યતિથિ. તો એમને પણ સાથે યાદ કરી શ્રધ્ધાંજલી સાથે માણીએ આ ગીત.

નાટક – કિર્તિસ્તંભ
સંગીત – માસ્ટર કાસમભાઇ

(ક્યારે મોકલશો આણા? .. ખાવડા, કચ્છ - Photo: Vivek Tailor)
(ક્યારે મોકલશો આણા? .. ખાવડા, કચ્છ - Photo: Vivek Tailor)

મારે સાસરિયે જાઇ કોઇ કહેજો એટલડું
કે પ્રિતમજી આણા મોકલે
મને પિયરીયામાં હવે લાગે એકડલું
કે પ્રિતમજી આણા મોકલે

રાત જાગી જાગીને જાય છે
આંખ મીંચુ તો સપના દેખાય છે
મારું હૈડું ભાનસાન ખોઇ થઇ ગ્યું ભૂલકડું
પ્રિતમજી આણા મોકલે

મને મહેણા મારે છે સાહેલડી
ફાલીફૂલી છે જીવનની વેલડી
જેવી થઈ છું કે વિરહે બળે છે કાળજડું
કે પ્રિતમજી આણા મોકલે

– પ્રભુલાલ દ્વિવેદી

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (બાળગીત) વારતા રે વારતા …

તો આજથી… ટહુકો પર પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ અઠવાડિયું..! પહેલા વિચાર આવ્યો કે ટહુકોનું ટોપ ટેન.. કે સૌથી વધુ સંભળાયેલા ગીતો.. કે મને સૌથી વધુ ગમતા ગીતો.. એવું કંઇક લઇ આવું, પણ વિચાર આવ્યો કે એ બધુ તો કટકે કટકે પાંચ વર્ષમાં આવી જ ગયું છે, એટલે કંઇક નવું જ પીરસું..! તો આવતા એક અઠવાડિયા સુધી – ગુજરાતી સંગીત જગતના થોડા જુદા જુદા રંગો.. એમ તો નહિ કહું કે આ સૌથી યાદગાર કે સૌથી વધુ લોકપ્રિય ગીતો છે – પણ હા.. કંઇક તો સ્પેશિયલ છે આ ગીતોમાં.

તો ચલો, આજે શરૂઆત કરીએ થોડા બાળગીતોથી..! ગુજરાતી માધ્યમમાં ભણેલા મારા તમારા જેવાઓની અંદર રહેતું બાળક યાદ ન આવી જાય તો કહેજો. અને હા – એક વાત કહું? આ બાળગીતોનો અમૂલ્ય વારસો જે તમને મળ્યો છે – એ આવનારી ‘જેક એન્ડ જીલ’ અને ‘ટ્વિંકલ ટ્વિંકલ’ generation ને આપશો ને? અરે સાહેબ… આ ગમતું છે – એને ગૂંજે ન ભરાય..!

તમને આ ગીતો ગમે છે…  તમે એને દિલથી માણ્યાં છે અને રાગડા તાણી તાણી ને બાલમંદિર માં લલકાર્યા છે….  તો આવતી પેઢીને પણ એ આપજો…   જો તમે નહિ આપો તો બીજે કશેથી એમને આ વારસો નહિ મળે…       તને એને – એક બિલાડી જાડી ગાતા નહિ શીખવાડો – તો શીલા કી જવાની ગાતા એ જાતે જ શીખી જશે – એમાં તમારી જરૂર નહિ પડે..!!   🙂

વારતા રે વારતા...
વારતા રે વારતા…

સ્વર – મેઘધનુષ આલ્બમના બાળકલાકારો

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર… માડી

****

એક બિલાડી જાડી,
તેણે પહેરી સાડી,
સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં તે તરવા ગઈ,
તળાવમાં તો મગર,
બિલ્લીને આવ્યા ચક્કર,
સાડીનો છેડો છૂટી ગયો,
મગરના મોમાં આવી ગયો,
મગર બિલ્લીને ખાઈ ગયો.

****

મામાનું ઘર કેટલે,
દીવા બળે એટલે,
દીવા મેં તો દીઠા,
મામા લાગે મીઠા.

મામી મારી ભોળી,
મીઠાઈ લાવે મોળી,
મોળી મીઠાઈ ભાવે નહિ,
રમકડાં તો લાવે નહિ.

****

દાદાનો ડંગોરો લીધો
એનો તો મેં ઘોડો કીધો

ઘોડો કૂદે ઝમઝમ
ઘૂઘરી વાગે ઘમઘમ
ધરતી ધ્રુજે ધમ ધમ

ધમધમ ધરતી થાતી જાય
મારો ઘોડો કૂદતો જાય

કૂદતાં કૂદતાં આવે કોટ
કોટ કૂદીને મૂકે દોટ

સહુના મનને મોહી રહ્યો
એક ઝવેરી જોઈ રહ્યો

ઝવેરીએ તો હીરો દીધો
હીરો મેં રાજાને દીધો

રાજાએ ઉતાર્યો તાજ
આપ્યું મને આખું રાજ

રાજ મેં રૈયતને દીધું
મોજ કરી ખાઘું પીધું

-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

ટહુકોની પાંચમી વર્ષગાંઠ…

આજે જુન ૧૨, ૨૦૧૧… ટહુકોની પાંચમી વર્ષગાંઠ..!! છેલ્લા પાંચ વર્ષથી જાણે મારા હોવાનો પર્યાય બની ગયેલો આ ટહુકો…! ગયા વર્ષે આંકડાઓનો હિસાબ માંડેલો એ આ વર્ષે નથી કરવું..! તો આ પાંચમી Birthday પર નવું શું? આજે તો કંઇ ખાસ નથી.. પાંચ વર્ષ પહેલા જે ગીતથી શરૂઆત કરી હતી… જે ગીત ટહુકો પર સૌથી પહેલા ટહૂક્યું હતું – એ ગીત આજે ફરી એકવાર..!

.

તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું…
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું…

પણ હા – આટલા સસ્તામાં આ પાંચમી બર્થ-ડે નું celebration નથી પતાવવું..! કાલથી શરૂ કરીશું – 5th Birthday Special.. એમાં શું? એ તો મને ખબર નથી… (પણ કાલ સુધીમાં કંઇક લઇ આવીશ.. પક્કા પ્રોમિસ ) !!

ગયા વર્ષની જેમ આ વર્ષે કંઇ આગોતરી જાહેરાત તો નથી કરી, પણ – ટહુકો માટેની તમારી શુભેચ્છાઓ, સલાહ-સૂચનો, વ્હાલ-દાદાગીરી વગેરે.. બધું જ સાંભળવું ગમશે..!  તો ઉઠાવો કલમ.. (અથવા કી-બોર્ડ).. કે ઓડિયો રેકોર્ડર.. કે વિડિયો રેકોર્ડર.! (તમારા ખિસ્સામાંથી હમણાં કંઇ નથી જોઇતું – પણ હ્રદય ખોલવામાં કંજૂસાઈ ન કરશો! 🙂 ) અને તમારા વ્હાલ – શુભેચ્છાઓ – આશિર્વાદ.. મોકલી આપો અમારા સુધી..!

એવું લખ હવે – હિમલ પંડ્યા “પાર્થ”

ભાવનગર સ્થિત યુવા ગઝલકાર પ્રા. હિમલ પંડ્યા ની ગુજરાતી ગઝલોના ઓડિયો આલ્બમ ‘એવું લખ હવે’ નું તા. ૨ જુલાઈ ના રોજ કવિશ્રી અંકિત ત્રિવેદી ના હસ્તે વિમોચન થનાર છે. (સ્વરાંકન – પ્રણવ મહેતા, સ્વર – ડો. ભાવના મહેતા, સંગીત સંચાલન – નીરવ પંડ્યા તથા જ્વલંત ભટ્ટ, રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા).
આલ્બમના વેચાણની તમામ આવક ‘પોલીયો નાબૂદી’ ના સેવાકાર્ય માટે ઉપયોગમાં લેવાનાર છે.

ભીતરે અંકાય એવું લખ હવે, લાગણી વંચાય એવું લખ હવે;
શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે, પાંપણો ભીંજાય એવું લખ હવે;
નફરતોની આ નદી પર પ્રેમનાં, સેતુઓ સર્જાય એવું લખ હવે
કોઈ એને સાંભળી ઝૂમી ઉઠે, કોઈ એને ગાય એવું લખ હવે;
*****************
ફરીથી ઉદાસીની મોસમ મળી છે,
હવામાં ય ગમની લહેરો ભળી છે;

ગમા-અણગમાની હવે વાત કેવી?
હતી જે પીડા, એ જ પાછી મળી છે;
*******************
એક જ ટીપામાં હો જાણે સાત સમંદર!
એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર;

જુઓ કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું!
ચાલો અહિયાં અટકી જઈએ, નાખો લંગર.

– હિમલ પંડ્યા “પાર્થ”

तेरे आने के बाद- ઊર્મિ

આ પહેલા ઊર્મિના જન્મદિવસે રજૂ કરેલી ગઝલ तेरे जाने के बाद – ની જોડીદાર એવી આ ગઝલ तेरे आने के बाद – અને આજનો દિવસ પણ ખાસ છે – આજે વ્હાલી ઊર્મિની વેબસાઇટ – ઊર્મિસાગર.કોમ નો પાંચમો જન્મદિવસ..!

વ્હાલા ઊર્મિબેન…  Happy Birthday to UrmiSaagar.com

pic-253-sml

(સ્વપ્ન ટોળે વળે… 11 મે 2008)

*

ટહુકો થૈ ગ્યા
હરેક શ્વાસ, तेरे
आने के बाद !

*

આખું નભ પગ તળે तेरे आने के बाद,
ને બધું ઝળહળે तेरे आने के बाद.

સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.

કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.

આંખમાં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે तेरे आने के बाद.

શબ્દ કે અર્થ કૈં પૂરતું ના પડે,
કાવ્યમાં શું ઢળે, तेरे आने के बाद ?!

તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.

ઉર મહીં ‘ઊર્મિ’ તું, મારો પર્યાય તું,
તું બધે ખળભળે तेरे आने के बाद.

– ઊર્મિ (૭ મે ૨૦૦૯)

છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા

કૈંક જાદુ હશે રબારણમાં! – શોભિત દેસાઈ

આવું અજવાળું ના ઊગે ધણમાં!
કૈંક જાદુ હશે રબારણમાં!

આજે તેં આંખ ફેરવી લીધી,
કાલે બેઠો’તો તારી પાંપણમાં.

સહે….જ ઉમ્મર વધી હો વર્ષાની,
એવું લાગી રહ્યું છે શ્રાવણમાં.

વૃધ્ધો સામાન્યત: ઊઠી વહેલા,
દીર્ધ દિવસ જીવે છે ઘડપણમાં.

રેતી આવી રૂપાળી તો ના હોય!
ક્યાંક કૂવો છૂપાયો છે રણમાં.

હા, લીલો કાચ જેવો મૂંઝારો,
વેડફી નાખ્યો છે મેં સમજણમાં.

– શોભિત દેસાઈ

મને ખ્યાલ પણ નથી – હરીન્દ્ર દવે

આજે હરીન્દ્ર દવેની આ ઘણી જ જાણીતી ગઝલ – none other than પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સ્વરાંકન સાથે..! અને હા – ટહુકો ને જેમણે ઘણા ટહુકાઓ ભેટ આપ્યા છે – એવા એક ખાસ મિત્ર અને PUના એક મોટ્ટા ચાહકને – એમના જન્મદિવસે આ ભેટ આપણા તરફથી..! Happy Birthday, K ભાઇ! 🙂

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

જી સર, એ લોકો વિખાઇ ગયા છે… – કૃષ્ણ દવે

મધરાતે ત્રાટકેલા ઘુવડના ન્હોર વડે પળમાં પારેવા પીંખાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.
વિશ્વાસે સુતેલા સપના પર ઓચિંતા આંસુના બોંબ ઝીંકાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

રસ્તા પર ઉતરે ને લાકડી પછાડે ને બટકુ’ક માંગે તો વળી નાંખીએ
બાકી તો સંપીને ખાવાના ઓરડાના દરવાજા ઓછા કાંઇ વાખીએ ?
આવા તો આંદોલન આવી ગ્યા કંઇક ને આવીને અધ્ધર ટીંગાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

પ્રાણાયામ કરવાથી પાચન વધે છે એવું આપણને શીખવાડે યોગ ?
ઘાસ, તોપ, ટેલીફોન ખાઇ ગયા છીએ પણ નખમાંયે કોઇને છે રોગ ?
લીલા ને ભગવા ને કાળા ને ધોળામાં અમથા આ પગલા ટીંચાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

– કૃષ્ણ દવે

વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા

ગઇકાલે જુન ૫ ના દિવસે World Environment Day (અહીંયા તો હજુ પણ જુન ૫ જ છે) ની સૌને શુભેચ્છાઓ..!! અને માણીએ આ વૃક્ષનું ગીત.. સાથે સંદેશો શું હોઇ શકે એ તો તમે સમજી જ શકશો ને?

વૃક્ષ નથી વૈરાગી... Lone Pine, 17 Mile Drive, CA

વૃક્ષ નથી વૈરાગી,
એણે એની એક સળી પણ ઈચ્છાથી ક્યાં ત્યાગી ?
વૃક્ષ નથી વૈરાગી.

જેમ ખૂટ્યાં પાણી સરવરથી
જેમ સૂકાયાં ઝરણાં,
જેમ ભભકતી લૂ લાગ્યાથી
બળ્યાં સુંવાળાં તરણાં

એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી
વૃક્ષ નથી વૈરાગી

તડકા-છાંયા-અંદર હો
કે બ્હાર બધુંયે સરખું
શાને કાજે શોક કરું હું ?
શાને કાજે હરખું ?

મોસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી
વૃક્ષ નથી વૈરાગી

-ચંદ્રેશ મકવાણા

(ગીતને કવિના હસ્તાક્ષરમાં માણવા – આભાર – લયસ્તરો)

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની – અવિનાશ વ્યાસ

સ્વર : આનંદકુમાર સી.

_______________
Posted on November 23, 2007

સ્વર : આશિત દેસાઇ

.

એક રે તંબુરાનો તાર (૨), અને બીજી તાતી તલવાર રે,
એક જ વજ્જરમાં થી બે ઊપજ્યાં, તોય મેળ મળે ના લગાર

સાચી પ્રિત શેવાળની કે જળ સૂકે સૂકાય રે
પણ આ માંયલો હંસલો સ્વાર્થી, કે આ જળ સૂકે ઊડી જાય.

પંખી વાણિયો ચરે, કે આખર જવું એક દા’ડે,
કે આ નથી નીજનું ખોરડું, કે આ તો મકાન રાખ્યું ભાડે.

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
ધૂણી રે ધખાવી બેલી…

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની
ધૂણી રે ધખાવી બેલી…