Monthly Archives: June 2011

મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો – મનોજ ખંડેરિયા

આખો જન્મારો ફૂંક્યો છે
કેદારો ગીરવે મૂક્યો છે

જળમાં એવું શું કે જળ પર –
નભનો ઓછાયો ઝૂક્યો છે ?

ભરચક ભીડે ઊભી નીરખું
કોને કાજ સમય રૂક્યો છે ?

મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો,
ત્યાર પછીથી નિત ટહુક્યો છે

ખોબો પીવા ક્યાં જઈ ધરીએ ?
પાતાળ-કૂવો પણ ડૂક્યો છે

– મનોજ ખંડેરિયા

होके मजबूर मुझे उसने भुलाया होगा – कैफ़ी आज़मी

જહાંઆરા થી લઇને વીરઝારા જેવા – હિન્દી ફિલ્મસંગીતના રસિયાઓને કદી ન ભૂલાય એવા કેટલાય timeless classics ગણાય એવા સ્વરાંકનો આપનાર – સંગીતકાર શ્રી મદન મોહનને આજે એમના જન્મદિવસે શ્રધ્ધાંજલી સાથે માણીએ આ એક એમનું ઘણું જ જાણીતું ગીત..! સાંભળતા પહેલા એકવાર શાંત ચિત્તે આ ગીતના શબ્દો વાંચી જજો… !

બે દિવસ પહેલા જ – So You Think You Can Dance – માં Coming Home એવું એક ગીત સાંભળ્યું – એના પરથી પણ હિન્દી ફિલ્મોના યાદગાર યુધ્ધભૂમિ ગીતોમાંનું એક આ યાદ આવી જાય..! સંગીતકાર મદન મોહન વિષે વધુ માહીતી એમના વિષેના આ વિકિપાના પર – અને એમની વેબસાઇટ પર પણ મળી રહેશે.

Film Name: Haqeeqat (1964)
Singer(s): Mohd. Rafi, Talat Mehmood, Manna Dey & Bhupendra
Lyrics: Kaifi Azmi

होके मजबूर मुझे उसने भुलाया होगा
ज़हर चुपके-से दावा जान के खाया होगा

दिल ने ऐसे भी कुछ अफ़साने सुनाए होंगे
अश्क़ आँखों ने पिए, और न बहाए होंगे
बंद कमरे में, जो ख़त मेरे जलाए होंगे
एक-इक हर्फ़ जबीं पर उभर आया होगा

उसने घबरा के नज़र लाख बचाई होगी
दिल की लुटती हुई दुनिया नज़र आई होगी
मेज़ से जब मेरी तस्वीर हटाई होगी
हर तरफ मुझको तड़पता हुआ पाया होगा

छेड़ की बात से अरमां मचल आये होंगे
ग़म दिखावे की हँसी में उबल आये होंगे
नाम पर मेरे जब आंसू निकल आए होंगे
सर न काँधे से सहेली के उठाया होगा

ज़ुल्फ़ जिद करके किसी ने जो बनाई होगी
और भी ग़म की घटा मुखड़े पे चाई होगी
बिजली नजरो ने कई दिन न गिराई होगी
रंग चेहरे पे कई रोज़ न आया होगा

होके मजबूर मुझे उसने भुलाया होगा
ज़हर चुपके-से दावा जान के खाया होगा

– कैफ़ी आज़मी

તા.ક. : ફિલ્મ સંજોગનું આ ગીત – જેનું સંગીત પણ શ્રી મદન મોહનનું જ છે – એનું સારું રેકોર્ડિંગ મારી પાસે નથી એટલે આજે અહીં ઓડિયોમાં નથી મૂક્યું – પણ મને એ ગીત ખૂબ ખૂબ ખૂબ જ ગમે છે.. અને ગૂગલ કરતાં એનો વિડિયો મળી ગયો… એટલે એ પણ અહીં બોનસમાં મૂકી જ દઉં છું…

बदली से निकला है चाँद
परदेसी पिया, लौट के तू घर आजा, घर आजा..

http://www.youtube.com/watch?v=lIlsjHCwE_8

જોગી ચલો ગેબને ગામ – વેણીભાઇ પુરોહિત

આજે સ્વરકાર શ્રી પરેશ ભટ્ટનો જન્મદિવસ..! પરેશ ભટ્ટ એટલે ગુજરાતી સંગીતજગતને મળેલી એક અનન્ય ભેટ – જેની ખોટ ગુર્જરધરા ને હંમેશા સાલશે.. એમના સ્વરાંકનો થકી એ હંમેશા આપણી વચ્ચે રહેશે જ… આજે એમને ફરી યાદ કરી એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ એમના પોતાના સ્વરમાં કવિ શ્રી વેણીભાઇ પુરોહિતની આ રચના..

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

તું પોતે છે પરમપ્રવાસી...  Photo by P.R.Joshi (Annapurna Circuit Trek May 2011)
તું પોતે છે પરમપ્રવાસી... Photo by P.R.Joshi (Annapurna Circuit Trek May 2011)

જોગી ચલો ગેબને ગામ,
સમય પોતે છે પ્રશ્નવિરામ, સમયનું ક્યાં છે પૂર્ણવિરામ?

સુખને દુઃખનું સંગમ તીરથ જીવન એનું નામ,
આવન જાવન ગહન અનાદિ કરવું પડે શું કામ?
જોગી ચલો ગેબને ગામ..

તપ લેખો તો તપ છે જીવન, નહીંતર તીખો તાપ,
મુસિબતોને પાર કરે તે સુખિયો આપોઆપ.
પોતામાં સુખ શોધીને કર, પોતાને જ પ્રણામ..
જોગી ચલો ગેબને ગામ..

ડાબા જમણા ખભા ઉપર છે કઈ ભવભવનો ભાર,
પાપ પુણ્યની વચ્ચે ચાલે અરસપરસ સંહાર.
તું પોતે છે પરમપ્રવાસી, તું જ પરમનું ધામ..
જોગી ચલો ગેબને ગામ..

– વેણીભાઇ પુરોહિત

…કે વરસાદ પડે છે – મુકેશ જોષી

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા...  Photo: Townhall.Com
છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા... Photo: Townhall.Com

પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.

મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.

યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.

– મુકેશ જોષી

( આભાર – Webમહેફિલ.કોમ)

એના ટહુકા સંભળાય તને સહિયર ? – હિતેન આનંદપરા

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

portrait_qa51_l-sml.jpg
( … ટહુકા સંભળાય તને સહિયર?!!!!!)

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં ?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર ?

પારેવાં વિસ્મયથી ચણતાં પૂછે
ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી ?
કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી ?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયાર ?

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?

-હિતેન આનંદપરા

( આભાર -ઊર્મિસાગર.કોમ)

મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

જુન ૨૫-૨૬ના દિવસે – અહીંના બે એરિયાની સંસ્થા – Sanskriti તરફથી – કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે – Tagore Festival નું આયોજન કરવામાં આવ્યું છે.

એ કાર્યક્રમના એક ભાગરૂપે ગુજરાતી સંગીત-કાવ્ય જગત અને સમગ્ર વિશ્વમાં પથરાયેલા ગુજરાતીઓ તરફથી એમને શ્રધ્ધાંજલી માટે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે – જેમાં કવિવરના ગીતોનું ગુજરાતી ભાવાનુવાદ અને એ ગીતોની રવિન્દ્ર સંગીતમાં ઝબોળાયેલી પ્રસ્તુતિ – Bay Area ના ચુનંદા કલાકારો કરશે. અને આખા કાર્યક્રમના સૂત્રધાર – માધ્વી-અસીમ મહેતાએ ખાસ ટહુકોના વાચકોમાટે મોકલાવેલું આ રેકોર્ડિંગ સાંભળો..

સ્વર : માધ્વી મહેતા
સંગીત : અસીમ મહેતા

આલબમ – રવીન્દ્ર ગુર્જરી /a>

મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે
શ્યામલવરણી, કો, સ્વપ્નપરી, ઘૂમે વર્ષાભીની.. હે.. સુગંધે ભરી

ઘૂમે રક્ત, અલક્ત, શ્રૃંગારીત ચરણે
વહે રંગભીને ભી..ને પગલે
નિરભ્ર વ્યોમે, શશાંક કલા ઝગે કપોલભાલે..

મદમસ્ત બની મદિરાપાને કો ભાનભૂલી રમણી ઘૂમે
કોઇ નિર્ભિક મુક્ત તરંગ ડોલે, હળવે હળવે
આવી તારાહીન ઘનઘોર અંધકારે.. એ..
કોઇ નાવ તરે… હે.. સુગંધે..

– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

*******************

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (કાવ્યસંગીત) પરથમ પરણામ મારા – રામનારાયણ પાઠક ‘શેષ’

આજે Father’s Day..! સૌને અમારા તરફથી Happy પપ્પા દિવસ..! આ સાથે આ પહેલા ટહુકો પર મૂકેલું ગીત – આજે ફરી એકવાર.

અને ટહુકોની પાંચમી વર્ષગાંઠની ઉજવણીમાં આજે જ્યારે ગુજરાતી સુગમ-સંગીત, કાવ્યસંગીતની વાત કરવાની જ હતી – તો આજના દિવસે તો આ ગીત જ યાદ આવે ને! વર્ષોથી આપણા સંગીતકારોએ કવિઓની ઉત્તમ કૃતિઓ સ્વર-સંગીતબધ્ધ કરી આપણા સુધી પહોંચાડી છે. અને કાવ્યસંગીતની સાથે જ એટએટલા ગીતો અને નામો યાદ આવી જાય કે બધું લખવા જઇશ તો પ્રસ્તાવનાને બદલે નિબંધ જ લખાઇ જશે. (આ સાથે જ એક વિચાર આવ્યો – આ દર વર્ષે પરિક્ષામાં ‘મારી ગમતી ઋતુ, મારો ગમતો તહેવાર’ એવા વર્ષોથી પૂછાતા આવેલા અને વર્ષોથી ‘ગાઇડ’માં જોઇ જોઇને ગોખાતા આવેલા નિબંધ લખવાના આવે, એને બદલે – મારું ગમતું ગીત.. મારા ગમતા કવિ.. કે મને ગમતા સંગીતકાર – એવો નિબંધ કેમ નહીં પૂછાતો હોય?)

સોરી હોં! લાગે છે ગાડી જરા આડે પાડે ચડી ગઇ..! ચલો, fine ભરવો પડે એ પહેલા ગાડી સુગમ-સંગીતને રસ્તે પાછી લઇ આવું – અને સંભળાવું આ મઝાનું ગીત.
_______________________
Posted on September 4, 2009

જેટલીવાર આ ગીત સાંભળું એટલીવાર આંખો ભરાઇ આવે… ભગવાન જો એ ઘડીએ સામે આવે તો બસ એવી પાંખો માંગું કે ઉડીને મમ્મી-પપ્પા પાસે અમદાવાદ પહોંચી શકું..! ગીતના શબ્દો.. રાગ… નિરુપમા અને ફાલ્ગુની શેઠનો અવાજ.. બધું મળીને કંઇક એવો જાદુ કરે છે કે ગમ્મે એવી સ્થિતીમાં પણ બધુ છૉડીને મમ્મીભેગા થઇ જવાનું મન થઇ જાય.

સ્વર: નિરુપમા શેઠ, ફાલ્ગુની શેઠ
સંગીત : અજિત શેઠ

.

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,
માન્યું જેણે માટીને રતન જી;
ભૂખ્યાં રહૈ જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,એવાં
કાયાનાં કીધલાં જતન જી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.

ચોથા પરણામ મરા, ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;
ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;
હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.

પાંચમાં પરણામ મારા વેરીડાને કહેજો રે
પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી;
અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
ઊંડા ઊંડા આતમના અંધાર જી,

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે
સંસારતાપે દીધી છાંય જી;
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે
આતમને કહેજો એક સાંઇ જી.

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
ઢોરનાં કીધાં જેણે મનેખ જી;
હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
હારોહાર મારી ઊંડી મેખ જી.

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલ્યું સરવસ જી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.

– રામનારાયણ પાઠક : ‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’

——————-
Posted on September 4, 2009
અને હા… કવિ શ્રી કૃષ્ણ દવેને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 🙂

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (પ્રભાતિયા) જાગીને જોઉં તો જગત દીસે નહિ – નરસિંહ મહેતા

કવિ શ્રી હરીન્દ્ર દવે એ અહીં પ્રસ્તાવનામાં કહ્યું છે એમ – નરસિંહ મહેતા ૫૦૦ વર્ષ પહેલા આપણી ભાષામાં એક ચમત્કાર કરી ગયેલા. નરસિંહ મહેતાના નામ સાથે આપણને તરત જ – જાગને જાદવાવૈષ્ણવજન તો તેને કહીએ.. કે જળકમળ છાંડી જાને બાળા… એવા લોકગીત બની ગયેલા કેટકેટલાય પદો યાદ આવે! ગુજરાતીઓને હ્રદયસ્થ થયેલા નરસિંહ મહેતાના કેટલાક શબ્દો આજે કહેવત સમાન બની ગયા છે. જેમ કે – હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;

અને આજે જે અહીં મૂક્યું છે – એ પ્રભાતિયાની આ પંક્તિઓ… ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે…

સ્વર – સંગીત – આશિત દેસાઇ

સ્વર – ઉદય મઝુમદાર
સંગીત – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે

જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને

– નરસિંહ મહેતા

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (ગઝલ) હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે – રાજેન્દ્ર શુક્લ

વર્ષો પહેલા વિદેશથી આવીને હવે આપણા ગુજરાતી સાહિત્ય – ગુજરાતી સંગીત જગતનું અભિન્ન અંગ બની ગયેલો કાવ્ય-પ્રકાર એ – ગઝલ. કશે એવું સાંભળ્યા/વાંચ્યાનું યાદ છે કે – એક હિન્દી/ઉર્દુ ભાષાના શાયરે એવી ટકોર કરી હતી કે જે કક્ષાની ગઝલો ગુજરાતીમાં લખાય છે, એટલી ઉંચી કક્ષાની ગઝલો તો હવે હિન્દી/ઉર્દુમાં પણ નથી લખાતી..!

આજે માણીએ –

ગુજરાતી કવિતા અને ગઝલ ક્ષેત્રે જેમનો જુદો અવાજ છે, તે કવિ – શ્રી રાજેન્દ્ર શુક્લ!

એ લખે કે –

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

આ કવિની એક ગઝલ આજે સ્વરકાર શ્રી અમર ભટ્ટના અવાજમાં સાંભળીએ.

એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પીંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

હેત દેખીને ભલે હળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પાંચ ભેળા સાવ શેં ભળીએ અમે? હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

ઉભરાવું હોય તો શમવું પડે, ઉગીએ જો તો જ આથમવું પડે
મેરું ચળતાયે નહીં ચળીયે અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

કંઇક સમજ્યા ત્યારથી બેઠા છીએ, હાથમાં હુક્કો લઇ આ ઢોલિએ
ક્યાંથી મળીએ કો’કને ફળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

શબ્દના દીવા બળે છે ડેલીએ, આવતલ આવી મળે છે ડેલીએ
સ્વપન જેવું શીદ સળવળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

– રાજેન્દ્ર શુક્લ

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (ફિલ્મના ગીતો) આજ મારી નણદીએ મેણું માર્યું – અવિનાશ વ્યાસ

ગુજરાતી રંગભૂમિની સાથે સાથે જુની ગુજરાતી ફિલ્મોનો પણ ગુજરાતી સંગીત-દુનિયામાં અમૂલ્ય ફાળો રહ્યો છે. કેટલાય ગીતો ફિલ્મોમાં આવીને – અને પછી નવરાત્રીમાં ગવાઇને આજે લોકગીતની કક્ષાએ પહોંચી ચૂક્યા છે. આજે લાખો-કરોડોના દિલોના રાજ કરનાર ‘જગજીત સિંગ’ ને સૌથી પહેલો ફિલ્મમાં બ્રેક – એક ગુજરાતી સંગીતકારે – ગુજરાતી ફિલ્મના ગીત માટે આપ્યો હતો. ફિલ્મ બહુરૂપી – અજિત મર્ચન્ટનું સ્વરાંકિત થયેલું એ ગીત – ‘લાગી રામ ભજનની લગની’.

અને એ જ સ્વરકાર – અજિત મર્ચન્ટનું સ્વરાંકિત અને દિલીપ ધોળકિયાના સ્વર મઢ્યું, ગુજરાતી ફિલ્મ દીવાદાંડીનું એક ગીત – તારી આંખનો અફીણી – એ હદે લોકપ્રિય થયું છે કે એ ગીતના ૫૦ વર્ષ પૂરા થયાનો સમારંભ રાખવામાં આવ્યો હતો.

જો કે ગુજરાતી રંગભૂમિની જેમ જ ગુજરાતી ચલચિત્રોની બાબતમાં મારી જાણકારી નહિવત છે. એટલે બાકીની બાતો તમારા માટે બાકી રાખું છું આજે ટહુકોની પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલમાં – ગુજરાતી ફિલ્મના ગીતોને યાદ કરી સાંભળીએ – ફિલ્મ ‘ગુણસુંદરી’નું વધુ એક નણંદ-ભાભી સ્પેશિયલ ગીત. આ ગીત પપ્પાની કેસેટમાં વર્ષો સુધી ખૂબ સાંભળ્યું છે – એટલે જ કદાચ મારા માટે એ ઘણું જ સ્પેશિયલ છે. અને ગીતની સાથે જ વ્હાલા ભાભી પણ એટલા જ યાદ આવી જાય..! જો કે મેં કોઇ દિવસ ભાભીને એવુ કંઇ સંભળાવ્યું નથી હોં – હું તો એમની ખૂબ લાડકી નણદી છું 🙂

સ્વર – ગીતા રોય
સંગીત – અવિનાશ વ્યાસ

આજ મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું

ભાઈ ખોવાઈ ગયો ભાભી ના આવતા
બોલ્યા નણંદબા નૈનો નચાવતા
ઘરમાં બધું થાય મારી ભાભી ધાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …

સ્નેહલ સમીરભર્યું કામણ તો એવું કર્યું
વહાલભરી બહેન કેરું સગપણ હાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …

દિન-રાત રંગમાં ભાભીની સંગ રમે
વહુઘેલો વીરો મારો ભાભી ને ચરણ નામે
________________(??)  આજ વિસાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …