Monthly Archives: October 2010

હાથ મેળવીએ – નિરંજન ભગત

લાવો તમારો હાથ, મેળવીએ
( કહું છું હાથ લંબાવી ) !
કહો શું મેળવી લેવું હશે મારે ? તમારા હાથમાં તો કેટલુંયે –
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે…
શું શું નથી હોતું તમારા હાથમાં ?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ…
ખાલી તમારો હાથ ?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે !
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો –
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું-નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ !
અજાણ્યા છો ? ભલે !
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું –
લાવો, તમારો હાથ, મેળવીએ !

-નિરંજન ભગત

આજે ફરીથી સાંજ પડે દિલ ઉદાસ છે – મનોજ મુની

સ્વર – સંગીત : સોલી કાપડિયા

.

આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે.
છે સાથ તારો આજે, છતાં મન ઉદાસ છે.

ઢળતા સૂરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે.

હાથોમાં લઇને હાથ, બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે.

આ શું જુદા પડી અને મળશું ફરી કદી ?
મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે.

પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે.

– મનોજ મુની

મેળાનું નામ ના પાડો – ભાગ્યેશ જહા

સ્વર – સંગીત : સોલી કાપડિયા

હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૨)
મેળાનું નામ ના પાડો…(૨) તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..(૨)
હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૨)

મેળવિણ મેળામાં છલકે અવાજ અને ભક્તિ તણા જાણે ચીડમાં,
માણસની જાત એના સગા ભગવાન માટે ટોળે મળી છે ભીની ભીડમાં,
મેળાનું ગીત ક્યાંય ફરકે ધજામાં ને આંખ થઈ એકલતા ફરતી..
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી…

મંદિરના ખોબામાં ઊભરાણું આજ કશું મારા સિવાય મને ગમતું
અધરાતે જન્મોનો ખોળ્યો ઊકેલ કશું કાન જેવું આભમાંથી ઝમતું
ભીની નજર મારી મોરલીની ધાર તેમાં રાધાની વારતા કરતી …
મેળાનું નામ ના પાડો…(૨) તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..(૨)

હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૮)

–ભાગ્યેશ જહા

( આભાર – પ્રાર્થનામંદિર)

ભેંકાર – ચિનુ મોદી ‘ઈર્શાદ’

આજે ફરી એકવાર કવિ/ગઝલકાર શ્રી ચિનુ મોદીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ નિમિત્તે અભિનંદન પાઠવી એમનું આ ગીત માણીએ.. !

પાળિયાની જેમ મારી એકલતા ઓરડે ને પાધરની જેમ તમે ચૂપ
વીતેલી વેળમાં હું જાઉં છુ સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ સ્વરૂપ
શમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઇ કૂપ ? – પાળિયાની…

આંગણામાં પગલાઓ અંકાય લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર
પીપળાના પાંદડાઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર
પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે વરણાની ઓથ લઇ છૂપ ? – પાળિયાની…

ચલ્લી થઇને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડી નીડ
ભ્રમણાની ભાંત ચણી ક્યાં લગરે બેસવું, માણસ હોવાની મને ચીડ
આપણે અજાણી એક લાગણી ને લાગણીના
ચોર્યાસી લાખ થયા સ્તૂપ – પાળિયાની…

મોકો મળ્યો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

આવતી કાલે – ૨૮ ઓકટોબર, ૨૦૧૦ ના દિવસે કવિ/ગઝલકાર શ્રી ચિનુ મોદીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ એનાયત થશે.. એ પ્રસંગે એમને આપણા સર્વે તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ.. ! અને સાથે એમની આ મઝાની ગઝલ – સ્વરકાર શ્રી અમર ભટ્ટના સ્વર-સંગીત સાથે..!!

અને હા.. અમદાવાદના મિત્રોને ખાસ આમંત્રણ છે કાર્યક્રમમાં હાજરી આપવા માટે… વધુ માહિતી માટે અહીં ક્લિક કરો..!

સ્વર – સંગીત : અમર ભટ્ટ
આલ્બમ – શબ્દનો સ્વરાભિષેક

(છે આ ‘ઈર્શાદ’ તો…….  )

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

હવે આ હાથ રહે ના હેમ ! – પ્રિયકાન્ત મણિયાર

હવે આ હાથ રહે ના હેમ !
મળ્યું સમયનું સોનું પરથમ વાપર્યું ફાવ્યું તેમ
હવે આ હાથ રહે ના હેમ !

બહુ દિન બેસી સીવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા
જેહ મળે તે દર્પણ જોવા વણ લીધેલો નેમ… હવે આ હાથ રહે ના હેમ !

ભર બપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં
ઘણું ખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં
પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યોય નહિ વ્હેમ … હવે આ હાથ રહે ના હેમ !

કદી કોઇને કાજે નહિ મેં કટકોયે એ કાપ્યું
અન્યશું દેતા થાય અમૂલખ મૂલ્ય નહિ મેં માપ્યું
રતી સરખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ ? … હવે આ હાથ રહે ના હેમ !

– પ્રિયકાન્ત મણિયાર

નાની મારી આંખ એ જોતી કાંક કાંક…

નાનપણમાં કદાચ આપણામાંથી મોટાભાગના લોકોએ ખૂબ જ લલકાર્યું હશે એવું આ મઝાનું ગીત.. આજની જેક એન્ડ જીલને ઓળખતી પેઢી – આપણને મળેલા આ ખજાનાથી દૂર ન થઇ જાય એ જવાબદારી પણ હવે આપણા પર જ ને.. !

કવિ – ?
સ્વરકાર – ?
સ્વર – મેઘધનુષ આલ્બમના બાળ કલાકારો
આલ્બમ – મેઘધનુષ

(નાનું મોઢું મારું એ બોલે સારું સારું… – ક્રિશ મહેતા)

નાની મારી આંખ એ જોતી કાંક કાંક
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાનું મોઢું મારું એ બોલે સારું સારું
એ તો કેવી અજબ જેવી વાત છે…

આંગળી મારી લપટી એથી વગાડું ચપટી
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાના મારા હાથ એ તાળી પાડે સાથ
એ તો કેવી અજબ જેવી વાત છે…

પગ મારા નાના એ ચાલે છાનામાના
એ તો કેવી અજબ જેવી વાત છે…

એ તો કેવી અજબ જેવી વાત છે…
એ તો કેવી અજબ જેવી વાત છે…

મને ઝાંઝરિયું ઘડાવો રે… – પિનાકીન ઠાકોર

આ ગીતની સાથે જ પેલું ‘વ્હાલમને વરણાગી કહેતી નાયિકાની ફરમાઇશોવાળું ગીત’ યાદ આવી જાય ને? કવિ શ્રી પિનાકિન ઠાકોરને એમના જન્મદિવસે આ ગીત માણી શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

મને ઝાંઝરિયું ઘડાવો રે , ઝાંઝરિયું .

રૂપાનો રઢિયાળો ઘાટ ,
સોના કેરી સુંદર ભાત ,
રંગરંગી રતન જદાવો રે. મને ૦

કેડે નાનકડી શી ગાગર ,
મેલું જે ઘડુલો માથા પર,
ઇંઢોણીને મોતીએ મઢાવો રે. મને ૦

લટકમટક હું ચાલું,
ને અલકમલકમાં મ્હાલું,
મને પરીઓની પાંખ પર ચઢાવો રે. મને ૦

– પિનાકિન ઠાકોર

…શબ્દો કબીર-વડની માફક – મનોજ ખંડેરિયા

(કબીર-વડ….  Photo : JDRoche.Com)

ઘરમાં ઊભા જડની માફક
દર્પણની એક તડની માફક

ડાળ બટકતી જોયા કરીએ
સમય ઊભો છે થડની માફક

હું જ મને અથડાતો રહેતો
ઘરમાં છું સાંકડની માફક

આડેધડ ઊગી નીકળ્યા છે
સ્મરણો તારાં ખડની માફક

મારી ધરતી પર ફેલાયા
શબ્દો કબીર-વડની માફક

– મનોજ ખંડેરિયા

તમે થોડું ઘણું સમજો તો સારું… – હરીન્દ્ર દવે

સ્વર : રેખા ત્રિવેદી
સ્વરકાર – ?

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

તમે થોડું ઘણું સમજો તો સારું
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારુ
વહેતા વાયરાને કેમ કરી વારુ

ધારી ધારીને તમે બોલ્યા બે વેણ
એની અણધારી ચોટ ઉરે લાગી
જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી
એની ભ્રમણામાં રાતભર જાગી
ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ — તમે થોડું

આપણી તે મેડીએ રે આપણ બે એકલા
ને ફાવે તેવી તે રીતે મળજો
મોટા નાનામાં મારે નીચા જોણું છે
રહો અળગા કે વાટ ના આંતરજો
મોટા ઘરની હું નાની વહુવારુ હો રાજ — તમે થોડું