Monthly Archives: January 2010

મહાસાગર – ત્રિભુવનદાસ વ્યાસ

ખારા ખારા ઊસ જેવા
આછાં-આછાં તેલ,
પોણી દુનિયા ઉપર
એવાં પાણી રેલમછેલ !

આરો કે ઓવારો નહીં
પાળ કે પરથારો નહીં
સામો તો કિનારો નહીં
પથરાયા એ જળભંડાર સભર ભર્યાં

આભનાં સીમાડા પરથી,
મોટા મોટા તરંગ ઊઠી,
વાયુ વેગે આગળ થાય,
ને અથડાતા-પછડાતા જાય !

ઘોર કરીને ઘૂઘવે,
ગરજે સાગર ઘેરે રવે !
કિનારાના ખડકો સાથે,
ધિંગામસ્તી કરતો-કરતો,
ફીણથી ફૂંફાડા કરતો,
ઓરો આવે, આઘો થાય,
ને ભરતી-ઓટ કરતો જાય !

ઊંડો ઊંડો ગજબ ઊંડો !
માણસ ડૂબે, ઘોડા ડૂબે !
ઊંચા ઊંચા ઊંટ ડૂબે !
હાથી જેવાં તૂત ડૂબે !
કિલ્લાની કિનાર ડૂબે !
તાડ જેવાં ઝાડ ડૂબે !
મોટા મોટા પહાડ ડૂબે !
ગાંડો થઈને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !

વિશાળ લાંબો પહોળો
ઊંડો એવો મોટો ગંજાવર !
એના જેવું કોઈયે ન મળે !
મહાસાગર તો મહાસાગર !

– ત્રિભુવનદાસ વ્યાસ

(આભાર – મેઘધનુષ)

મારું જીવન એ જ મારી વાણી – ઉમાશંકર જોશી

આજની તારીખ કે આ ગીતને કોઇપણ પૂર્વભૂમિકાની જરૂર જ નથી..!

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

.

મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી.
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો.

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર.

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.

– ઉમાશંકર જોશી

…મીણના – ચંદ્રકાંત દત્તાણી

કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રૂદિયા દીધા છે સાવ મીણના !

આટઆટલા માણસ ને તો ય અહિ આપણું ન એકેય જણ
કાગળની હોડીએ કરવાનાં પાર ધોમ સૂસવાતી રેતીનાં રણ
જાળીમાં ફેરવાતું જાય લીલું પાન એને કાળા એકાંતના વ્રણ

મુઠ્ઠીભર હાડકાનાં પીંજરને દઇ લીધા
ખાલીપા જોજનવા ખીણના !
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રૂદિયા દીધા છે સાવ મીણના

પાંદડુંક લીલપનો અમથો આભાસ અને એવું લાગે કે વન જોયા
ઝાંઝવાનાં કોરાછમ દરિયાઓ જોઇ જોઇ આંસુ વિનાનું અમે રોયાં
જીવતર બીવતર તો બધું ઠીક મારા ભઇ, અમે મરવાની વાત પર મોયા

ચરણોને ચાલવાનું દીધું સરિઆમ
અને રસ્તાઓ દઇ દીધાં ફીણનાં !
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રૂદિયા દીધા છે સાવ મીણના !

———-

(વ્રણ = ઘા; નારું)

એક સાંજ – ઉર્વશી પારેખ

એક સાંજ આપણે મળ્યા દરિયા કિનારે
ડુબતો સૂર્ય, કેસરવરણી સાંજ

ભીના ભીના સંવેદનો મનનાં
કેટલું બધુ કહી નાંખવાની ઇચ્છા સાથે
એક સાંજ આપણે મળ્યા દરિયા કિનારે

બધાએ એક-બીજા સાથે બોલ્યા કર્યું
આપણે બન્ને બેસી રહ્યા બોલ્યા વિના
ભીની રેતીમાં લીટા દોરતા રહ્યા
એક-બીજાને જોતા રહ્યા
આંખો વડે
અપ્રત્યક્ષ રીતે કહેતા રહ્યા
ઉભા થયા, બોલ્યા વિના

પાસે પાસે ચાલતા રહ્યા, બોલ્યા વિના
ખુબ સાંરુ લાગ્યું મનને, બોલ્યા વિના
અને અજાણતામાંજ હાથે સ્પર્શી લીધુ હાથને
અને બધુ કહેવાઈ ગયું, બોલ્યા વિના
એક સાંજ આપણે મળ્યા દરિયા કિનારે
અને મળી ગયા
એકબીજાને દરિયા કિનારે.

તું મારો વર ને હું તારી વહુ – અવિનાશ વ્યાસ

સ્વર : ગીતા રોય
સંગીત : અવિનાશ વ્યાસ

(Happy Anniversary….Romilla & Vishal Patel)

This text will be replaced

ઓ રંગ રસિયા કહે ને
હું તારી શું છઉં
તું મારો વર ને હું તારી વહુ

નથી થવું મારે રાજાની રાણી
મારે મન આટલું બહુ
કે હું તારી વહુ

ઓ રંગ રસિયા કહે ને….

બની તારા ઘરની રાણી
ઘૂંઘટડો તાણી હું પનઘટ
પાણી ભરવા જઈશ રે

તુજને ભાળી નૈના ઢાળી
મારા એ આવ્યા, એ આવ્યા
એવું કહીશ રે

છાનું રે છપનું સપનું સરજું
તને કહું કહું ને રહી જઉં
કે હું તારી વહુ

ઓ રંગ રસિયા કહે ને….

પૂરણપોળી ઘીમાં ઝબોળી
તને જનની જેમ જમાડીશ

થઈ નટખટ નારી
લ્યો પાનસુપારી,
કહી સંગે રંગ રમાડીશ

તારા મન ઉપવનની કોયલ થઈ
તને ટહુકી ટહુકી કહું
કે હું તારી વહુ

ઓ રંગ રસિયા કહે ને….
————-

આભાર : mavjibhai.com