Monthly Archives: November 2009

માત ઉમિયાની રૂડી પધરામણી… – રાજેન્દ્ર ગઢવી

ઉંઝામાં અત્યારે કડવા પાટીદાર સમાજનું વૈશ્વિક સંમેલન યોજાઇ રહ્યું છે, ત્યારે આપણે પણ ઘરબેઠા આ ઉમિયા માતાનો ગરબો સાંભળી લઇએ…!

સંગીત – મેહુલ સુરતી

કવિઃ રાજેન્દ્ર ગઢવી
ગાયિકાઃ ગાર્ગી વોરા
પાર્શ્વગાયનઃરુપાંગ ખાનસાહેબ,આશિષ શાહ અને M.S.UNIVERSIY BARODA સ્વરવૃંદ

This text will be replaced

હાલો… હાલો… હાલો… હાલો…
હાલો… હાલો… હાલો… હાલો…

હાલો મોરી સૈયરું, હાલો મોરી સાહેલ્યું…
ચાંચરના ચોકમાં વધામણી
હે માત ઉમિયાની રૂડી પધરામણી

રૂમઝુમ રથડે, ઘૂઘરા ઘમરાકરે
કરમાં ત્રિશુળ માના મુખડે ખમકાર
થોક થોક લોક ગાયે માનો જયકાર
માનો ખમકાર.. માનો જયજયકાર…

હાલો મોરી સૈયરું, હાલો મોરી સાહેલ્યું…

શિવજીને મન વસે, ઋષભની અસવાર
ઉમિયાને મન કરવા પાટીદાર
રાખજો અખંડ હેત અમ પર અપાર
રાખો અપરંપાર… માનો જયજયકાર…

હાલો મોરી સૈયરું, હાલો મોરી સાહેલ્યું…

ગઝલ – શયદા

(કુદરતનો અનાહત નાદ….. Niagara Falls, June 09)

* * * * *

હું મૌન રહીને એક અનાહત નાદ ગજવી જાણું છું;
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું;
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.

હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું;
ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું.

કોઇ ધરમ નથી કોઇ કરમ નથી કોઇ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.

અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે,
હું એમ તો મારા અનુભવમાં ઇશ્વરને લાવી જાણું છું.

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.

તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે,
તું આગ લગાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે !
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.

લાગી રે લગન – રાજેન્દ્ર શાહ

આજે એક જ ગીત… ત્રણ અલગ અલગ સ્વરમાં..!! આમ તો ઘણીવાર ટહુકો પર એકજ ગીત અલગ-અલગ ગાયકોના સ્વરમાં મુકુ છું, પણ આજે ખૂબી એ છે કે – ત્રણે ગીતોના સ્વરાંકન પણ અલગ અલગ છે..! એક જ ગીત આમ ગુજરાતના દિગ્ગજ સ્વરકારો – ગાયકો પાસે જુદા જુદા રાગ-સ્વરૂપમાં સાંભળવાની મઝા આવશે ને? 🙂

સ્વર: મન્ના ડે
સંગીત : નીનુ મઝુમદાર

.

સ્વર: હેમા દેસાઇ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

સ્વર: હંસા દવે
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

This text will be replaced

લાગી રે લગન
પિયા! તોરી લાગી રે લગન

રેણ રે ઝૂમેલી બરિખન માસની
રૂમઝૂમ રેલ્યો અંધકાર
ભીને રે અંચળ ભમતો રાનમાં
ફૂલની ફોરમનો લઈ ભારઃ
વીજને તેજે તે પેખું પંથને,
ઉરમાં એક રે અગન.

તમરાં બોલે રે તરુવરપુંજમાં
જલપે ઝરણાં હજાર,
અડધી રાતે યે મનનો મોરલો
મારો ગાયે રે મલારઃ
આભ રે વીંટાયું અવની અંગને
એવાં મિલને મગન.

શું બોલીએ? – રમેશ પારેખ

કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ… ૨૭મી નવેમ્બરે .. આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! સાંભળીએ એમની એક ગઝલ – એમના જ સ્વરમાં.

અને હા.. રમેશ પારેખ વિશે થોડું વધારે જાણવા, એમના સ્વરમાં બીજી થોડી કવિતાઓ માણવા.. એમની વેબસાઇટ – છ અક્ષરનું નામ – જોવાનું ચૂકશો નહી.

This text will be replaced

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ !
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

– રમેશ પારેખ

દરિયાનો ઓટોગ્રાફ – જિગર જોષી ‘પ્રેમ’

દરિયા સાથે દોસ્તીવાળું એક મઝાનું ગીત… મારા જેવા ઘણાને થશે કે – અરે! આ તો આપણી જ વાત….!

(દરિયા સાથે દોસ્તી… Stinson beach, CA – April 09)

* * * * *

અમે જોયું છે સાવ સગી આંખે
દરિયાનો ઓટોગ્રાફ આપવાને આવે છે મોજાઓ રોજ રોજ કાંઠે
અમે જોયું છે સાવ સગી આંખે

એને જોવાને જઈએ ભઈ સાંજકના રોજ અમે દરિયાના પહેલેથી ફેન
રેતીને સ્પર્શી એ તો ફૂટે છે ગીત અને અંગુલી થઈ જાયે પેન
છીપલાના ઓરડાથી શબ્દોના મોતિડાં ઝીણું ઝીણું રે સહેજ ઝાંખે
અમે જોયું છે સાવ સગી આંખે

દરિયાને જેમ અમે મળવા જઈએને એમ દરિયો પણ આવે છે મળવા
સોરી હો ‘પ્રેમ ‘ જરા બીઝી હતોને… મને દેખીને લાગે કરગરવા
મૂકીને મન પછી ભેટવાને આવે ને બોજ બધો ઊતારી નાખે
અમે જોયું છે સાવ સગી આંખે

– જિગર જોષી ‘પ્રેમ’