Monthly Archives: March 2009

માનવને મારી – અમૃત ઘાયલ

ચડી આવે યદી ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે
નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે
કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે
અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે

– અમૃત ઘાયલ

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે – બરકત વિરાણી ‘બેફામ’

અહીં ફક્ત ૪ શેર સંગીતબધ્ધ થયા છે – પણ એવો સરસ લય છે કે જાણે બાકીની ગઝલ આપણે જાતે ગાઇને વાંચવાનું મન થઇ જાય…

સ્વર : સુધીર ઠાકર
સંગીત :: ???

.

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.

સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઇ બચશે, લાગણી કરશું એમે.

પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.

આ જગત અમને ભલેને નોખનોખા માર્ગ દે,
પણ સફર જીવનની તારા ઘર ભણી કરશું અમે.

આભધરતીનો તફાવત છે તો એથી શું થયું ?
ચંદ્ર થઇ જાશું ને તમને પોયણી કરશું અમે.

તું ન ચાહે તો પછી એને કોઇ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.

શી દશા થઇ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.

કાં મળે સૌ કાંઇ અમને, કાંઇ મળે ના કાંઇ પણ,
એની પાસે એની ખુદની માગણી કરશું અમે.

એક વખત સ્પર્શી અમારી શુધ્ધતા પણ જોઇ લો,
છો તમે પથ્થર ભલે, પારસમણિ કરશું અમે.

છે ખુદા સૌના અને એથી એ સંતાઇ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.

ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્ર્વને બેફામ ખાલી છાવણી કરશું અમે.

(આભાર : ગુજરાતસેન્ટર.કોમ)

નાનકડી નારનો મેળો – વેણીભાઇ પુરોહિત

હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલ ;
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
ખીલેથી વાછડાં છૂટે રે લોલ.

હાલોને સહિયર ! પાણીડાં જઇએ,
વીરડે વાતું કરશું રે લોલ :
વાટકે વાટકે ભરશું રે લોલ.

આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
હૈયે ફાગણિયો ફોરે રે લોલ :
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ –
હાલોને સહિયર…

નેણનાં નેવાંને ઊટકે આંજણિયાં,
હથેળી હેલને માંજે રે લોલ :
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
એકબીજાને ગાંજે રે લોલ.
હાલોને સહિયર…

સાસુએ માગ્યાં ઊનાં પાણીને
સસરે દાતણ માગ્યું રે લોલ ;
કાચી નીંદરને કાંઠેથી સપનું
મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.
હાલોને સહિયર…

હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં
તેજના ટશિયા ફૂટે રે લોલ :
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
આપણી વાતું નો ખૂટે રે લોલ –
હાલોને સહિયર…

ગોવિંદો પ્રાણ અમારો – મીરાંબાઈ

આજે એક વધુ મીરાંબાઇનું ભક્તિગીત..!

સ્વર : કૌમુદી મુન્શી

.

અંતરનાં અજવાળાં આલબમ માંથી ડો.દર્શન ઝાલાના મધુર કંઠમાં,
સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ…ગોવિંદો…

રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ… ગોવિંદો…

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ… ગોવિંદો….

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ… ગોવિંદો…

સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ;
રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ… ગોવિંદો…

ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;
સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય…ગોવિંદો….

સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ;
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ…. ગોવિંદો….

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;
ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય…. ગોવિંદો…

મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;
સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર… ગોવિંદો…

(આભાર : રીડગુજરાતી.કોમ)

લઇ ઊભા – મનોજ ખંડેરિયા

ન આવ્યા જે બા’રા બરછટ અવાજો, લઇ ઊભા
અમે આ છાતીમાં જખમ નિત તાજો લઇ ઊભા

પળો જે જે સામે મળતી રહી તે લૂંટતી રહી
અમે આ વેળાનો રસભર તકાજો લઇ ઊભા

હશે કોનો તેની જરી સરખી ના જાણ અમને
અમે તો સ્કંધે કૈં વરસથી જનાજો લઇ ઊભા

નથી તૂટ્યોફૂટ્યો તરડ પણ એકે નથી પડી
મળેલો મૂંઝારો અબતલક સાજો લઇ ઊભા

ગળે ડૂમો એવો હરદમ મળ્યો માપસરનો
નહીં ઓછોયે કે નહીં જરાય ઝાઝો, લઇ ઊભા

પ્રતીક્ષા છે ક્યારે જનમભરનાં લંગર છૂટે
બુઝાતા શ્વાસોના તટ પર જહાજો લઇ ઊભા

અમારાથી થૈ ના કદી પણ અનાવૃત કવિતા
અમે તો ભાષાનો લયમય મલાજો, લઇ ઊભા

– મનોજ ખંડેરિયા

લો અમે તો આ ચાલ્યા ! -શૂન્ય પાલનપુરી

‘શૂન્ય પાલનપુરી’ ને એમની પૂણ્યતિથિ નિમિત્તે આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી…!

જેણે તુષાર શુક્લનું હસ્તાક્ષર સાંભળ્યું હશે – એને માટે ‘લ્યો, અમે તો આ ચાલ્યાં..’ – શબ્દો જરાય અજાણ્યા ન હોય. એજ રદીફ-કાફિયા સાથેની શૂન્ય પાલનપુરીની આ ગઝલ જો કે કંઇ અલગ રંગો ઉપસાવે છે.

લયસ્તરો પર વિવેકભાઇએ રજૂ કરેલી આ બંને ગઝલો અને સાથે એનો કરાવેલો આસ્વાદ જરા પણ ચુકવા જેવો નથી..

ગઝલ – તુષાર શુક્લ

ગઝલ – શૂન્ય પાલનપુરી

————–

રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને, લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને, લો અમે તો આ ચાલ્યા !

બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને, લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને, લો અમે તો આ ચાલ્યા !

સૃષ્ટિના કણેકણમાં સૂર્ય જેમ વ્યાપીને, લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા કુલ જહાન માપીને, લો અમે તો આ ચાલ્યા !

ધર્મના તમાચાઓ, બેડીઓ પ્રલોભનની, કોરડા સમય કેરા;
એક મૂંગી શ્રદ્ધાની વેદનાઓ માપીને, લો અમે તો આ ચાલ્યા !

ધૈર્ય કેરા બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી, વેલ છે કરુણાની,
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને, લો અમે તો આ ચાલ્યા !

થાય તે કરે ઈશ્વર ! ભાન થઈ ગયું અમને, આપ-મુખ્ત્યારીનું !
દમ વિનાના શાસનની આજ્ઞા ઉથાપીને, લો અમે તો આ ચાલ્યા !

શૂન્યમાંથી આવ્યા’તા, શૂન્યમાં ભળી જાશું, કોણ રોકનારું છે ?
નાશ ને અમરતાની શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા !

-શૂન્ય પાલનપુરી

છૂટ છે તને – વિવેક મનહર ટેલર

શબ્દો છે શ્વાસ જેના….. એવા વ્હાલા કવિ – વિવેક ટેલરને આજે, એમના જન્મદિવસ પર – એમની જ ગઝલ ભેટ..  સૂર-સંગીતના બોનસ સાથે 🙂

સ્વર : અમન લેખડિયા

સંગીત : મેહુલ સુરતી

.

અને હા.. ‘Birthday Boy’ પણ કંઇક કહેવા માંગે છે. 🙂

આ ગઝલ જયશ્રીની લાંબા સમયની સૌમ્ય ઊઘરાણી અને ઊર્મિની પઠાણી દાદાગીરીના કારણે આજે આપ સહુ સમક્ષ રજૂ થાય છે એ મારી વર્ષગાંઠ નિમિત્તે મને મળેલી સહુથી પ્રેમાળ અને વિશિષ્ટ ભેટ છે… આજનો આ દિવસ મારા માટે ‘ખાસ’ છે અને એ માટે હું જયશ્રી અને ઊર્મિ બંનેનો આભાર તો નહીં માનું પણ આવી બે મિત્રોના મિત્ર હોવાનો ગર્વ જાહેરમાં વ્યક્ત કરું છું… મેહુલ સુરતી અને અમન લેખડિયા બંને મિત્રો છે અને સગાંથી વધારે વહાલાં છે એટલે આ અમૂલ્ય ભેટ બદલ એ બંનેના પ્રેમનો પણ હકપૂર્વક સ્વીકાર કરું છું….”

– વિવેક ટેલર
———-

Posted on September 28, 2006

open door

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

– વિવેક મનહર ટેલર

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી – મકરન્દ દવે

ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.

વાયરો ક્યાં જઇ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઇ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂંગું મરતું લાજી.

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું !
કોઇનું નહીં ફરિયાદીને
કોઇનું નહીં કાજી !
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

એનું નિજના રંગમાં રાતું,
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઇ તો સામે,
મહેક દે તાજી તાજી.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

સાવ અમસ્તું નાહક નાહક – ગની દહીંવાલા

ગનીચાચાની સદાબહાર ગઝલ… ઐશ્વર્યાના મઘમીઠા કંઠ સાથે ફરી એકવાર…

.

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

અમે ગુલમોર પીધો – દીપક બારડોલીકર

આજે ફરી એક ગુલમ્હોરી ગઝલ..

(નિમંત્રણ રાતું રાતું…. Picture from Webshots)

*******

ઢબૂક્યાં ઢોલ ચોરે, અમે ગુલમોર પીધો
ખુશીથી ખોબે ખોબે, અમે ગુલમોર પીધો

કોઇનું રૂપ નરવું, સળંગ ગુલમોર જેવું
કોઇના બોલે બોલે, અમે ગુલમોર પીધો

આ ધરતી પણ અમારી અને આકાશ આખું
અમોને કોણ રોકે, અમે ગુલમોર પીધો

હતો ચોમેર મેળો રૂપાળાં પંખીઓનો
મધુર ટૌકાની છોળે, અમે ગુલમોર પીધો

કદી સાંજે, સવારે, નશામાં ચૂર બેઠા
કદી બળતી બપોરે, અમે ગુલમોર પીધો

કદી શેરીમાં ‘દીપક’ જમાવી બેઠા મ્હેફિલ
કદી ખેતરને ખોળે, અમે ગુલમોર પીધો

નિમંત્રણ રાતું રાતું હતું મ્હોરેલ ‘દીપક’
મગન, મસ્તીના તોરે, અમે ગુલમોર પીધો

– દીપક બારડોલીકર

————

ગુલમ્હોર મ્હોર્યા એટલે – રમેશ પારેખ
ગુલમ્હોર