Monthly Archives: August 2008

હું તો કાગળિયાં લખી લખી થાકી

સ્વર : દિવાળીબેન ભીલ અને કોરસ
સંગીત : દિલીપ ધોળકિયા

.

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા પાવનિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે

કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ

આજનું આ મારું તો અતિપ્રિય ગીત ખરું જ – અને આ ગીત વિષે થોડી વાત વિવેક ટેલરના શબ્દોમાં …

‘હસ્તાક્ષર’ના છ ભાગમાંથી કયું ગીત મને સૌથી વધુ સ્પર્શી ગયું છે એમ કોઈ પૂછે તો નિમિષમાત્રનો વિલંબ કર્યા વિના હું આ ગીત પર આંગળી મૂકું. કવિતાની દૃષ્ટિએ ઉત્તમ ગીત, સ્વરબદ્ધતાની નજરે શ્રેષ્ઠ અને ગાયકી જુઓ તો એ પણ બેમિસાલ… હસ્તાક્ષરની MP3 ગાડીમાં વાગતી હોય ત્યારે આ ગીત જેટલીવાર રસ્તામાં આવે, છ-સાતવાર એકધારું સાંભળું નહીં ત્યાં સુધી ચેન પડતું નથી….

(આભાર : ઊર્મિસાગર.કોમ)

સ્વર : આરતી મુન્શી
સંગીત :નયનેશ જાની
આલ્બ્મ : હસ્તાક્ષર

This text will be replaced

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી… – નાથાલાલ દવે

આજે આ ખૂબ જ સુંદર વિદ્યાવિહાર-ગીત.. (આભાર – મેહુલ શાહ)
સ્વર : સેજલ માંકડ-વૈદ્ય
સંગીત : ?

.

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)
મોડી રાતે મેઘ વિખાયો… ભાર હૈયાનો કીધો ખાલી..

તૃણે તૃણે પાને પાને
ઝાંકળબિંદુ ઝબકે જાણે…(2)

રાતે રંગીન નિહારીકા ધરતી ખોળે વરસી ચાલી….
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રમતાં વાદળ ગિરીશિખરે
મધુર નાની સરિતા સરે…(2)

દૂર દિગંજે અધીર એનો પ્રિતમ ઉભો વાટ નિહાળી… (2)
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રવિ તો રેલે ન્યારા ..
સોનેરી સૂરની ધારા….

વિશાળે ગગન ગોખે જાય ગૂંથાતી કિરણ જાળી….. !
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

મન તો જાણે જુઇની લતા…
ડોલે બોલે સુખની કથા..

આજ ઉમંગે નવ સુગંધે ઝુલે એ તો ફૂલીફાલી…
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

આજ તો એવું થાય ! – દેવજી રા. મોઢા

 

આજ તો એવું થાય :
વનરાવનને મારગ મને માધવ મળી જાય !
                                                
સેંથડે મેં તો સિંદૂર પૂર્યાં, આંખમાં આંજી મેશ,
સોળ સજ્યા શણગાર મેં અંગે, નવલા ધર્યા વેશ;
ઓરતો મને એક જ હવે અંતર રહી જાય :
વનરાવનને મારગ મને…..
                                        
મોતી ભરેલી હીર-ઈંઢોણી, મહીનું માથે માટ,
રોજની ટૂંકી આજ મને કાં લાગતી લાંબી વાટ ?
વેચવા જઉં મહીડાં, મારા થંભતા જતા પાય :
વનરાવનને મારગ મને…..

બેય બાજુથી ઝાડ ઝૂકીને કરતાં ચામર-ઢોળ,
ઉરમાં વ્યાપ્યો આજ અજંપો, ચિત્ત ચડ્યું ચકડોળ;
ખખડે સૂકાં પાન-શું એમાં વાંસળી કોઈ વાય ?
વનરાવનને મારગ મને…..

અણુ અણુમાં ઝંખના જાગી, લાગી એક જ લેહ,
ચિત્તનું ચાતક ચાહતું કેવળ મોંઘો માધવ-મેહ;
પ્રાણ-પપીહો ‘પિયુ પિયુ’નું ગીત પુકારી ગાય !
વનરાવનને મારગ મને……

નેણ ભરીને નીરખ્યા કરું, સાંભળ્યા કરું સૂર,
ઊડીએ એવું ગગન જે હો જગથી ઝાઝું દૂર;
જહીં ન ઓલ્યો વિરહ કેરો વાયરો પછી વાય:
વનરાવનને મારગ મને માધવ મળી  જાય !
આજ તો એવું થાય….

ગરવો ગુજરાતી – આયના તરફથી… (by AIANA)

આજની પોસ્ટ ઊર્મિ તરફથી… એટલે કે એમના બ્લોગ પરથી સીધ્ધું Copy – Paste 🙂
*******
આજે પ્રસ્તુત છે માતૃભૂમિનું એક ગીત… આપણા પ્રિય ગાયક પાર્થિવ ગોહિલનાં ખુમારીભર્યા અવાજમાં… આ ગીત ‘ચાલો ગુજરાત’ પરિષદનાં પ્રસંગે ગુજરાતી અને ગુર્જરમૈયા માટે જ ખાસ લખાયું છે.

સંગીત : પાર્થિવ ગોહિલ
સંગીત સંયોજન : બોબી અને ઝોહેલ
સ્વર : પાર્થિવ ગોહિલ
શબ્દો: અંકિત ત્રિવેદી, સાંઈરામ દવે અને પાર્થિવ ગોહિલ

માતૃભૂમિ પર પ્રેમભાવના જાગે,
રોમ રોમમાં એ જ ભાવના જાગે.

ગર્વ સાથે સૌ એક શ્વાસમાં ગાઓ,
વિશ્વ ગુર્જરી સ્વર્ણ ગુર્જરી થાઓ…
સાથે સૌ ગાઓ… એક થૈ ગાઓ…
ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…

ગાંધીની અહિંસા જેના કણકણમાં,
નરસૈંયાનો કેદારો રજકણમાં;
સરદાર સમી ખુમારી હર નરમાં,
પહોંચી ચંદા પર નારી પલભરમાં…

હૈયામાં જેના મેઘાણી, ઉદ્યમથી ઉજળા અંબાણી,
નર્મદની ગૂંજે સૂરવાણી, વિક્રમની વિજ્ઞાની વાણી…

ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…

હું વિશ્વપ્રવાસી ગરવો ગુજરાતી,
હું પ્રેમીલો ને સાચો ગુજરાતી;
હું દૂર વતનથી તોયે વતનની પ્યાસ,
ગુજરાતીને ગુજરાતી પર વિશ્વાસ…

મીઠું બોલી જગ જીતનારો, જેને રાસ ને રમઝટ શણગારો,
મહેમાનો માટે મરનારો, ગુજરાતીના આ સંસ્કારો…

ગર્વ સાથે સૌ એક શ્વાસમાં ગાઓ,
વિશ્વ ગુર્જરી સ્વર્ણ ગુર્જરી થાઓ…
સાથે સૌ ગાઓ… એક થૈ ગાઓ…
ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…

*

ઑગષ્ટ 10મી એડિસન, ન્યુ જર્સી ખાતે થયેલી ઈંડિયા-ડે પરેડમાં આયના ટીમે ‘ચાલો ગુજરાત’ નો ફ્લોટ રાખ્યો હતો અને આખી ટીમે આ પરેડમાં નાચી-કુદીને-ગરબા ગાઈને ખૂબ જ મસ્તી અને મજા કરી હતી… ત્યારે ખાસ આ પરેડમાં વગાડવા માટે પાર્થિવે અમને આ ગીત ઉતાવળમાં જ તૈયાર કરી આપ્યું હતું… એટલે આનાથી પણ વધુ સારી ગુણવત્તાવાળું આ જ ગીત તેઓ મને ફરી મોકલશે એવું એમણે મને વચન આપ્યું છે. એટલે કે થોડા દિવસમાં આપણે ફરી આ ગીતને એક નવા જ રૂપમાં ફરી માણીશું… ખેર, ત્યાં સુધી તો આપણે આ જ ગીતને માણીએ.

‘ચાલો ગુજરાત’નાં અવસર માટે ખાસ આ ગીતને શક્ય બનાવનાર બધા કલાકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર… અને હાર્દિક અભિનંદન !!

‘યાહોમ ગુજરાતી’ નામનું બીજું એક ગીત પણ આવે છે, જેનું સ્વરાંકન પરાગ શાસ્ત્રીએ કર્યુ છે… તે પણ આયનાએ ખાસ ‘ચાલો ગુજરાત’ માટે જ કરાવ્યું છે અને થોડા દિવસોમાં મને જેવું મળશે કે તરત જ હું તમને એ ગીત જરૂરથી સંભળાવીશ…!