Monthly Archives: July 2008

હું હજી ય શોધું છું જિંદગીનું સરનામું – મનહરલાલ ચોકસી

 

હું હજી ય શોધું છું જિંદગીનું સરનામું,
કોઈ આપજો મુજને રોશનીનું સરનામું.

એટલે રહું છું ચૂપ સદાયે મહેફિલ માં,
કોણ પૂછવાનું છે આ દુ:ખીનું સરનામું.

જ્યાં ગયો ત્યાં અથડાઈ સ્વાર્થની જ સો ભીંતો,
ગુમ થઈ ગયેલું છે માનવીનું સરનામું.

આપને મળ્યો ત્યારે છેવટે મળ્યું મુજને,
હુંફની હથેળીમાં દોસ્તીનું સરનામું.

ઠેશ વાગશે જયારે દુ:ખ અવરનું જોઈને,
તે ક્ષણેજ મળવાનું બંદગીનું સરનામું.

પૂછો તો ખરા…. – અવિનાશ વ્યાસ

આજે ઘણાં દિવસો પછી આ ગીત ફરી ફરીને સાંભળ્યું. ખરેખર ગાયકોએ એવા ભાવથી આ ગીતને સ્વર આપ્યો છે કે જરા વાર માટે જો બાકીની દુનિયાથી અલિપ્ત થઇને ફક્ત આ ગીતમાં ધ્યાન પરોવો તો આંખમાં ભલે આંસુ આવે કે ન આવે, પણ હ્રદયમાંથી એક આહ જરૂર નીકળે..

2 વર્ષ પહેલા જ્યારે આ ગીત ટહુકો પર મુક્યું હતું – એ ઓનલાઇન રેડિયો પરથી record કરેલું ‘poor quality’નું ગીત હતું. ગીત સાંભળતા જ ગમી ગયેલું, એટલે એને ટહુકો પર મુકવાની લાલચ નો’તી રોકી શકી ત્યારે. અને આજે મને ‘better quality’ ની music file મળી – તો એને પણ તમને સંભળાવવી જ પડે, બરાબર ને ?

ફિલ્મ : પારકી થાપણ

સ્વરકાર : ગૌરાંગ વ્યાસ

love-hurts.jpg

સ્વર : આશા ભોઁસલે – બદ્રિ પવાર

.

ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા

પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા

દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા

મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા

જત જણાવાનું તમને – કમલ શાહ


એક ધમાકો,
એક નહી, પણ સત્તર-સત્તર
ધોળા ધબ્બ ગુબ્બાર..
અને સેંકડો ચીત્કાર..

પછી મોડી રાતે અફવાઓનું
ગરમાગરમ બજાર..
પછી
લોહીથી ખર્ડાયેલુ
સવારનું અખબાર..

કોની વાત પર
કોને રહ્યો
કેવડો એતબાર..?
મનીયો-મોહમ્મદ-મૅક-ને મનજીત
સૌના હૈયે ઘાવ..
કોણ હવે કોને કહેઃ
“તું ના આસું વહાવ…!”

ઝાકળ જેમ ઝગમગતી
કેટ-કેટલી યાદ…
કોણ હવે કોને કરે
કેવડીક  ફરીયાદ..??

જત જણાવાનું તમને

કે બસ

જીવતું છે અમદાવાદ….!!! 

– કમલ શાહ (અમદાવાદ)

અનિલને – રમેશ પારેખ

ગુજરાતી ગઝલની અમર ત્રિપુટી – અનિલ જોશી, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ.. સમકાલિન કવિઓ અને જિગરજાન મિત્રો..!! એમાંના રમેશ પારેખ એ કવિ મિત્ર અનિલ જોશી માટે લખેલી ગઝલ..

———-

મીરાં નદીની તું નહેર, અનિલ
ને રણ ફૂંકાય ઘેર ઘેર, અનિલ

ભરાતું શ્વાસના કટોરામાં
એનું એ રિક્તતાનું ઝેર, અનિલ

આંધળો હાથ મારો ક્યાં ચીંધું
તારો મેવાડ ઠેર ઠેર, અનિલ

ઝાંઝવા એમ નહીં બને ઝરણું
ગમે તે ચશ્માં તું પહેર, અનિલ

હોઠમાં કાલસર્પયોગ અને
વક્ષની વચ્ચે કાળો કેર, અનિલ

ભૂખી દીવાલો ભક્ષ્ય માગે છે
સ્વપ્નનાં મસ્તકો વધેર, અનિલ

લબાચા જેવાં આપણાં કાંડાં
ને શબ્દ નીકળ્યા ડફેર, અનિલ

પ્રેમનો એક ટાપુ છે જેની –
રાજધાનીનું તુ શહેર, અનિલ

શ્યામ, આદિલ, મનોજ, હું, ચિનુ
છીએ એક જ ગઝલના શેર અનિલ

નવી તે વહુ ના હાથમાં રૂમાલ – અવિનાશ વ્યાસ

આજનું આ ‘નવી વહુ’નું ગીત ખાસ એક મિત્રએ મોકલ્યું છે મારા માટે, ટહુકોના વાચકોને સંભળાવવા…!! 🙂

સ્વર : હેમા દેસાઇ
સંગીત : અવિનાશ વ્યાસ

vau.jpg

.

માલા રે માલ, લહેરણીયું લાલ,
ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

હે લપટી જપટી દેતી રે તાલ
શરમને શેરડે શોભતા રે ગાલ
કાવડિયો ચાંદલો ચોડ્યો રે ભાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..

હે… રાખે રાખે ને ઉડી જાય રે ઘૂમટો
પરખાઇ જાય એનો ફૂલ ગુથ્યો ફૂમકો

કંઠે મકેહતી મોગરાની માળ
આંખ આડે આવતા વીખરાયા વાળ
નેણલેથી નીતરે વ્હાલમનું વ્હાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..

હે… એની પાંપણના પલકારા વીજલડીના ચમકારા
એના રુદિયામાં રોજ રોજ વાગે વાલમજીના એકતારા

હિલોળે હાથ જાણે ડોલરની ડાળ
બોલ બોલ તોલતી વાણી વાચાળ
જલતી જોબનીયાની અંગે મશાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

માલા રે માલ, લેરણીયું લાલ,
ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.