Monthly Archives: April 2007

મુક્તક – સુરેન ઠક્કર ‘મેહુલ’

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

Muktak, suren thakkar mehul, tahuko.com – listen Gujarati music online

ઘેલી વસંત આવી રે… – નીનુ મઝુમદાર

પૂર્ણ થઇ શીતલ રજની, ને શુષ્ક નિયમનો અંત જડ્યો,
વનવનમાં ઉત્સવ કરવા, મદમસ્ત રજાનો ઘંટ પડ્યો,
ને છુટ્યો વાયરો દક્ષિણથી, કિલ્લોલ કરતો આજે
ડોલ્યા તરુવરને ડોલી વલ્લરી, નવ પલ્લવથી સાજે

ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદીના સ્વરમાં આ શબ્દો સાથે જ્યારે આ ગીત શરુ થાય છે, ત્યારે કોઇ પણ ઋતુમાં વસંતનું વાતાવરણ ઉભુ કરી દે છે. જેટલીવાર સાંભળો, એટલીવાર વધુ ને વધુ ગમી જાય એવું સુંદર ગીત.

કોઇ ગીત તમને એના શબ્દોને લીધે ગમી જાય, કોઇ એના સંગીત કે પછી કોઇ ગાયકીને લીધે. પણ આ ગીત માટે એક વાત જરૂર કહીશ, આટલીવાર સાંભળવા છતાં હું એ નક્કી નથી કરી શકી કે મને આ ત્રણમાંથી સૌથી વધુ શું ગમી ગયું !

શબ્દોની જ વાત કરું, તો આ ગીતની દરેકે દરેક કડીમાં કવિએ વસંતને એવી અલગ અલગ ઉપમાઓ આપી છે કે કવિની કલ્પનાને સલામ કર્યે જ છુટકો. પછી એ કરિયાવરના લીલા પટોળા હોય, ભીક્ષા માંગતા ભમરાનો ગુન ગુન કરતો એકતારો, કે રાત-દિવસનો ગરબો. વસંતનો ઉત્સવ ઉજવતા માનસપટલ પર દરેક કડી એક અલગ જ ચિત્ર ઉભું કરી દે…. આનંદકેરી લહેરે આપણે પણ ઝુમી ઉઠીયે…..

Semi-classical જેને કહી શકાય, એવું આ ગીતનું સંગીત પણ એટલું જ કર્ણપ્રિય છે. રાગનું નામ તો નથી ખબર, પણ ગાવાનું મન થઇ જાય એટલો સરસ રાગ છે ગીતનો, અને આખા ગીતમાં વાગતા તબલા અને ખંજરી ખાસ ધ્યાન ખેંચે છે. ‘નાચે છે નટરાજ નચાવી…. આ કડી પછી જે ફક્ત તબલા વાગે છે, એ સાંભળીને તો જાણે આપણને નાચવાનું મન થઇ જાય…

અને ઉદય મઝુમદાર – રેખા ત્રિવેદીની જોડીનો કંઠ પણ એટલું જ ધ્યાન આકર્ષે છે. બે ગાયકો વચ્ચે જયારે આવો સરસ તાલ-મેલ ( આ ગુજરાતી શબ્દ છે ? ) હોય, ત્યારે એક Duet ગીતની મજા જ નીરાળી હોય છે.

ગીત – સંગીત : નીનુ મઝુમદાર
સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી

.

આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

ધરતી માં ની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…

આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…

રોકો વસંતને – જયંત પાઠક

આપણા ગુજરાતમાં તો વસંત ઋતુ ક્યારની આવી ને ગઇ… પણ આ વખતે અહીં અમેરિકામાં મોડી મોડી હજુ હમણા જ વસંત આવી છે. ( જો કે મારા કેલિફોર્નિયામાં તો એ પણ કંઇ એટલું જણાતુ નથી. ) વસંતની પધરામણીનું એક ખુબ જ સુંદર ગીત આવતી કાલે… પણ આજે વાંચીયે જયંત પાઠકની આ કવિતા. લાગે છે કે આવા જ કોઇ પ્રેમીની ફરિયાદ ઉપરવાળાએ સાંભળી લીધી હશે 🙂

પણ હા, એક વાત જરૂર કહીશ… નાની અમથી, પણ તરત જ ગમી જાય એવી સુંદર કવિતા.

487959_503747943907_2028149490_n

 

આવતી રોકો વસંતને
મારે આંગણિયે ફુલડાંના ફાલ
લાવતી રોકો વસંતને

એ તો આંગણને આંબલિયે ટહુકો કરે,
અહીં એકલડું ઉર મારું હીબકાં ભરે.
કોઇ હેતસૂના હૈયાની ડાળ
હલાવતી રોકો વસંતને.

શાને શીળો સમીર બની અંગે અડે !
મારા ઝૂરતા જીવન સાથ રંગે ચડે !
એની વેણુંમાં વેદનાનું વ્હાલ
વહાવતી રોકો વસંતને.

ગઝલ – આદિલ મન્સૂરી

surprised

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં.

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.

અબોલા – પ્રહલાદ પારેખ

તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત !

આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ
એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ

તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
– નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં તુજ નેન

અંતર મારે ભય જાગે : શું બંઘો જાશે તુટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
– સઘળું નિજનું તુજને લૂંટી ?