Category Archives: મનોજ ખંડેરિયા

જેવું લાગે છે – મનોજ ખંડેરિયા

વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.

કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.

સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે.

આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે.

ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.

– મનોજ ખંડેરિયા

વચમાં જ્યાં થાય જરા તારો ઉલ્લેખ – મનોજ ખંડેરિયા

વચમાં જ્યાં થાય જરા તારો ઉલ્લેખ….
અને સળવળતી થાય પછી પીંછાની જેમ,
પછી ઈચ્છાની જેમ
મારા હાથની હથેળિયુંમાં વરસોથી સૂતેલી
તારા લગ પહોંચવાની રેખ….

ચાક્ળાના આભલામાં કાંઈ નહીં,
સામેની ખાલીખમ ખાલીખમ ભીંત
કેવડાની જેમ નથી ઓરડાઓ કોળતા ને
મૂંગું છે તોરણનું ગીત
સાવે રે સોનાના મારા દિવસો પર લાગી ગઈ
વરસો પર લાગી ગઈ
તારા અભાવની રે મેખ….

સૂકેલી ડાળી પર પાન ફૂટે એમ ફૂટું
સાંભળીને ક્યાંક તારું નામ
તારા હોવાનું ક્યાંય મોતી ન મળતું ને
ખાલી આ છીપ જેવું ગામ
મારા આ શ્વાસ હવે કાળની કંઈ સુકાતી શેરીમાં
લૂની જેમ ફૂંકતી શેરીમાં
ઘૂમે લઇ ઊગવાનો ભેખ….

– મનોજ ખંડેરિયા

આંગળીમાંથી – મનોજ ખંડેરિયા

કંકુ ખરે છે આંગળીમાંથી…. Picture from : http://serc.carleton.edu

સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
ન થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી

કરું જો બંધ મુઠ્ઠી- હસ્તરેખા થઈ જતી ભીની,
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી

ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી

જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક જ આ
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને –
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની –
હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

– મનોજ ખંડેરિયા

શું કરું – મનોજ ખંડેરિયા

ડગમગે છે એવી ક્ષણને શું કરું:
ઓગળી જાતાં ચરણને શું કરું.
કાળમીંઢી શક્યતા પલળે નહીં,
તો ભીનાં વાતાવરણને શું કરું.

– મનોજ ખંડેરિયા

અમે નીકળી નથી શકતા – મનોજ ખંડેરિયા

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા

સદીઓથી શિલાલેખોના અણઉકેલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા

નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા

સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહિ મિત્રો
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા

ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા

– મનોજ ખંડેરિયા

———————-
આ ગઝલના સંદર્ભમાં કવિ શ્રી ની આ બીજી બે ગઝલો માણવા લાયક છે –
જરા નીકળો – મનોજ ખંડેરિયા 

 

મનોજ પર્વ ૨૧ : વિદાયનું ગીત

આ વર્ષના મનોજ પર્વની આજે છેલ્લી કડી.! પરંતુ આ તો અલ્પવિરામ છે. આવતા વર્ષે ફરીથી મનોજભાઇના શબ્દોનો ઉત્સવ ઉજવશું..!! અને આજે માણીએ મનોજભાઇનું એક સુંદર વિદાયનું ગીત – અને સાથે કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ના સંસ્મરણો..!

——————–
લગભગ સન ૧૯૯૭ ની આ વાત છે. મારી પત્ની અપર્ણા એ સમયે એક NGO મારફતે ગરજુ મહિલાઓને સીવણકામ શીખવવા માટે જતી. એકવાર એણે ઘેર આવીને કહ્યું કે ‘આવતા અઠવાડીએ મારે સીવણકામ શીખવવા માટે જૂનાગઢ જવાનું છે’. મેં કહ્યું ‘એટલે તું મારા પ્રિય કવિ મનોજ ખંડેરિયાને ગામ જાય છે એમ ને ! તો મનોજ ખંડેરિયાને મળતી આવજે.’

આ વાત મેં માત્ર મજાક માં જ કહેલી. મનોજ ખંડેરિયા મને ઓળખે એવો કોઈ પ્રશ્ન જ ન હતો કારણકે એ વખતે હજી હું કવિ તરીકે જાણીતો થયો નહોતો. પણ મઝાની વાત તો એ પછી બની. અપર્ણાનો જૂનાગઢથી ફોન આવ્યો ‘બોલ, હું ક્યાંથી બોલતી હોઈશ ?’ મેં કહ્યું ‘જૂનાગઢથી, બીજે ક્યાંથી ?’ તો કહે કે ‘એ તો બરાબર વિવેક, પણ હું અત્યારે તારા પ્રિય કવિ મનોજ ખંડેરિયા ને ત્યાં થી બોલું છું.’ હું તદ્દન અવાચક ! મેં મજાકમાં કહેલી વાત આમ સાચી પડશે એવું મેં સપનામાં પણ ધારેલું નહીં. વાત એમ હતી કે અપર્ણા જે સંસ્થામાં સીવણકામ શીખવવા ગઈ હતી એના મુખ્ય સંચાલકોમાં પૂર્ણિમાબેન ખંડેરિયા એક હતાં.

પહેલાં તો અપર્ણાનો ઉતારો ગેસ્ટહાઉસ ઉપર હતો, પણ જેવી પૂર્ણિમાબેન ને ખબર પડી કે અપર્ણા સગર્ભા છે (સોપાન એ વખતે ગર્ભમાં હતો), એ અપર્ણાને સીધી ઘેર લઇ ગયા અને બે ત્રણ દિવસ ખૂબ લાડ લડાવ્યા. પછી મનોજભાઈને મળવાનું થયું ત્યારે અપર્ણાએ એમને મારા વિષે વાત કરી કે ‘વિવેક તમારો મોટો ફેન છે અને એ પોતે પણ કવિ છે’ ત્યારે મનોજભાઈ એમનું જાણીતું મંજુલ સ્મિત વેરીને મૌન રહ્યા. આજે પણ અપર્ણા મને કહે છે કે ‘મ.ખ.ને હું તારાથી પહેલાં મળી છું’.

મારે મનોજ ખંડેરિયાને પ્રથમ મળવાનું બન્યું તે સીધું INT ના મુશાયરાના મંચ ઉપર – બિરલા માતોશ્રી સભાગૃહ, ૧૯૯૯, મુંબઈ. આપણા માનીતા કવિને ‘કલાપી’ એવોર્ડ એનાયત થતો નિહાળવો – અને એ પણ એમની જ સાથે મંચ પર બેસીને – એ અમારા સૌ યુવાન કવિઓ (હું, મકરંદ, હિતેન, મુકેશ વગેરે) માટે ગૌરવની વાત હતી, એક અનેરો લહાવો હતો. એ પછી પણ મનોજભાઈ સાથે મંચ share કરવાના પ્રસંગો આવ્યા અને એ પ્રત્યેક પ્રસંગ મારા માટે જીવનભરનું સંભારણું છે.

મ.ખ. જેટલા ઉત્તમ કવિ, એટલા જ ઉમદા માણસ. જાન્યુઆરી ૨૦૦૦ માં મને INT દ્વારા ‘શયદા’ એવોર્ડ એનાયત થયો એ પહેલાં અને પછી પણ મનોજભાઈને મળવાનું બન્યું હતું પણ ‘શયદા’ એવોર્ડની ચયન સમિતિમાં એ વખતે મ.ખ. અને ચિનુ મોદી હતા એની જાણ તો મને એ પછી ઘણા વર્ષે આડકતરી રીતે થઇ હતી. બાકી મ.ખ. તો ભદ્રતા અને શાલીનતાની જાણે પ્રતિમૂર્તિ – એ પોતે તો આવી વાત કદી સામે ચાલીને કહેતા હશે !

૨૦૦૨ ની સાલમાં, મારું વાસ્તવ્ય મુંબઈમાં હતું ત્યારે રમેશ પારેખના સમ્માન પ્રસંગે મનોજભાઈ એમની સાથે આવેલા. કાર્યક્રમના મધ્યાંતરમાં હું મનોજભાઈને મળ્યો ત્યારે એમણે એમની હોટેલનું નામ-ઠેકાણું વગેરે આપ્યાં અને આગ્રહથી કહ્યું કે કાલે સમય હોય તો મળવા આવજો. હું બીજે દિવસે મળવા ગયો ત્યારે મને થોડું અચરજ થયું, કારણકે જે કલાક દોઢ કલાક મેં એમના રૂમ માં વિતાવ્યો, એમાં મ.ખ. પોતે માત્ર ૫ મિનીટ માંડ કંઇ બોલ્યા હશે. બાકીનો સમય હું અને ર.પા. જ વાતો કરતા રહ્યા. કૈંક વિચિત્ર લાગણી સાથે મેં વિદાય લીધી અને મ.ખ.ની આ વર્તણુક વિષે તર્ક-વિતર્ક કરતો રહ્યો. એ પછી બે ચાર મહિનામાં જ સમાચાર મળ્યા કે મ.ખ.ને ગળાના કેન્સરનું નિદાન થયું છે ! અને તરત જ એમની હોટેલમાંની વર્તણૂક નો મને જાણે ખુલાસો મળી ગયો. આવું આવું કરતા કેન્સર ને કારણે મ.ખ. બોલવામાં તકલીફ અનુભવી રહ્યા હોવા જોઈએ. પોતે બહુ વાત નહીં કરી શકે એની જાણ હોવા છતા એમણે હોટેલ પર મને મળવા બોલાવ્યો કારણ કે એ કદાચ મને એક વાર નિરાંતે મળી લેવા માગતા હતા. અને ખરેખર, એ જ મારી એમની સાથેની છેલ્લી મુલાકાત પુરવાર થઇ.

જયશ્રીએ મનોજપર્વ માટે કૈંક લખવાનું કહ્યું અને એ નિમિત્તે આ વાત કરવાનું થયું. બાકી આજ સુધી, મારા અંતરંગ વર્તુળ સિવાય આનો મેં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી.

‘ટહુકો’ નો ખૂબ ખૂબ આભાર અને મ.ખ.ને આદરાંજલિ…

વિવેક કાણે ‘સહજ’
વડોદરા

—————————-
બીજો શું અર્થ હવે હોય તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

અડક્યાની સુંવાળી કેડીનો ખાલીપો
ખટકે છે આજ મને શૂળ થઈ
ઊઘડી રે જાય એવી પાંપણની છાંય તળે
સેવ્યાં’તા સમણાં એ ભૂલ થઈ

પરપોટે પુરાયો તૂટ્યો રે મ્હેલ સાત જન્મોના રંગોની ઝાંયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી તૂટતી
વિદાયનો

દિવસ ને રાત તપી એકલતા એટલું કે
ઓગળ્યો સંબંધ બધો મીણનો
દરિયો આખો તો સખી,સહી લઈએ આજ
નથી જીરવાતો ભાર કેમે ફીણનો

ઓળખી ન શકતો રે હું જ મને કોઈ રીતે હાથમાં જ્યાં
લઉં જરા આયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૨૦ : શબ્દ અને મનોજ ખંડેરિયા (શેર સંકલન – ભાગ ૨)

આજે માણીએ ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ જેવા અમર શબ્દો ગુજરાતી કવિતાને આપનાર કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાના થોડા શેરનું સંકલન.. કવિએ કવિના શબ્દને અલગ અલગ ગઝલોમાં જે રીતે પેશ કર્યો છે એની એક નાનકડી ઝલક…
(ઘણા વખત પહેલા ‘શબ્દ અને મનોજ ખંડેરિયા’ શેર સંકલન – ભાગ ૧ – ટહુકો પર રજૂ કર્યો હતો એ માટે અહીં ક્લિક કરો)

આ મારો અંધકાર લીલોછમ બની જશે
શબ્દોનું જ્યારે વાતાવરણ ઓગળી જશે
*

એકેય પાન શબ્દનું લીલું નહીં રહે
ઊડી રહ્યા છે તીડનાં ટોળાંઓ ગામ પર
*

હું દર્પણમાં શબ્દો ઉતારી શકું તો
મને એ રીતે હું પ્રસારી શકું તો
*

આ મારી શૂન્યતા મહીં શબ્દો ભરો નહીં
ઠાલી હવાથી એમ ક્યાં પુરાઈ જાય ખીણ
*

શબ્દો મારા પગભર ક્યાં છે
ચાલો મૌન તણી આંગળિએ
*

કોની મુદ્રા ઊપસી આવી
મારા શબ્દોની લગડીમાં

કવિતા તો છે કેસર વાલમ!
ઘોળો સોના-વાટકડીમાં
*

શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો
એક ઝંઝાવાતને ખાળી લીધો

મેં કશો અપરાધ ક્યાં વનમાં કર્યો
મેં રઝળતો ટહુકો સંભાળી લીધો
*

“મને તું મૌન દઈને શબ્દ તારો લઈ જજે”
પડી છે એક જાસાચિઠ્ઠી મારા ઉંબરે
*

ભ્રમર જેમ એમાં પુરાઈ ગયો છું
કહો શબ્દનું ઘર કમળ તો નથીને
*

મૂકી દે આજ મારા શબ્દો પર
ચોથું પગલું ચરણ ઉપાડીને
*

ક્યાં સરળ શબ્દનો છે ખજાનો
એ ફણીધર નીચેનો ચરુ છે
*

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે
*

સદા શબ્દોના અગ્નિ-સ્તંભને મેં બાથ ભીડી છે
સતત કાગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
*

શબ્દના વનમાં ફૂલોના પથ મળે
મ્હેકથી ખૂણેખૂણો લથબથ મળે
*

કથામાંથી છટકેલ છળ છે કે શું
ફરી એ જ માયાવી સ્થળ છે કે શું

મને શબ્દ ખેંચી ગયા ક્યાંથી ક્યાં
એ સોના-હરણવાળી પળ છે કે શું
*

લખાયા પહેલાં જ પોઢી ગયેલા
ઘણા શબ્દની છે કબર આંગળીમાં

કવિતા તો ઢાકાની મલમલ મુલાયમ !
વણાતી રહી હર પ્રહર આંગળીમાં
*

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને-
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દ બીજું શુણ ?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

મનોજ પર્વ ૧૯ : રહસ્યોની ગૂફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં

મનોજપર્વમાં આજે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ rare ગઝલ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ પાસે, એમના જ શબ્દોમાં થોડી પ્રસ્તાવના સાથે…!
———————————

મનોજ ખંડેરિયાને આજે સહર્ષ યાદ કરું છું. કાયમ દિવાળીના થોડા દિવસો પહેલા અમદાવાદ આવે. મારા ઘરે અચૂક આવે. નવી ગઝલો સંભળાવે. શ્રોતામાં માત્ર હું ને પૂર્ણિમાબેન ને વિરાજ – મારી પત્ની. એક ગઝલ એમણે સંભળાવેલી તે આ –

રહસ્યોની ગૂફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં,
સમયસર ખૂલ જા સિમ સિમ ઉચરવું યાદ આવ્યું નહીં

અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચીતરવું યાદ આવ્યું નહીં

હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ
ખરે ટાણે હુકમ પાનું ઉતરવું યાદ આવ્યું નહીં

કલમથી શાહી બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર
બીજી કોઇ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં
– મનોજ ખંડેરિયા

આ એક rare ગઝલ છે. એમની સમગ્ર કવિતામાં પણ કદાચ છપાઈ નથી. આ ગઝલ એક experience ane expression તરીકે તાલ વગર રજૂ કરું છું.

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

મનોજ પર્વ ૧૮ : દોસ્ત, અહીં થાવું છે અમર કોને…

આજના મનોજ પર્વમાં માણીએ મનોજભાઇની એક મઝાની ગઝલ – એમના પોતાના અવાજમાં પઠન સાથે..! અને એ સાથે કવિ શ્રી મકરંદ મૂસળે એમના કવિ શ્રી મનોજ ખંડેરિયા સાથેના કંઇક સ્મરણો આપણી સાથે વહેંચે છે..!

કવિ શ્રી મકરંદ મૂસળેના શબ્દોમાં :

આ સાથે શ્રી મનોજ ખંડેરિયા સાથે ની મારી પહેલી મુલાકાત અહી મૂકી છે.

“કવિશ્રી મનોજ ખંડેરિયાસાથે મારી પહેલી મુલાકાત મુંબઈ આઈ.એન.ટી. ના મુશાયરામાં થઈ. 1997-98માં શ્રીદામુભાઈ ઝવેરીએ ‘ઈંડિયન નેશનલ થિયેટર’ દ્વારા એક સમયે મુંબઈમાચાલતી મુશાયરા પ્રવૃત્તિને પુનર્જિવિત કરી. દર 25મી જાન્યુઆરીએ યુવાન કવિઓનો મુશાયરો અનેદર 14મી ઑગષ્ટે પ્રસ્થાપિત કવિઓનો મુશાયરો થતો. એ સાલ 25મી જાન્યુઆરી ના મુશાયરામાંગાજેલા નવયુવાન કવિઓ વિવેક કાણે, હિતેન, મુકેશ અને મકરંદ મુસળે (એટલે મને) 14મી ઑગષ્ટ ના મુશાયરામાંસિનિયર કવિઓ સાથે મંચ પર બેસવાનો લાભ પ્રાપ્ત થયો. એનો રોમાંચ તો ખરો જ. મુશાયરો મુંબઈના‘બિરલા માતોશ્રી સભાગૃહ’ માં હતો. અને એ જ વર્ષે કવિ શ્રી મનોજખંડેરિયાને ‘કલાપી’ એવોર્ડ અર્પણ કરવામાંઆવ્યો. મંચ પરથી એ પ્રસંગના સાક્ષી બનવાનું સન્માન મળ્યું એનો ગર્વ આજીવન રહેશે. મનોજખંડેરિયાને મંચ પરથી ગઝલ રજું કરતા સાંભળવા એને હું એક લહાવો ગણું છું. કોઈ પણ જાતનોઅભિનય કે આડંબર કર્યા વિના માત્ર અને માત્ર શુધ્ધ ગઝલ રજુ કરી શ્રોતાઓના હ્રદય ની આરપારનીકળી જઈ શકાય છે એ શ્રી મનોજભાઈ પાસેથી શીખવા મળ્યું.

ત્યારબાદ 2005ની સાલનો ‘શયદા’ પુરસ્કાર આઈ.એન.ટી. તરફથી જ્યારે મને મળ્યો ત્યારે કવિશ્રી મનોજ ખંડેરિયા આ જગતના મંચ પર ન હતા. એ વખતે મુંબઈના ‘ભારતિય વિદ્યા ભવન’ ના મંચ પરથી કવિશ્રી મનોજ ખંડેરિયાને શ્રધ્ધાંજલિ આપતો આ શે’ર મેં અનેક મહાનુભાવો ની હાજરીમાં તરન્નુમમાં રજૂ કર્યો હતો.મત્લા અને શે’ર આ પ્રમાણે હતા…”

“ઝણઝણી ઊઠે હ્રદયના તાર કંઈ કે’વાય ના,
લાગવા માંડે સબંધો ભાર કંઈ કે’વાય ના
તું જુનાગઢને ત્યજી ક્યાં જઈ શક્યો ‘ખંડેરિયા’,
આ ઊભો એ તું જ, કે ગિરનાર કંઈ કે’વાય ના.

…….કવિશ્રી મનોજ ખંડેરિયા ને વંદન….

– મકરંદ મુસળે – વડોદરા – 5-07-2012

****

ગઝલ પઠન – મનોજ ખંડેરિયા

 

*************

Posted on August 20, 2007

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

————

( આભાર : ગુજરાતી-લેક્સિકોન ઉત્કર્ષ )

મનોજ પર્વ ૧૭ : ગઝલ મનોરંજન

ગઇકાલે આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાના મૃત્યુ વિષય પરના કેટલાક અદ્ભુત શેરનું સંકલન માણ્યું! અને એ જ કવિ જીવન વિષે આ મઝાનો શેર આપે છે –

પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

આ ગઝલ ટહુકો પર પહેલા કવિ શ્રી ના અવાજમાં પઠન સાથે પ્રસ્તુત કરી હતી..! આ જે મનોજ પર્વ અંતર્ગત ફરી એકવાર આ ગઝલ માણીએ – આશિત દેસાઇના સ્વર-સ્વરાંકનના બોનસ સાથે..!

સ્વર-સ્વરાંકન : આશિત દેસાઇ

* * * * * * * * * * * * * * * * *
Previously posted on February 02, 2010

ગઝલ પઠન – મનોજ ખંડેરિયા

.

પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

શ્રી સવા બારણે લખ્યા કર તું
શબ્દથી બીજુ શું સવાયું છે

આંખમાં કીકી જેમ તું સાચવ
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે

સત્યને કોણ ધારે એ જોયા કર
એ કાં સુદર્શન છે, ને કાં અડાયું છે

આપણો દેશ છે દશાનનનો,
આપણો માંહ્યલો જટાયુ છે

કોઇનું ક્યાં થયું કે તારું થાય
આ શાહીનું ટીપું તો પરાયું છે

તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે

– મનોજ ખંડેરિયા

( અડાયું = ગાય-ભેંસના છાણનું સૂકું પોચકું; છાણું)

ગુંજન ગાંધીના શબ્દોમાં આ ગઝલના થોડા શેરનો આસ્વાદ :

શ્રી મનોજ ખંડેરિયા ગઝલમાં ગમે તેવી સખત વાત પણ નમણી રીતે મૂકી આપવાની વીશેષતા વીશે વાત કરી હતી. શ્રી ચીનુ મોદી આ જ વાત માટે એમ કહે છે કે, ગઝલમાં કુમાશ લાવવી એ તોપના નાળચામાં ફૂલ ઉગાડવા જેવી વાત છે અને મનોજે એ સિધ્ધ કરી એ એનુ ગુજરાતી કવિતા પર કાયમ એક ઋણ રહેશે…

એમની ગઝલ માણીએ,

આપણે પૃથ્વી ઉપર આવી જઈ, શ્વાસો લઈ, વર્ષો સુધી રહી અને પછી શ્વાસ લેવાના બંધ કરીએ છે…આ સમય જે પૃથ્વી ઉપર પસાર કરીએ એને ‘જીવવું’ કહીએ છે પણ..

પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

હવે પછીનો અદભૂત શેર…વાંચી અને સમજાય ત્યારે એક હૃદયપૂર્વકની દાદ ના આપી જવાય તો જ નવાઈ…આપણું શરીર (દેશ) અને આપણા આત્મા વચ્ચે એક ખેંચતાણ ચાલતી હોય છે, જ્યારે આત્માના અવાજને અનુસરો ત્યારે, આગલા શેરના અનુસંધાનમાં વાત કરીએ તો , તમે ખરેખર ‘જીવો’ છો..બાકી તો અહીં સમય જ પસાર કરો છો..તો આ શેરમાં શરીર અને આત્માની ખેંચતાણ, લડાઈની analogy શેની સાથે કરે છે એ તો જુઓ..

આપણો દેશ છે દશાનન નો,
આપણો માંહ્યલો જટાયુ છે

મરદ માણસ આંખમાંથી પાણી ના પડવા દે એવું કહેવાય છે અને અત્યારના સમયના psychologists અને બીજા વિદ્વાન માણસો લાગણીને પ્રદર્શિત કરવાથી માનસિક બોજો ઓછો રહે છે અને જે પોતાની લાગણીઓ જાહેરમાં બતાવી શકે એ સાચો મરદ એમ પણ કહે છે….પણ આ શાયર હવે પછીના શેરમાં કોઈ બીજા જ કારણોસર આંસુને સાચવવાનુ કહીને શેરની શેરિયત સિધ્ધ કરે છે..

આંખમાં કીકી જેમ સાચવ તું
દોસ્ત આંસુ ક્યાં ઓરમાયું છે

અને છેલ્લો શેર…તમને લાંબા સમય માટે વિચરતા કરી દે કે..જીવનમાં કોઈ વસ્તુ કે શોખ જીવ જેમ વ્હાલા હોય તો એમાંથી મનોરંજન મળે એ ‘stage’ સુધી નહિ પણ એ વસ્તુ તમારે માટે શ્વાસનો પર્યાય બની જાય એટલી હદે એને ચાહવી પડે અને આ શેર વાંચ્યા પછી ચોક્ક્સ એમ લાગે કે શ્રી મનોજ ખંડેરિયા માટે ગઝલ ફક્ત મનોરંજન ન હતી ..

તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે