Category Archives: કે.સુમંત

જળને ઝીલો – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : પાયલ આશર
સ્વરાંકન : કે. સુમંત

.

આ ઝરમર ઝરમર ઝરી રહ્યા તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો

આ એક જ ટીપું આખેઆખા સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો

આ કણ કણ લીલા છે નાચી ચોકરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

આ કણ લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ ઘટ ઊમટી ઘેરાયાં વાદળને ઝીલો

આ ઉંમર પદવી નામ ઘૂંટાયા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો

મહેર કરી છે મહારાજે મોટું મન
રાખી ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

એવો છે વરસાદ – ધ્રુવ ભટ્ટ

અત્યારે સુંદર ચોમાસું છે અને વરસાદ પડતો હોય અને બાજુમાં કોઈકનો હાથ પકડીને હૂંફ મેળવી શકાય એટલું સુખ હોય ત્યારે આ ધૃવ ભટ્ટનું અદભુત ગીત કાનમાં ગુંજે. વરસાદમાં અવશ્ય સાંભળવા જેવું ગીત.

નીલા ટેલી ફિલ્મ્સ ગુજરાતી સંગીત અને ગીતોને સમર્પિત ચેનલ ધ્રુવ ગીત રજૂ કરે છે. ધ્રુવ ભટ્ટ દ્વારા આપણું લેટેસ્ટ ગીત એવો છે વરસાદ!

સંગીત: કે સુમંત
સ્વર: હિમાદ્રી બ્રહ્મભટ્ટ
તબલા: કે કાર્તિક

જરાક જેવી આંગળીઓને,
એક-બીજામાં સરકાવીને
ક્યાંક છાપરી નીચે બેસી જોયા કરીએ
એવો છે વરસાદ

સાત ખોટના શબ્દોને પણ,
વાદળ પાછળ મૂકી દઈને
આ અવતારે પામ્યા તેને મોહ્યા કરીએ
એવો છે વરસાદ

ઘર કહેવાતી છાપરીઓ કે
ડુંગર ઘેર્યા ઝાડ બધાએ
આજ વરસતા જળ પછવાડે
વરસે છે જો ઝાંખાપાંખા
નભની ટોચે દેશવટાના કાળા ઘોડે
કુંવરજીની તેગ ફરેને
ઝબકારામાં એકદંડિયા મહેલ જગે છે આંખેઆખાં
છબછબિયાંથી આજ સુધીના ગારાથી લઇ
બટ્ટ મોગરા ફૂલ ભરેલાં ચોમાસામાં
હાથ હજીયે બોળ્યા કરીએ
એવો છે વરસાદ

સુરજ જયારે સંતાતો જઈ
બીક ભરેલા અડાબીડ અંધારે
ત્યારે કેવાં એનું નામ કહીને
મનમાં થપ્પો પાડી દેતાં
પણ એ ત્યાંથી નહિ નીકળે તો? ની શંકાએ મૌન રહીને
કિરણ જડે તો કહીશું માનો
ઉગી ટીસને ડાબી દેતા

તને ખબર છે મને ખબર છે એક સમયમાં કહેવી’તીને
નથી કહી તે વાતો મનમાં બોલ્યા કરીએ
એવો છે વરસાદ
– ધ્રુવ ભટ્ટ

કદી તું ઘર તજી ને રે -ધ્રુવ ભટ્ટ

રવીન્દ્ર સંગીતએ બંગાળી સંગીત નો ભાગ છે અને એનો એક ફાંટો બાઉલ પરંપરા. એ પરંપરામાં ગુજરાતી ગીત મળે તો? મજા જ આવે!
ધ્રુવ ભટ્ટના ગીતો યુ-ટ્યુબ પર નીલા ટેલીફિલ્મ દ્વારા ‘ધ્રુવગીત’ નામની ચેનલ પર ઉપલબ્ધ છે. દર સોમવારે એક નવું ગીત અપલોડ થાય.
આ ગીત સાંભળજો મજા આવશે. ક્યાંક પહોંચી ગયા જેવું લાગશે.

લય : બંગાળના બાઉલ ગીતો
સંગીત: કે.સુમંત ,શ્યામલ ભટ્ટ
સ્વર: મેઘા ભટ્ટ ,શ્યામલ ભટ્ટ

.

કદી તું ઘર તજી ને રે
વગડે લીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાત ને ખો ને રે … 

સુખ મોટું કે નામ નથી કાંઈ રે ,
બાગ બગીચા ગામ નથી કાંઈ રે ,
આવ અહીં તું ઊગવું અને તડકા છાયા રમવા સિવાય કામ નથી કાંઈ ;
અમે છૈ એમ તું હોને રે… 

કેટલા સૂરજ કેટલા ચાંદા,
ગણવા તારે કેટલા દહાડા,
સાંપડ્યો સમય પગથી માથાબોળ જીવી લે, ગણવા જા માં ટેકરા ખાડા રે ;
જાગ્યો તો એમ તું સોને રે..
-ધ્રુવ ભટ્ટ