Category Archives: નિરંજન ભગત પર્વ

નિરંજન ભગત પર્વ – ૭ : ૯૦મે (કવિ શ્રી નું કાવ્યપઠન)

કવિ શ્રી નિરંજન ભગતનો ૯૦મો જન્મદિવસ ટહુકો પર ‘નિરંજન ભગત પર્વ’ સાથે ઉજવવાનો મોકો મળ્યો – એ ટહુકો માટે ધન્યતા અનુભવવાની વાત છે. અને ટહુકોને ૧૦ વર્ષની ઉજવણીના ભાગ રૂપે કવિ શ્રી તરફથી શુભેચ્છા સંદેશ મળ્યો – એટલે માટે અમે સૌ એમના ઋણી છીએ.

YouTube Preview Image

આ વિડિયો અહીં પોસ્ટ કરવામાં મોડું થયું એ માટે સૌની ક્ષમા ચાહું છું.

નિરંજન ભગત પર્વ – ૫ : પથ્થર થરથર ધ્રુજે !

પથ્થર થરથર ધ્રુજે !

હાથ હરખથી જૂઠ્ઠા ને જડ પથ્થર ત્યાં કોણ વેદના બૂઝે ?
અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે,

“આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !” એમ કિલોલે કૂજે,
એક આદમી સાવ અઓલિયો વહી રહ્યો ‘તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઇ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઇ એનું દિલ દયાથી દૂઝે !
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :

“જેણે પાપ કર્યુ ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !”

એકે એકે અલોપ પેલા સજ્જન, ત્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુયે ગુંજે.

– નિરંજન ભગત

નિરંજન ભગત પર્વ – ૪ : પૂનમ ને કહેજો કે પાછી ન જાય

સ્વર : બંસરી યોગેન્દ્ર સ્વરકાર : હરેશ બક્ષી

પૂનમ ને કહેજો કે પાછી ન જાય
ઉગી ઉગીને આમ આછી ન થાય!

આંખો નાં અજવાળાં ઘેરીને ઘૂમટે
ઝૂકેલી બીજ ને ઝરૂખડે,
ઉઘાડે છોગ આજ છલ્ક્નતા ઉમટે
રૂપના અંબાર એને મુખડે;
સોળે કળાએ એની પ્રકટી છે કાય!
પૂનમ ને કહેજો કે પાછી ન જાય

માનેના એક મારી આટલી શી વાતને
તોય ભલે, આજતો નીતરે !
આવતી અમાસની અંધારી રાતને
ચંદનથી ચારકોર ચીતરે,
આંખડીને એવાં અજવાળાં પાય;
ઉગી ઉગીને ભલે આછી તો થાય,
પૂનમ ને કહેજો કે પાછી ન જાય!

નિરંજન ભગત પર્વ – ૩ : હું તો બસ ફરવા આવ્યો છું

તમે અમદાવાદ જાઓ અને કોઈ પણ માણસને બૂમબરાડાના ખ્યાલ વિના, ચોખ્ખા મોટા અવાજે આક્રોશ અને ઝનૂનપૂર્વક, ભીતરના કન્વિક્શનથી સાહિત્ય, સમાજ, રાજકારણ કે જીવન વિશે, વાણીનું વીર્ય શું હોઇ શકે એનો અનુભવ આપે એવી રીતે વાત કરતો સાંભળો તો એ નિરંજન ભગત જ હશે. તમારા અનુમાનમાં તમે કદી ખોટા નહીં પડો. વાણીનો નાયગરા એટલે નિરંજન. બોલે, ખૂબ બોલે. સાંભળનારને બે કાન ઓછા લાગે એટલું બોલે, જે વિષય પર બોલે એમાં પૂરી તન્મયતાથી બોલે. પેરિસની વાત કરતા હોય ત્યારે આખું ને આખું પેરિસ પી ગયા હોય એ રીતે બોલે. બોલવામાં કોઈની શેહ-શરમ નહિ. આપી શકે તો એ કોઈને આપી શકે, અને એ જે આપે તે અમૂલ્ય હોય, જીવન અને વાચનનો આપણને યાદગાર અનુભવ જ આપે. એને કોઈ પાસેથી કશું લેવું નથી, એ કશુંક લેતા હોય તો તમારો સમય અને કાન. અને ખરેખર તો એ પણ લેતા નથી. એમને સાંભળીએ છીએ ત્યારે કાન ધન્ય થાય છે અને સમય સાર્થક થાય છે.
– સુરેશ દલાલ

******

હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
રે ચાહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા ને સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.

– નિરંજન ભગત

નિરંજન ભગત પર્વ – ૨ : તડકો

આજે સવારે જ પપ્પા સાથે ફોન પર વાત કરી તો એમણે કહ્યુ કે અમદાવાદમાં બપોરે ૪૫ સેલ્સિયસ (૧૧૩ ફેરનહાઇટ) તાપમાન થઇ જાય છે.. અમેરિકામાં રહેતા લોકોને તો visit to the death valley national park યાદ આવી જાય 🙂

તો એવા જ એક અમદાવાદી ઉનાળાની બપોર માટે લખાયેલું હોય – એવું આ ગીત…

******

તગતગતો આ તડકો,
ચારેકોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો !

કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ તસુ ય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો, કશે યે જરીક તો કોઈ અડકો !

જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું,
ગિરિ ગોવર્ધનને યે ટચલી આંગળી ઉપર ઢળવું,
પણ આને ઓગળી દેવા કોણ મેલશે ભડકો !

– કવિ નિરંજન ભગત

********