Category Archives: મોનો ઇમેજ

વિશ્વાસ (મોનો ઇમેજ) – વિવેક મનહર ટેલર

(પાંદડાની હસ્તરેખાઓ….                                  ….એટલાન્ટા, ૨૦૦૯)
(પાંદડાની હસ્તરેખાઓ…. ….એટલાન્ટા, ૨૦૦૯)
*

૧.
જિંદગીભરના શ્વાસ
ખર્ચી નાંખીને પણ
ચપટીક વિશ્વાસ
ખરીદી શકાતો નથી.

૨.
વિશ્વાસમાંથી
શ્વાસ ખરી પડે
એને
આપણે નિઃશ્વાસ કહીએ છીએ.

૩.

ફેફસાં હવાને નહીં,
એક માથું
એક છાતી
એક આખા જણને
શ્વાસમાં ભરે
એ વિશ્વાસ.

૪.
એ જ બીજ
જમીનમાંથી માથું ઊંચકી શકે છે
જેને
પાંખ ફૂટ્યાનો વિશ્વાસ છે.

૫.

વિશ્વાસ લથડે છે
ત્યારે
સંબંધને ફ્રેક્ચર થાય છે
અને
ભલભલા POP એને સાંધી નથી શક્તા.

૬.

સ્મરણોના ઓરડામાં
ફરી ફરીને હું આવ્યા કરું છું,
એનું કારણ
તારા માટેનો પ્રેમ નહીં,
તારા પરનો વિશ્વાસ છે.

૭.

સાચવીને મૂકાયેલા
પીપળાના પાનને
ચોપડીના પાનાં
પારદર્શક બનાવી દે છે
કેમકે એને વિશ્વાસ છે
કે
આ પાનની અંદરની ચોપડી વધુ ઇન્ટરેસ્ટિંગ છે.

૮.
સવારે
એક ચોપડીના પાનાં વચ્ચે
થોડો વિશ્વાસ મૂકીને હું ગયો હતો,
સાંજે આવીને જોયું તો
આખું વૃક્ષ.

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૮-૨૦૧૪)

*