Category Archives: ભગા ચારણ

ઓધાજી, મારા વ્હાલાને વઢીને કે’જો જી… – ભગા ચારણ

બે વર્ષ પહેલા આપેલું આ દિવાળી બોનસ – આજે ફરીથી આપું તો વાંધો નથી ને? અરે !! એ જ ગીત પાછું આપીને હું કંઇ છટકવાની વાત નથી કરી રહી… ૨ વર્ષ પહેલા લતા મંગેશકર અને પ્રફૂલ દવેના અલગ અલગ સ્વરમાં સંભળાવેલું આ કૃષ્ણગીત – આજે ઇસ્માઇલ વાલેરા અને ઐશ્વર્યા મજમુદારના અવાજ સાથે ફરીથી એકવાર… અને નીચે લખેલી પ્રસ્તાવના પણ આજે તો એટલી સરસ લાગુ પડે છે કે એને પણ બદલવાની જરૂર નહીં પડે…! 🙂

આપ સૌને અમારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… (સાલ મુબારક કરવા માટે કાલે પાછા મળશું, હોં ને? )

સ્વર : ઐશ્વર્યા મજમુદાર

.

સ્વર : ઇસ્માઇલ વાલેરા

.

——————————————————-

Posted on November 8, 2007 (દિવાળી)

અચાનક કંઈક અણધાર્યો લાભ મળે ત્યારે હું ઘણીવાર એને ‘વગર દિવાળીનું બોનસ’ કહું છુ. તો આ દિવાળી આવી ત્યારે ટહુકોના મિત્રોને ‘દિવાળીનું બોનસ’ ના આપું એ ચાલે ?

કાલે નવું વર્ષ છે, એટલે નવા વર્ષની ભેટ તરીકે તો કંઇક લાવીશ.. ( મને હમણા સુધી કંઇ વિચાર આવ્યો નથી, પણ ૨૪ કલાકમાં કંઇક તો મળી જ જશે). પણ આજે દિવાળીના દિવસે આ મારુ ઘણું જ ગમતું કૃષ્ણગીત…!! લતા મંગેશકર અને પ્રફૂલ દવે ના અવાજમાં….

દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!

radha.jpg

સ્વર : લતા મંગેશકર

.

સ્વર : પ્રફૂલ દવે

.

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી

મથુરાના રાજા થ્યા છો
ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતી ને ભૂલી ગ્યા છો

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
એકવાર ગોકૂળ આવો
માતાજી ને મ્હોં લેખાવો
ગાયો ને હંભારી જાઓ રે

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મારા વ્હાલાને વઢીને કે’જો જી

વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી

તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈયા ધારણ
હે ગુણ ગાય ભગો ચારણ

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી

સરખી સાહેલી સાથે
કાગળ લખ્યો મારા હાથે
વાંચ્યો નહીં મારા નાથે

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે

મથુરાને મારગ જાતા
લૂંટી તમે માખણ ખાતા
તોડ્યા કેમ જુના નાતા રે

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે