Category Archives: અવિનાશ વ્યાસ

નવમી વર્ષગાંઠ Special: બાળગીત ૩: પાટા ઉપર ગાડી દોડે દોટો કાઢી – અવિનાશ વ્યાસ

પાટા ઉપર ગાડી
દોડે દોટો કાઢી,
વાંકીચૂકી ઊભી આડી,
ભખછુક ભખછુક ભખછુક ભખછુક.

જંગલ આવે, ઝાડી આવે,
નદી ઝરણાંનાં નીર કુદાવે;
કાળી કાળી ચીસો પાડી,
મોટા ડુંગર ફાડી –
વાંકીચૂકી ઊભી આડી,
ભખછુક ભખછુક ભખછુક ભખછુક.

મુંબઇ આવેમ, વડોદરું
સુરત આવે, ગોધરું;
મમ્માજી મુંબઇ આવે,
પપ્પાજી ટપાલ લાવે;
પાટા ઉપર ગાડી …
ભખછુક ભખછુક ભખછુક ભખછુક.

– અવિનાશ વ્યાસ

નવમી વર્ષગાંઠ Special: બાળગીત ૧: મા મને ઢીંગલી બહુ વા’લી રે… – વિમલ મહેતા

છેલ્લા દોઢ વર્ષમાં જે મઝાના બાળગીતો સાંભળ્યા છે, માણ્યા છે, ગાયા છે.. એ બધાની એક નાનકડી ઝલક આપ સૌ સાથે વહેંચવી છે – ટહુકોની નવમી વર્ષગાંઠની ખુશીમાં.. આશા છે કે આ બધા બાળગીતો થકી આપને પણ બાળકોની દુનિયાની સફર કરવાની મઝા પડશે.

શરૂઆત કરીએ આ મારી ઢીંગલીના ખૂબ જ ગમતા ગીતથી..

કવિ – સ્વર – સ્વરાંકન ઃ વિમલ મહેતા

રાજકોટ રંગીલું શહેર છે – અવિનાશ વ્યાસ

સ્વરઃ મહેન્દ્ર કપૂર
ગીતઃ અવિનાશ વ્યાસ
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ પંખીનો માળો (૧૯૮૧)

Underbridge_Circle_Rajkot

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

લોક રૂડાં ને દિલના દિલેર છે રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

રોડોમાં રોડ એક ધર્મેન્દ્ર રોડ છે
હેમા માલિની નથી એટલી જ ખોડ છે
અહીં પેંડાવાળાને લીલાલહેર છે
રાજકોટ રંગીલું શહેર છે

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

હે સાંગણવા ચોક આ શહેર તણી જાન છે
ડગલે ને પગલે ત્યાં પાનની દુકાન છે
અહીં મોટર ને માનવીને વેર છે રાજકોટ રંગીલું શહેર છે

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

નામ જુઓ રેસકોર્સ મળે નહિ ઘોડલાં
હાથોમાં હાથ નાખી ફરે અહીં જોડલાં
પણ ઘોડલાં ને જોડલાંમાં ફેર છે રાજકોટ રંગીલું શહેર છે

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

હે આજીના ડેમ ઉપર પ્રેમીઓનો ખેલ છે
સૌ જાણે કુંવારા પણ ભાઈ પરણેલ છે
એક રસ્તા ઉપર ને બીજી ઘેર છે
રાજકોટ રંગીલું શહેર છે

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

સોની બજારમાં નવા નવા ઘાટ છે
કારિગરી અહીંની ભારતમાં વિખ્યાત છે
જેનાં થાતાં વખાણ ઠેર ઠેર છે રાજકોટ રંગીલું શહેર છે

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

આલ્ફ્રેડ હાઈસ્કૂલ એક મોટો ઈતિહાસ છે
ગાંધીબાપુએ કર્યો અહીં અભ્યાસ છે
એવો ઉમદા આ ગામનો ઉછેર છે
રાજકોટ રંગીલું શહેર છે

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

લોક રૂડાં ને દિલના દિલેર છે રાજકોટ રંગીલું શહેર છે
રાજકોટ રંગીલું શહેર છે

વીજલડી રે – અવિનાશ વ્યાસ

સ્વર – મન્ના ડે અને સુલોચના વ્યાસ
સંગીત – અવિનાશ વ્યાસ

વીજલડી રે
વીજલડી રે આમ ઝબકીને હાલ્યા જવાય નહિ

એક વાર ઝબકો એમાં
ટાઢક શું થાય એ કહો
રે મુને તાક્યા વિના રહેવાય નહિ

વીજલડી રે
વીજલડી રે આમ ઝબકીને
હાલ્યા જવાય નહિ

નારી એક જ્વાલા
એની પૂંઠે ખાખ થવાય નહિ ઠાલાં

ઘાયલ થયાની ગત ઘાયલ જ જાણે
એમને લાગેલો જખમ છોને ભવોભવ રૂઝાય નહિ

વીજલડી રે
વીજલડી રે આમ ઝબકીને
હાલ્યા જવાય નહિ

આભાર – માવજીભાઈ.કોમ

બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું – અવિનાશ વ્યાસ

થોડા દિવસ પહેલા જ જુલાઇ ૨૧ ગઇ- એ દિવસ એટલે ઉમાશંકર જોષી અને અવિનાશ વ્યાસની જન્મતિથિ. એકે શબ્દબ્ર્હમની ઉપાસના કરી અને બીજાએ નાદબ્ર્હમની..!! તો આજે અવિનાશ વ્યાસને ફરી એકવાર યાદ કરી શ્રધ્ધાંજલી આપીએ..!!

સ્વરાંકન : અવિનાશ વ્યાસ
સ્વર : આનંદકુમાર સી.

આકાશમાં સુરાહી કોઈના હાથથી ઢોળાઈ ગઈ
ને આભની ધરતી બધી મદીરા થકી છલકાઈ ગાઈ

પકડી ક્ષીતીજની કોરને સુરજ ઊગ્યો ચકચુર થઈ
રજની બિચારી શું કરે ચાલી ગઈ મજબુર થઈ

એ ચાલી ગયેલી રાત આવી મહેબુબાના દ્વાર પર
જ્યારે મહેબુબાની આંગળી રમતી હતી સિતાર પર

એ રાત ને એ મહેબુબા બેસી ગયા મહેફિલ ભરી
બંને મળીને પી ગયા કોઈની સુરાહી દિલ ભરી

એ મહેબુબા ચક્ચુર છે ને રાત પણ ચકચુર છે
પણ દિલ નથી આ દિલ માં બાકી બધું ભરપુર છે

બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું
અરે કમબખ્ત મારી રહી સહી ઈજ્જત હરી બેઠું

પુછ્યું મે આ કર્યું તેં શું મને અણજાણ રાખી ને
તો કહે જુઠું હતું તે સહેજ માં હકિકત બની બેઠું

રહું હું એને જોઈ ને તો એ કોઈને જોઈ ઝુંરતું
જરી જોવા ગયો રૂપને તો ઝટ ઘુંઘટ ધરી બેઠું

કહ્યું મ્હેં મન ભ્રમર ને ઊડ નહીં તું એ ચમન ઊપર
રુંધે જે પ્રાણ એનીજ એ જઈ ખિદમત કરી બેઠું

બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું

– અવિનાશ વ્યાસ

આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા….

વર્ષોથી પપ્પાની જુની કેસેટમાં સાંભળેલુ આ ગીત – જેટલુ કંઠસ્થ છે એટલું જ હ્રદયસ્થ પણ છે. પણ કવિ – સ્વરકારના નામ માટે આપ કોઇ મદદ કરશો?

Lands End, San Francisco

સ્વર – મુકેશ
સ્વરાંકન – અવિનાશ વ્યાસ
આલ્બમ – તારી યાદ સતાવે
કવિ – ?

આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા
ઉપર બનાવ્યો મોર રૂડો, ને એમાં ભર્યા નર્યા ચિંથરા

પંડના પિજરામાં પંડ પૂરાયો હંસલો કામણગારો,
કોઇનો નાખેલો ચારો એ ચરતો, છોડીને મોતીનો ચારો

છો ને બનાવ્યો મ્હેલ રૂડો, પણ ભીતરમાં તો નર્યા ____(?)
આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા

નહીં આરો કે નહીં ઓવારો એવો, સંસાર સાગર ખારો
તરીને ડૂબવું કે ડૂબીને તરવું, વારા ફરતી વારો

સાગર કેરું નામ ધર્યું પણ, નીરું જુઓ તો એના છીછરા
આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા

આ લાલ-પીળો દોરો – અવિનાશ વ્યાસ

આજે બધી બહેનોના વ્હાલકડા ભાઇઓ અને ભાઇઓની લાડકડી બહેનોને અમારા સર્વ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!
અને સાથે સાંભળો આ મઝાનું ગીત..! અને હા, થોડું હોમવર્ક પણ છે તમારા માટે – ખાલી જગ્યા પૂરો! 🙂

સ્વર – આશા ભોસલેં
સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – રમ્મત રમાડે રામ (૧૯૬૪)

આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર હાલો બંધવાને તાર
_________(?)

આ લાલ-પીળો દોરો
એને તાણેવાણે બાંધુ _________(?)

ભાઇ અને બેનની એવી રે સગાઇ કે
જનમો જનમ ના આવે જુદાઇ
દુખનો પડછાયો કદી આવે નહીં ઓરો
આ લાલ-પીળો દોરો

રીમઝીમ રીમઝીમ શ્રાવણની ધાર…
___________(?)

ભલો થાજે લાડકો તું જણનારી માવલડીનો
ભલો થાજે પીયુડો તું ગોરી ગોરી ભાભલડીનો
________(?) ભાઇ રહેજે મારો

આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર હાલો બંધવાને તાર
_________(?)

– અવિનાશ વ્યાસ

**************

અને હા – રક્ષાબંધનની સાથે આ ગીતો તો કેમ ભૂલાય?
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ 
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે… 
રક્ષાબંધન.. હો રક્ષાબંધન – ડો. દિનેશ શાહ 
ઇટ્ટા કિટ્ટા… – સુરેશ દલાલ
રક્ષાબંધન Special – જાહલની ચિઠ્ઠી

એક બેવફા મારા મનદર્પણમાં દર્શન દઇને ચાલી ગઇ – અવિનાશ વ્યાસ

૨૧ જુલાઇ – કવિ શ્રી ઉમાશંકર જોષી અને કવિ-સ્વરકાર શ્રી અવિનાશ વ્યાસનો જન્મદિવસ..! ગઇકાલે અહીં ટહુકો પર શ્રી ઉમાશંકર જોષીને યાદ કર્યા, તો આવેા અવિનાશી અવિનાશ વ્યાસને પણ યાદ કરી લઇએ..!! અવિનાશી સંગીતનો વારસો જે એ આપણી વચ્ચે મૂકી ગયા છે – એનો નશો જેટલીવાર સાંભળો એટલીવાર વધુ ચડે એવો છે..!

સ્વર: સુરેશ વાડેકર
આલ્બમ: અમર સદા અવિનાશ

ભાંગ્યા મનની આદત એવી, કે ભૂલનારાને ભૂલે નહીં;
એક ડાળ ઝૂલ્યો મનપંખી, હવે બીજી ડાળે ઝૂલે નહીં.

એક બેવફા મારા મનદર્પણમાં દર્શન દઇને ચાલી ગઇ,
એક બેવફા કરી સ્નેહનું સર્જન, વિસર્જન થઇ ચાલી ગઇ.
એક બેવફા….

ઝંખી ઝંખી ઓ મનપંખી, ક્યાં સુધી રીબાવું?
તરસ્યા રહીને મૃગજળ માટે, ક્યાં સુધી વલખાવું?

એક બેવફા શબનમ બદલે, આંસુવન વરસાવી ચાલી ગઇ.
એક બેવફા….

ઓ બેરહમ તેં ફૂલ બિછાવી, કંટક નીચે રાખ્યા;
તું થઇ બેઠી ગૂલ કોઇનું, કાંટા મુજને વાગ્યા.

એક બેવફા બાગ બનાવી, આગ લગાવી ચાલી ગઇ.
એક બેવફા….

– અવિનાશ વ્યાસ

મારું વનરાવન છે રૂડું

સ્વર : પ્રફુલ દવે અને આશા ભોસલેં
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : ચુંદડીનો રંગ (૧૯૭૫)

સ્વર : હેમુ ગઢવી

મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું

નહિ આવું વાં નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

બેસીને રેવું ને ટગ ટગ જોવું
નહિ ખાવું કે મારે નહિ રે પીવું
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

સરગના લોક તો છે અતિ કૂડાં
વાંથી વ્રજના ચોક મારે રૂડાં
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

એ રે વિશે બે નોળિયા હતાં જો
એને સતવર મેલ્યા જો ને કાઢી
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

એ સરગથી જો ને અમને સોહામણું
અમને માનવને મૃત્યલોક રે
પણ ઈમાં મોટી વાતું દોહ્યલી
વળી પાછો મરણ વિજોગ

સરવરના ઘાટ માથે પૂનમની રાત રે – અવિનાશ વ્યાસ

સ્વર – આશા ભોસલેં, એ.આર.ઓઝા
ગીત-સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – પરણેતર (૧૯૫૧)

સરવરના ઘાટ માથે પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

રઢીયાળી રાત માથે તારલાની ભાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

નાવલિયા તને નિરખી
મારે નૈને નર્તન જાગે
ઉરના સથવારે ઓ સજની
વીણા હૃદયની વાગે

હાથોમાં હાથ સાથે
મનને ગમતો નાથ રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

દૂર દૂર ડુંગરની કોરે
ટહુકે મીઠો મોર
ટહુકે જીવનવનમાં કોયલ
કાળજડાની કોર

વગડાની વાટ માથે હીંડોળા ખાટ રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

સરવરના ઘાટ માથે પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

– અવિનાશ વ્યાસ

(ગીતના શબ્દો માટે આભાર – માવજીભાઈ ડોટ કોમ)