Category Archives: વર્ષગાંઠ

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (બાળગીત) વારતા રે વારતા …

તો આજથી… ટહુકો પર પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ અઠવાડિયું..! પહેલા વિચાર આવ્યો કે ટહુકોનું ટોપ ટેન.. કે સૌથી વધુ સંભળાયેલા ગીતો.. કે મને સૌથી વધુ ગમતા ગીતો.. એવું કંઇક લઇ આવું, પણ વિચાર આવ્યો કે એ બધુ તો કટકે કટકે પાંચ વર્ષમાં આવી જ ગયું છે, એટલે કંઇક નવું જ પીરસું..! તો આવતા એક અઠવાડિયા સુધી – ગુજરાતી સંગીત જગતના થોડા જુદા જુદા રંગો.. એમ તો નહિ કહું કે આ સૌથી યાદગાર કે સૌથી વધુ લોકપ્રિય ગીતો છે – પણ હા.. કંઇક તો સ્પેશિયલ છે આ ગીતોમાં.

તો ચલો, આજે શરૂઆત કરીએ થોડા બાળગીતોથી..! ગુજરાતી માધ્યમમાં ભણેલા મારા તમારા જેવાઓની અંદર રહેતું બાળક યાદ ન આવી જાય તો કહેજો. અને હા – એક વાત કહું? આ બાળગીતોનો અમૂલ્ય વારસો જે તમને મળ્યો છે – એ આવનારી ‘જેક એન્ડ જીલ’ અને ‘ટ્વિંકલ ટ્વિંકલ’ generation ને આપશો ને? અરે સાહેબ… આ ગમતું છે – એને ગૂંજે ન ભરાય..!

તમને આ ગીતો ગમે છે…  તમે એને દિલથી માણ્યાં છે અને રાગડા તાણી તાણી ને બાલમંદિર માં લલકાર્યા છે….  તો આવતી પેઢીને પણ એ આપજો…   જો તમે નહિ આપો તો બીજે કશેથી એમને આ વારસો નહિ મળે…       તને એને – એક બિલાડી જાડી ગાતા નહિ શીખવાડો – તો શીલા કી જવાની ગાતા એ જાતે જ શીખી જશે – એમાં તમારી જરૂર નહિ પડે..!!   🙂

વારતા રે વારતા...
વારતા રે વારતા…

સ્વર – મેઘધનુષ આલ્બમના બાળકલાકારો

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર… માડી

****

એક બિલાડી જાડી,
તેણે પહેરી સાડી,
સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં તે તરવા ગઈ,
તળાવમાં તો મગર,
બિલ્લીને આવ્યા ચક્કર,
સાડીનો છેડો છૂટી ગયો,
મગરના મોમાં આવી ગયો,
મગર બિલ્લીને ખાઈ ગયો.

****

મામાનું ઘર કેટલે,
દીવા બળે એટલે,
દીવા મેં તો દીઠા,
મામા લાગે મીઠા.

મામી મારી ભોળી,
મીઠાઈ લાવે મોળી,
મોળી મીઠાઈ ભાવે નહિ,
રમકડાં તો લાવે નહિ.

****

દાદાનો ડંગોરો લીધો
એનો તો મેં ઘોડો કીધો

ઘોડો કૂદે ઝમઝમ
ઘૂઘરી વાગે ઘમઘમ
ધરતી ધ્રુજે ધમ ધમ

ધમધમ ધરતી થાતી જાય
મારો ઘોડો કૂદતો જાય

કૂદતાં કૂદતાં આવે કોટ
કોટ કૂદીને મૂકે દોટ

સહુના મનને મોહી રહ્યો
એક ઝવેરી જોઈ રહ્યો

ઝવેરીએ તો હીરો દીધો
હીરો મેં રાજાને દીધો

રાજાએ ઉતાર્યો તાજ
આપ્યું મને આખું રાજ

રાજ મેં રૈયતને દીધું
મોજ કરી ખાઘું પીધું

-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

ટહુકોની પાંચમી વર્ષગાંઠ…

આજે જુન ૧૨, ૨૦૧૧… ટહુકોની પાંચમી વર્ષગાંઠ..!! છેલ્લા પાંચ વર્ષથી જાણે મારા હોવાનો પર્યાય બની ગયેલો આ ટહુકો…! ગયા વર્ષે આંકડાઓનો હિસાબ માંડેલો એ આ વર્ષે નથી કરવું..! તો આ પાંચમી Birthday પર નવું શું? આજે તો કંઇ ખાસ નથી.. પાંચ વર્ષ પહેલા જે ગીતથી શરૂઆત કરી હતી… જે ગીત ટહુકો પર સૌથી પહેલા ટહૂક્યું હતું – એ ગીત આજે ફરી એકવાર..!

.

તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું…
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું…

પણ હા – આટલા સસ્તામાં આ પાંચમી બર્થ-ડે નું celebration નથી પતાવવું..! કાલથી શરૂ કરીશું – 5th Birthday Special.. એમાં શું? એ તો મને ખબર નથી… (પણ કાલ સુધીમાં કંઇક લઇ આવીશ.. પક્કા પ્રોમિસ ) !!

ગયા વર્ષની જેમ આ વર્ષે કંઇ આગોતરી જાહેરાત તો નથી કરી, પણ – ટહુકો માટેની તમારી શુભેચ્છાઓ, સલાહ-સૂચનો, વ્હાલ-દાદાગીરી વગેરે.. બધું જ સાંભળવું ગમશે..!  તો ઉઠાવો કલમ.. (અથવા કી-બોર્ડ).. કે ઓડિયો રેકોર્ડર.. કે વિડિયો રેકોર્ડર.! (તમારા ખિસ્સામાંથી હમણાં કંઇ નથી જોઇતું – પણ હ્રદય ખોલવામાં કંજૂસાઈ ન કરશો! 🙂 ) અને તમારા વ્હાલ – શુભેચ્છાઓ – આશિર્વાદ.. મોકલી આપો અમારા સુધી..!

ટહુકોની ચોથી વર્ષગાંઠ… (ભાગ – 2)

ટહુકો ની ચોથી વર્ષગાંઠ પર શુભેચ્છાઓ પાઠવનાર દરેક મિત્રોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર…

(ફોટોગ્રાફ્સ સૌજન્ય: વિવેક ટેલર)

**********************

ટહુકોના ઉદ્ભવ સુધી મને ગર્વ રહેતો કે મારી પાસે કદાચ સૌથી વધુ ગુજરાતી ગીતો હશે, કવિ સંમેલન અથવા મુશાયરામા કવિઓએ પોતે રજૂ કરેલ અથવા નામી-અનામી ગાયકોએ ગાયેલ, ઓડિયો કેસેટમાં સ્ટોર થયેલ…

પણ ૨૦૦૬ પછી, ટહુકોના પ્રદુર્ભય પછી, મીઠી ઇર્શ્યા આવે છે અને રોજ ટહુકા પર ગયા વગર, ગમે એટલું કામ બાકી હોય તો પણ, ચાલતું નથી..

આપ CPA છો, અને સમય કાઢી આટલું સરસ કામ કરો છો, ખરેખર અદ્ભૂત..! અહીં CA થઇને પોતાના સાહિત્ય શોખ માટે તો ઘણો સમય પાઠવીએ છીએ પણ બીજા માટે..?

ઘણી ઘણી હાર્દિક શુભેચ્છાઓ..!
કવિ મકરન્દ દવેનું ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ને ગમતા નો કરીએ ગુલાલ..! ખરેખર સરસ રીતે પ્રચ્યુત છે.

દિલિપ શાહ , અમદાવાદ

*****************************

ખૂબ ખૂબ અભિનંદન. ઘણી મહેનત કરીને ઘણું સારુ કામ કરી રહ્યા છો. ખૂબ જ ગમે છે. પાછળના ગીતોની લિંક પણ સરસ મળી રહે છે. આ વાત ખૂબ ગમે છે. ઘણીવાર ઘણા વખતથી શોઘતા હોઇએ અને આમ અચાનક મળી જાય છે તો ખૂબ સારું લાગે એ. મારી પાસે કોઇ શબ્દો જ નથી આ અનુભૂતિ ને વર્ણવવા માટે..!
– પારેખ

*****************************

સ્વરકાર શ્રી અમરભાઇએ પોતાના હસ્તાક્ષરમાં મોકલેલી શુભેચ્છા…

*****************************

કવિ શ્રી ભાગ્યેશ જહાનો શુભેચ્છા સંદેશ…

પ્રિય જયશ્રી,

દરિયાપારથી યાયાવર પક્ષીની અદાથી ઉડીને આવતી તમારી ભાષાપ્રીતિ ઉડીને આંખે વળગે છે, ખૂબ ખૂબ અભિનન્દન, ટહૂકો -સ્વભાવે ક્ષણની ઘટના છે, તમે આ ક્ષણને ચાર વર્ષ લાંબી કરીને કાળઝાળ ઉનાળામાં એક વૃક્ષે કરવું જોઇએ એવું ઐતિહાસિક કામ કર્યું છે. આ સાથે એક લઘુંનિબંધ ‘પવન અને ટહૂકો’ મોકલુ છું.

પવન અને ટહૂકો: કવચ અને કુંડળ

સવારના સવા પાંચ વાગ્યા છે, સળગતા ઉનાળાની સંપૂર્ણ ગેરહાજરી છે. મોટી ગુફા જેવા આકાશ તરફ જોઇ રહ્યો છું. નાના ગોખલાઓમાં પ્રગટેલા દિવાઓ જેવા તારાઓ તેમના રુપેરી અજવાળાને લીધે તેમના પિતરાઇ સૂરજ જેટલા ઉગ્ર નથી લાગતા.અચાનક એક કોયલનો ટહૂકો સંભળાય છે, ક્ષણાર્ધમાં ટહૂકો મારો કબજો લઇ લે છે.

જો કે ટહૂકાને કાંઠે બેઠેલું પક્ષી અચાનક જ મને પે’લા ઉપનિષદીય ચિત્રમાં જોતરે છે, પક્ષી વૃક્ષ પરથી જાણે મુંડક ઉપનિષદના સાક્ષીપણાના સત્યવચનો ઉચ્ચારી રહ્યું છે.ડાળ અને ટહૂકાની દિશા શોધવા જેટલું ભાન હજી પ્રગટ્યું નથી, ટહૂકાના સ્પર્શનું ગીત જાગી ઉઠ્યું છે. ગઇકાલની અસહ્ય ગરમીના આંકડા લઇને વર્તમાનપત્રો હજી નથી આવ્યા. એક પક્ષી ફળ ખાય અને બીજું સાક્ષી બને એ ઘટનાને હજી એકાદ ક્ષણની વાર છે. ટહુકા અને મારા વચ્ચે દ્વૈત રચાય એ પહેલાની આ ક્ષણ છે, અહીં તો નરસિંહ કરતાલ નહીં પણ કર્ણદ્વાર પકડીને બેઠા છે, ‘જાગીને જોઉ તો જગત દીસે નહીં ‘ જેવી કવિક્ષણ અને ટહૂકાનું મિલન છે.

દુર સ્ટ્રીટલાઇટ નીચે છોડનો થાકેલો પડછાયો અજવાળાની રાહ જોઇ રહ્યો છે. અંધારાની ડગેલી શ્રધ્ધાની ધ્રુજતી આંગળીઓ વચ્ચેથી અજવાળું પ્રવેશ કરશે તેવું જણાઇ આવે છે. ઘરમાં પડેલી કેરીઓમાં સુતેલું એક આંબાવાડિયું જાગી ઉઠે છે. કોયલના ટહૂકાને લીધે ઘરનો એ ખૂણો જરા બોલકો બની ઉઠે છે.આંબાવાડિયા વિનાના ટહૂકાની ચારે બાજું સુવાસ છે, મન બાળપણ અને આંબાવાડિયું ખોલીને બેઠું છે. કાચી કેરીની નાની ગોટલીમાં બાળપણની વારતા સંતાડી રાખી છે. પવનની એક પછી એક આવતી લહેરો પર હાલકડોલક થયા વિના ટહૂકાની એક નાવ આવી રહી છે.એમ થાય છે કે પવનનું કવચ પહેરી લેવું છે, ટહૂકાનું કુંડળ કાનને વીંટળાઇ વળે એવું એક વમળ કર્ણવિવરને કિનારે લાંગર્યુ છે.જો કે પવન અને ટહૂકો આમ તો એક રેશમી, આછું સફેદ મલમલમાં મૂકી રાખવાનું મન થઇ આવે છે. પછી આખો દિવસ કોઇને દેખાય નહીં તેવા કવચ અને કુંડળથી રક્ષાઇ જવું છે. મન ગઇકાલથી કર્ણને ‘મદાયત્તમ તુ પૌરુષમ’ ના લહેકાથી સંભારી રહ્યું છે. મારી સાથે જ કર્ણ પણ જાગ્યો છે.

ટહૂકાની નાજુક પીંછીથી પાંદડાં ઉઘાડ પામી રહ્યા છે, દિવસનું આક્રમણ આવી રહ્યું છે તેનો અણસાર ટાંકણીના ટોચ જેવા અજવાળાના ફણગા ફૂટી રહ્યા છે. ટહૂકાના વારસદારની જેમ શરૂમાં તો રૂપેરી તડકો તેની કોમળ દોંડાદોંડથી આંગણું અજવાળી મુકશે. પછી કોપભવનથી સૂરજના સાત દૂતો અજવાળામાં અગ્નિ ઉમેરશે, ટહૂકાને બદલે હોર્ન અને વૃક્ષપત્રની જગાએ વર્તમાનપત્ર આવી જશે, કેલેંડરનું પાનું અને ‘ચા’ની ચુસકીથી દિવસના હીંચકાને એક જાણીતો ધક્કો લાગશે, વાગશે. અને જાગી ઉઠશે ભીષ્મનું બાણશૈયા પરનું પ્રભાતિયું, ટહૂકાનો ઝાંખો પડતો ચહેરો, મ્લાન બની ગયેલા તારાઓના દિવસના ડસ્ટરથી ભુંસાતા ગીતો, મારામાંના ‘હું’નો બ્રશને કારણે ઉભરી રહેલો ચમકીલો દેખાવ હવે સ્પષ્ટ થઇને ટહૂકાથી દૂર ધકેલાઇ ગયો છે.

હવે તો થાય છે આખો દિવસ આ પવનકવચ અને ટહૂકાકુંડળ સાથે કુરુક્ષેત્રમાં ફરવું છે, રૂમમાં હવાને કહ્યાગરી કરવા મથી રહેલા મશીન સાથે આ પવન-ટહૂકાનું કવચ-કુંડળ પણ પહેરી રાખવું છે.

*****************************

સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇ તરફથી મળેલ શુભાશિષ..!

Dr. M-M Yugal (Mahendra-Meera Mehta)  J – A Bhakta Yugal, & the whole of Tahuko-Parivaar,
‘ Hope / Pray, you all are in The Best of Everything
We don’t know how to thank you all !
[ It’s a happy coincidence : Mehta-s are thickly acquainted with us since as early as early ’70-s and later since ’85 onwards By the way,How is Dr.Kala-family( in Europe ?) ? .]

We’re always happy about Jayshree-endeavours after she came to us here, 3-4 yrs ago, gathered our few humble albums & then again met us to attend our concert on LA ;…..

Some “doctor”swajan” from Surat,followed up with Dr.Mukul’s ghazal in our own handwriting, got the ghazal “placed” in Tahuko, (https://tahuko.com/?p=4730) as a surprise to Dr.( means “Dear” too ! ) Mukulbhai..& so on..!

ગુજરાતી ભાષાપ્રેમમાં ઓટ આવી રહી એ ત્યારે આવા સંનિષ્ઠ પ્રયત્નોને બિરદાવવા, આવકારવા અને પ્રોત્સાહવા જોઇએ, દેશ-વિદેશમાં સૌએ..!

Our sincere-most good-wishes are always with you all.
May The All – Merciful Almighty Keep You Tahuko Family Eternally Blessed.
– Harihi Ommm
LOVE APLENTY
from
Vibha – Rasbihari Desai

*****************************

અને કવિ શ્રી કૃષ્ણ દવે એ આ ગઝલ ખાસ ટહુકો માટે મોકલી છે… એક રીતે ટહુકાને ઘણી લાગુ પડે છે… આમ ભલે ચાર વર્ષ થયા, પણ આ અમે જે કરી એ તો શરૂઆત છે.

શરૂઆત…

એ જ આવીને જીણવટથી સમજાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે
એક આખી ગઝલ તો હવે આવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.

બારણા, બંધ દિવાલો નડી, તે છતાં સ્હેજ અમને સુગંધી જડી,
વાત આખી હવે એ જ ફેલાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.

જાત ને હું કસી આમ ઉભો રહું, ઝણઝણી કાનમાં વાત ધીમે કહું,
એ સ્વયમ આવશે, સૂર રેલાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.

કૂંપળોના લીલાછમ ખયાલો લખી, ડાળી પર લીલીછમ ટપાલો લખી
વૃક્ષ પોતે જ ટહુકાને બોલાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.

હાથ પકડીને મોજા ઘૂંટાવ્યા અમે, શંખ છીપ, મોતી ભણાવ્યા અમે,
માછલી સાત દરિયા લખી લાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.

– કૃષ્ણ દવે

*********************

અને એક ટહુકો વ્હાલી ઊર્મિ તરફથી..!

સરનામું ટહુકાનું

સામેના
ઝાડ ઉપરની ડાળી પર
એ રોજ મીઠા ટહુકા રેલે.

મારા ઘરની બારી
રોજ એના ટહુકા ઝીલે.
ટહુકો મારી ભીતર જઈ પડઘાય
અને મનેય મજબુર કરે,
પડઘાવાને.

પછી તો
કોણા ટહુકે ને કોણ પડઘાય,
જરીયે ન કળાય !
ટહુકો પડઘો થઈને ટહુકે;
પછી પડઘો ટહુકે ને પડઘો પાડે !

હવે તો
જે ડાળ ઉપર બેઠી
એ હું કે એ ?!

પણ
એક દિવસની વાત :
ટહુકો ગાયબ !
પેલું ઝાડ ઝૂરતું કરમાય,
મારામાં !

જોઈ રહું બસ ડાળ ઉપર બેઠેલી
એને-
એના અકળ મૌનની સાથે.

પૂછું-
તારો ટહુકો ક્યાં ?
જવાબમાં યે પડઘાય,
માત્ર મૌન.

પછી
એક દિવસ તો
એય ઉડી ગઈ,
એની પાંખો ફફડાવીને,
એના બધ્ધા ટહુકા લઈને,
મારું ભીતર ખાલી કરીને.

સાવ ખાલીખમ્મ થઈ ગયેલા મારા મનને લઈને

હવે હું બેઠી, કોમ્પ્યુટર પાસે…
ખોલ્યું એનું ભીતર,
ભરવા મારું ભીતર!
અને
ખોલતાં જ, સાવ અચાનક
પરિચિત પરિચિત
ટહુકો
મારા કમ્પ્યુટરની ભીતર રહી પડઘાય,
“ટહુકો ડૉટ કૉમ” થઈ…

ટહુકોની ચોથી વર્ષગાંઠ… (ભાગ – 1)

સૌથી પહેલા તો – આપણા સૌના વ્હાલા ટહુકો.કોમને ચોથી વર્ષગાંઠ પર શુભેચ્છાઓ..! ચાર વર્ષ પહેલા જ્યારે કોઇ તારીખ-મુહુર્ત જોયા વગર – બીજાના બ્લોગ ગુજરાતી કવિતાના બ્લોગ છે, તો ચાલો – હું પણ અજમાવી જોઉં – એમ વિચારીને મોરપિચ્છ અને ટહુકો – એવા બે ‘બ્લોગસ્પોટ’ બ્લોગ્સ બનાવ્યા…! કોણ જાણે કેમ, પણ પહેલેથી જ ‘દરરોજની એક કવિતા’ નો વણલખ્યો નિયમ પાળ્યો. દેશથી જ્યારે ભણવા માટે અમેરિકા આવી ત્યારે બાકી બધી જરૂરિયાતની ચીજો સાથે એક-બે ગુજરાતી કવિતાની ચોપડીઓ લેતી આવેલી, અને સાથે એક સીડી કે જેમાં થોડા ગુજરાતી ગીતો હતા..! પછી તો સાન ફ્નાસિસ્કોની લાઇબ્રેરીમાંથી પણ ગુજરાતી ચોપડીઓ મળી. આ બધુ જે થોડું પાસે હતું, એમાંથી જ બ્લોગ પર વહેંચવાનું શરૂ કર્યું..! (આ વાતો આમ તો ઘણીવાર સાંભળી હશે તમે, પણ આજે ચાર વર્ષ પૂરા થયાની ખુશીઓ મનાવું છું – ત્યારે પાછળ જોયા વગર ન રહેવાયું..)

ત્યાંથી શરૂ થયેલો ટહુકો આજે ક્યાં પહોંચ્યો એની થોડી વાતો આંકડામાં જોઇએ ?

1516 Posts – કવિતા, ગીત, ગઝલ, અછાંદસ, આસ્વાદ, પઠન અને સાથે થોડી મારી વાતો….

332 Poets – કવિઓ

75 Composers – સંગીતકારો

170 Singers – ગાયકો (ઉપરના ૭૫ સ્વરકારો બાદ કરીને…. )

797 Musical Posts – ઉપર જણાવેલા કવિઓ-ગાયકો-સ્વરકારોના સુભગ સમન્વય સમાન – સંગીત સાથે રજુ થયેલી રચનાઓ..

અને હા…

22944 Comments – આપના પ્રતિભાવો… (હા, મને ખબર છે – તમારામાંથી ઘણાને પ્રતિભાવો આપવા નથી ગમતા, તો ચલો એમ રાખીએ… ) આપના અથવા આપ જેવા મિત્રોના પ્રતિભાવો..!! 🙂

થોડા દિવસ પહેલા કરેલી (એક ચાર વર્ષના બાળકની પેઠે જ તો..) જાહેરાત પછી આવેલા વાચકો / મિત્રોના શુભેચ્છા સંદેશની એક ઝલક અહીં પ્રસ્તુત કરું છું.

(ફોટોગ્રાફ્સ સૌજન્ય: વિવેક ટેલર)

****************

Bird

ગઝલના કુરૂક્ષેત્રમાં સામ સામે, અમે આજ ઉભા પણછ ખેંચી કાને

હરેક એની વાતોને ટહુકે પરોવીને જમણેથી ડાબે સનન સનસનાવે

ટહુકાની વર્ષગાણ્ઠ નિમીત્તે અભિનંદન…..

સાઉન્ડ ટ્રેક પર સ્વરચના સ્વમુખે ગાવાના

નમ્ર પ્રયાસને ટહુકાએજ બહાલી આપી હતી…

આજ ફરીથી વર્ષગાંઠ ઉપર એક નમ્ર પ્રયાસ……..

આભાર

ડો. નાણાવટી

****************

Green bee-eater

૧૨ જૂનના રોજ ચોથી વર્ષગાંઠ પર ‘ટહુકો’ને ખાંડીબંધ અભિનંદન અને અંતરની માતબર શુભેચ્છાઓ.

ધ્વનિની ધરા પર ધમકતા ‘ટહુકો”ને આહલાદવાની હવે તો એક લત્ત લાગી ગઈ છે. મનની કુંજગલીમાં એના ટહુકાર એવા રંગો ભરે છે કે જે રંગોળીમાં કોઈ પણ રંગ ખૂટવાનો અહેસાસ ઊઠતો નથી. એના સમેલનનો સમિયાણો એટલો વિશાળ છે કે એના ચંદરવા હેથળ કંઈ કેટલીય પ્રતિષ્ઠિત કલમોના કવન કથાયેલા પડ્યાં છે. સંગીત, કવિતા અને ગાનના પિપાસુઓ કાજે તો ‘ટહુકો’ એક પરબધામ બની ગયુ છે. ગઝલ, ગીત અને કવિતાના જામ ‘ટહુકો’ની સુરાહીમાંથી ભરીભરીને સાકી એના મહેખાનામાં પીવડાવે છે એજ તો એક નજરાણું છે.

‘ચાંદસૂરજ’

નેધરલેન્ડસ.

****************

Stork1

ટહુકોનો પરિચય મને મોડો મોડો ઍકાદ વર્ષ પહેલાજ થયો પણ આ ઍક વર્ષમા તેણે અમારા સૌનુ દિલ જીતી લીધુ છે.

જૂના સંભારણા પણ આપ આપતા જાઓછો ઍટલે અમને તેનો પણ લાભ મળતો રહે છે.
આપનો ગુજરાતી ગીત-સંગીત પ્રત્યેનો પ્રેમ અભિનંદનને પાત્ર છે.
આપના વ્યવસાયમાથી સમય કાઢીને ટહુકો કરો છો તે ખરેખર વંદનીય છે.
ટહુકાને ચોથી વર્ષગાંઠના શુભાશિષ !
આવતા વર્ષોમા પણ આવીજ રીતે સૌને ટહુકા કરતા રહો તેવી પ્રભુને પ્રાર્થના !

જય શ્રી કૃષ્ણ,
યોગિની અને ઉલ્લાસ ઓઝા

****************

My song

‘ટહુકો’ના ટહુકે ટહુકે
મળ્યા છે મઝાના ગીતો,
જાળવજો એ જ રિસ્તો
ને એ જ રીતો..
અભિનંદન !

પ્રવિણ શાહ
www.aasvad.wordpress.com

****************

Hearty congratulations on 4th birth of Tahuko, You have done a wonderfull job for our Matrubhasha and all of us. Keep up with the good work.God bless you.
– Dr. Nilesh Rana

****************

Nilkanth

ટહુકો તો મારા જીવનમાં યાદોની વણઝાર બની આવ્યુ છે,

ઓહો!! કેટલી બધી યાદો, પણ સખી આજે જયારે એ રીસાયેલા સાહ્યબાને મનાવવો છે તો કોઈ ગીત જ નથી મળતુ, કહેવુ છે એને કે,
બહુ થઈ આ સંતાકુકડી ની રમત, ઈટા-કીટા ની રમત,
ચાલને, દુલ્હા-દુલ્હન રમીએ, દુલ્હન રમીએ,
છોડી મીંઢણ, બંધન રમીએ, બંધન રમીએ.

જીવનમાં પ્યારના અહેસાસે ઘણા બધા સ્વપનાઓ નુ વાવેતર કર્યુ પણ એને સાજન સુધી પહોંચાડવામાં ટહુકાએ અગત્યનો ભાગ ભજવ્યો,

સહજીવનના સપનાની વાત લખી તો ગીત મોકલ્યુ,
હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !
લાગણીનો એકરાર કરવા,

કહું કેમ મુજને ગમો છો તમે
દિવસ રાત દિલમાં રમો છો તમે
વિચારોમાં મારા સદાયે રહો
છતાં ક્યાં કદિયે મળો છો તમે

જ્યારે સામેથી જવાબમાં અવિશ્વાસ દેખાયો તો તેના જવાબમાં લ્ખ્યુ,

શ્રધ્ધાને વિશ્વાસ આપણો
મજબૂત માળો રચશે
ભલે ફૂકાતો પવન સમયનો
આપણો માળો ટકશે

કોઇ કહે કે મૂળ ઉખડશે
કોઇ કહે કે ડાળો
શંકા છેદી કરીયે સૈયર

સમજણનો ગુણાકાર (અસલમાં તો સરવાળો શબ્દ છે પણ પરિસ્થિતિ એવી હતી કે ગુણાકાર જ કરવો પડે)

જયારે કોઈ જવાબ ના આવે ત્યારે કહ્યુ,
આ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી

બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

અને આવા તો કેટલાય ગીતો,

પહેલી નજરનો પ્રેમ ઘણીવાર એકતરફી હોય છે. અર્થાત્ એક વ્યક્તિના હૃદયમાં સંવેદન થાય છે પણ સામેની વ્યક્તિના હૃદયમાં એનો પ્રત્યાઘાત પડતો નથી. પણ એ જ તો પ્રેમની ખૂબી છે. પ્રેમમાં દિલ એવાનું ગુલામ થઈ જાય છે જે એના નથી થયેલાં હોતા.

મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ.”

અને ખાસતો રમેશ પારેખના ગીતમાંથી ઉઠાવેલા આ શબ્દો,

કવિએ પતિ અને પત્નીના સંબંધને ઝાડ અને વેલની ઉપમા આપી છે. ઝાડ જમીનમાં ઊંડે પોતાના મૂળિયાં દાટે છે અને ટટ્ટાર થઈ એક સ્વમાનથી પોતાના અસ્તિત્વને દુનિયાની વચ્ચે ખડું કરે છે. થાક્યાંને છાંયો આપી વિસામો આપે છે, ભૂખ્યાંને ફળપાન આપી ખોરાક આપે છે. ઝાડની ગતિ હંમેશા ઊર્ધ્વ હોય છે અને એક ઉચ્ચ ધ્યેયનું demonstration કરી જાય છે. આવા કલ્યાણના કામોમાં થાકેલા પાકેલા ઝાડને એક દિવસ એક નાજુક નમણી વેલ આવીને પૂછે છે કે તમે આ બધું એકલા કરો છો, તો મને તમારી જીવનસાથી બનાવશો? આપણે બન્ને સાથે સંસાર માંડશું- અને ઉદભવ્યું પહેલવેલું લગ્ન! વેલી એ નબળાઈનું નહીં, નમણાઈનું પ્રતિક છે. વેલી ઝાડ ફરતે વીંટળાય છે ત્યારે એ એક આધાર શોધે છે એટલું જ માત્ર બસ નથી, એ ઝાડની રુક્ષતાને ઢાંકતો શણગાર પણ બને છે! ઝાડના થડની એકએક ખરબચડી ચામડીને વેલ ઢાંકે છે. વેલીના વીંટળાવાથી ઝાડને એક નવું જીવન મળે છે, એના જીવનની એકેએક ઘટનાઓને મીઠો અર્થ મળે છે. અને વેલ પણ પોતાનાં મૂળિયાં ઝાડની અંદર ખૂંપે છે, વેલનો શ્વાસ કહો, ધડકન કહો, પ્રાણ કહો એ સઘળું એનું ઝાડ છે! વેલીની દરેક લાગણીઓને સમજે છે એ ઝાડ! આવી વેલ સંપૂર્ણ ખીલી ઊઠે છે, મ્હોરી ઊઠે છે, મહેંકી ઊઠે છે, ભરાઈ જાય છે…….પતિ અને પત્નીનું પણ આવું જ છે- પતિ એ ઝાડ અને પત્ની એ વેલ!
****************

European Roller

Recently I came to know about this wonderful site, for which I am really very proud that you have immortalized Gujarati songs & music : for which you deserve all the credits from all the Gujaratis. The time and energy you have devoted for this remarkable collection is exceptionally mind blowing. May God bless you eternal power and enhance your love towards this project for the benefit of Gujarati – Matrubhasha – lovers.

You have really become popular by your daily “showers” of “songs”. Hearty Congratulations ! May God bless you for this very interesting website. May all your aspirations and dreams ahead come true.These are my humble and sincere prayers for happy prosperous long life to “Tahuko” in the service of all appreciative Gujaraties.

– Warmest Greetings from Manharlal G Shah, Singapore.

****************

Mena2

શું કહું ટહુકા વિષે?

ટહુકો ટહુકો જ છે. બાળપણમાં કરેલી ધમાલોની કવિતાઓ કહું. તરુણાવસ્થાના શૌર્યગીત કહું, યુવાનીમાં પ્રેમીને પોતાના દિલનો પ્રેમ તેની સમક્ષ રજુ કરવો અને પ્રેમમાં ગળાડૂબ ડૂબી ગયા પછીની પ્રણયલીલામાં રાચવું.. એ રીસામણા મનામણા.. એ છેડછાડ.. એ વાયદા.. એ મજબૂરી કે મનની વ્યથા કહો.. ભગ્ન દિલની પીડા કહો.. જે કહો એ.. કંકોતરી કહો.. લગ્નગીત.. જીવનની સંધ્યાએ હરી ને અપાતો સાદ એટલે કે ભજન કહો.. ટહુકો એટલે મનની ખુશી કે દુઃખની પરિસ્થિતીમાં સહજ રીતે અંદરથી નીકળતો અવાજ…

અમે ખરેખર તમારા આભારી છીએ કે તમે અમને અમારી માતૃભાષાનુ આટલુ સુંદર રસપાન કરાવો છો. અને અમારા થકી અમારા સ્વજનો સુધી લાગણીઓ પહોંચાડવામા મદદ કરો છો. અને આશા રાખીએ કે જ્યાં સુધી ગુજરાતી ભાષા બોલાય ત્યાં સુધી આ ટહુકો આમ જ ગુંજતો રહે. તમારો ખૂબ ખૂબ આભાર

– દર્શની શાસ્ત્રી
****************

Black headed Ibis

ટહુકો …….વતન ની સંસ્ક્રુતિ સાથે જોડી રાખતૉ નાતૉ………
અને વરસ મા ૩૬૫ વખત એ વાત નૉ અહેસાસ………….. .
સરસ ગાવા માટે, સુમધુર સંગીતકાર થવા માટે સાધના જરૂરી છે, પણ આ બધુ વાચકો અને ચાહકો ને પહોંચાડવો ઍ પણ કોઈ નાની વાત નથી,અને ઍ પણ દરરોજ, ૩૬૫ દિવસ………………………..ઍ પણ જયશ્રી ની સાધના જ છે….અભિનંદન અને આભાર
– કમલેશ ધ્યાની
****************

Bhagat ane bhagbhagat

જયશ્રી , અમિત , વાહ રે તમારો ટહુકો !
છ માસથી વાંચુ છુ વિના માર્યે મટકો

કાવ્યના દરેક પ્રકારોથી સભર આ કેકારવ
કવિઓને ઓળખ્યા સુપેરે અહી મનભર

પચીસ વર્ષથી ગુજ સાહિત્યને ગઈ હતી ભુલી
થયુ પુનર્મિલન મારી ભાષા સાથે ટહુકા થકી

જયશ્રીબેન, ઍક જ છે મોટો ખટકો
કલેક્શનમા ડાઇનલોડ નથી થતો ટહુકો

– કિરણ મેહતા, ન્યુ દીલ્લી
****************

dove

આજના કોન્ક્રીટ ના જંગલોના જમાનામાં કુદરતી ટહુકા અને કલરવ તો ક્યાં ખોવાય ગયા છે તે ખબર જ નથી પડતી. ડી.જે.ના કકળાટ વચ્ચે આપણો “ટહુકો” ખરેખર દિલને અતિઆનંદ આપે છે. જેમ મધદરિયે તૂટેલા વાહનમાંથી કોઈ સહારો મળે અને ત્યારબાદ તણાતા-તણાતા કોઈ કિનારે પચોચી જઈએ અને પહોચ્યા પછી ખબર પડે કે, “અરે! આ તો આપણો જ દેશ કે આપની જ ભૂમિ છે.” અને જે ખુશી થાય એવું જ કાંઇક ઈન્ટરનેટ ના મહાસાગર માં પડ્યા પછી ક્યાં જવું ને ક્યાં સ્થિર થવું તે સુઝતું ન હોય અને ખાંખાખોળા કરતા કાંઇક કેટલીયે વેબ સાઈટ્સ ફમ્ફોસ્યા પછી અચાનક “ટહુકો” મળી જતા થાય છે. ગુજરાતી ગઝલકારો તથા સાહિત્યકારો ની રચનાઓ ને અહી જેવી રીતે ન્યાય આપવામાં આવ્યો છે તે ખરેખર અદભુત છે. “ટહુકો” વિષે લખવા માટે શબ્દો ઓછા પડે છે. કારણ કે, જે પોતે જ શબ્દો ને ન્યાય આપતું હોય તેને આપણે તો શું શબ્દોથી માપી શકવાના?
– “ટહુકો” નો ચાહક અમિત વરિયા

****************

Crane2

Thanks alot as now i can hear my choice from tahuko..it mesmerising web site which we will nevr wish to turn off even during sleep…unforgettable experince once you “dive in”..desperate to listen more and more Gujarati treasure….old melodies of Gujarati music especialy from “A-vinashi” Avinashbhai or from Ksheumu Dada or folk maestro Hemu Gadhvi…

“Words are not enough”

– Tarak Bhatt
****************

Pelican

પ્રિય જયશ્રી,

સૌ પ્રથમ તો ટહુકોની ચોથી વર્ષગાંઠ નીમ્મીતે ખુબ ખુબ અભિનંદન!!
ગુજરાતી ટહુકાનો ટહુકો સમગ્ર વિશ્વની દશે દિશાઓ માં ટહુકી રહ્યો છે અને સદીઓ સુધી ટહુકતો રહે! એવા સમસ્ત બ્રહ્માંડ નિમાર્તા શ્રી હારીને હું પ્રાર્થુ છું.

शतं जीव शरद:

પાછલા દશ વર્ષને જોતા એમ લાગતું હતું કે ગુજરાતી ભાષા જાણેકે કોઈ અજ્ઞાત કારણસર પાંગળી અને અશક્ત થઈગઈ હતી પરંતુ ટહુકાનો જન્મ થતાંજ એણે સંજીવની નું સિદ્ધ કાર્ય કરીને ગુજરાતીભાષામાં જાણેકે પ્રાણ ફૂક્યા અને તરો તાઝા અને તંદુરસ્ત કરી એનો શ્રેય નિસંદેહ ટહુકા ને શિરે છે.

આવતી પેઢી એનું અનુકરણ કરી ને આ યુગમાં ગુજરાતી સાહિત્ય અને કવિતા ના સુવર્ણ રથને ટહુકાના સાથ અને સહકારથી સતત હંકારતી રહેશે એવું હું ચોક્કસ પણે માનું છું.

કવિતાનું અને સાહિત્યનુ આવા સુગંધી અમૃત નું રસપાન કરાવવા બદલ ટહુકાને શત શત નમન!

સવિનય,
રાજુભાઈ સોલંકી
****************

King Fisher

Almost daily, as a routine i am awaiting your mail !

who so ever spends a little time, i open you site for the.18 to 82 ,all those who have studied in gujarati medium gets the chance..

you have been doing a great job.

Gautam Kothari, Baroda

****************

‘Tahuko’ has become ‘Gunjan’ which keeps reminding me to look for next ‘Tahuko’.
– Himanshu Muni.
****************

Black Drongo

My heartiest congratulations to you on tahuko’s 4th birthday !! You have been doing a wonderful,pioneering job in the well being of guj language, literature, sugam sangeet so nicely ! may god bless you with all the skills & resourcefulness to go ahead !!!
– Bakulesh Desai, Surat.
****************

કર્કશતાની વચ્ચે મધુરતા ના ટહુકા એટલે ટહુકો
દિલની સંવેદનાને પોષતું ટહુકો
ટહુકાનો ગુંજારવ સદીઓ સુધી ગુંજતો રહે.. જન્મદિનની શુભેચ્છાઓ..!
– મહેન્દ્ર પારેખ

****************
sparrow

અને હા… આ મિત્રોએ પણ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે..! અને જેમની ઇમેઇલ નથી આવી એમની શુભેચ્છાઓ પણ અમારી સાથે છે જ એની મને ખાત્રી છે..! 🙂

રાજુલ શાહ, શરદ ભાવસાર, ગૌરવ સોની, આરાધના ભટ્ટ (સૂર-સંવાદ રેડિયો), હરસુખ દોષી
****************

flight2

And last (for today), but not at all the least… મમ્મી ના આશિર્વાદ..!!

Dear Jayshree N Amit,

Happy (4th) birthday to TAHUKO.Its monsoon time in India n “mor no tahuko sambhalava male” But for that one has to go to the country side.But ur TAHUKO we can hear-read too- from our comp or laptop without moving out of the comfort of our house.Well done.

Tahuko has reconnected me to gujarati songs,poems n all the other forms of poetry.I m glad for that.

So let me end with MANY HAPPY RETURNS OF THE DAY.

With love from Mummy,Papa,Vishal N Romila; And all the other members of our extended family.

**************

Open Bill Stork

થોડા વધુ શુભેચ્છા સંદેશ આવતી કાલે… (stay tuned for part II..)

ટહુકો ત્રણ વર્ષનો થયો -મુકુલ ચોક્સી

આજે ટહુકો.કોમને ત્રણ વર્ષ પૂરા થયા છે.  જાણે હજી તો કાલે જ જન્મ્યો’તો ટહુકો, અને જોતજોતામાં તો ત્રણ વર્ષનો બાળક પણ થઈ ગયો.  આપણા આ વ્હાલા ટહુકાને, ટહુકાનાં ઘર (એટલે કે જયશ્રી) અને વરને… અને ટહુકાનું ગુંજન સાંભળવા અને મોજથી માણવા આવતા બધ્ધા દેશી-વિદેશી પંખીઓને (એટલે કે આપણે બધ્ધા) ટહુકો.કોમની ત્રીજી વર્ષગાંઠ પર મારા-તમારા તરફથી તેમ જ મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને મબલખ શુભેચ્છાઓ.

થોડા દિવસથી ટહુકાનાં નવા રૂપ-રંગ તો તમે જોવા જ માંડ્યા હશે… આ સાથે જ કક્કાવાર અનુક્રમણિકા નું બદલાયેલું રૂપ પણ જોઈ લેશો.  ઘણા વખતથી જયશ્રીએ ટહુકો ઉપર એક નવો વિભાગ શરૂ કરવો હતો… કે જ્યાંથી અલગ અલગ આલ્બમ ક્યાંથી મેળવી શકાય એની માહિતી મળી રહે… તો મિત્રો, આજે ટહુકોની ત્રીજી વર્ષગાંઠ પર એણે એ વિભાગનો પણ શુભારંભ કરી દીધો છે… સૂરનામા !  આ સાથે જ થોડી નાની-નાની સુવિધાઓ પણ તમને દેખાશે… કોશિશ તો એ જ છે કે વાંચક-મિત્રોને જોઈતી કોઈ પણ માહિતી એકદમ સરળતાથી મળી રહે.

તમને જરૂર થતું હશે કે ટહુકાની બર્થ-ડે પર અહીં ટહુકવાનું મૂકીને બુલબુલ ક્યાં ચાલી ગઈ ??  તો મિત્રો, એણે કહેલી ખાનગી વાત હું પણ તમને ખાનગીમાં જ કહું છું કે એ ટહુકાવાળી દસ દિવસની છુટ્ટી લઈને ટહુકાની બર્થ-ડે મનાવવા ગઈ છે…! મતલબ કે આજે ટહુકાની બર્થ-ડે કેક પણ આપણે જ કાપવાની છે, અને આપણે જ ખાવાની છે.  🙂

ટહુકાની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે મુકુલભાઈએ ખાસ એક ખૂબ જ મજાનું ગીત લખ્યું છે… જેને મેહુલ સુરતીએ ફિલ્માવીને અહીં સુધી મોકલ્યું છે… એ ગીત આપણે મુકુલભાઈનાં મુખે જ અને એ પણ એમને જોતા જોતા સાંભળીએ અને માણીએ.  (આભાર મુકુલભાઈ… આભાર મેહુલ…)

ટહુકો ત્રણ વર્ષનો થયો…
ટહુકો ત્રણ વર્ષનો થયો…

કવિતા ને સંગીતનો આજે અર્થ એટલો જ રહ્યો,
કે ઉમળકો પુસ્તકથી નીકળી નેટમાં પહોંચી ગયો !
કે ટહુકો ત્રણ વર્ષનો થયો…

ટહુકો એટલે જય હો થી પણ આગળ એક જયશ્રી હો,
આવતા ભવમાં કાશ કે આ ટહુકાની જાતી સ્ત્રી હો…
પ્રેમમાં જેના કાવ્યપ્રેમી એક સમૂહ ખેંચાઈ ગયો,
એ ટહુકો ત્રણ વર્ષનો થયો…

ત્રીજે વર્ષે એના ત્રણ અક્ષરને સાર્થક કરીએ,
ચાલો, આ ટહુકાને ભરચક પંખીઓથી ભરીએ..
પછી ગમે ત્યાં એ રહેતો અમને તો ભયો ભયો,
કે ટહુકો ત્રણ વર્ષનો થયો…

-મુકુલ ચોક્સી

Happy (2nd) Birthday.. ટહુકો….

ટહુકોનો આજે બીજો જન્મદિવસ..  આમ તો ટહુકો પર ઉજવણીમાં કંઇક નવુ ક્યાંથી હોય? જ્યારે ને ત્યારે ગુજરાતી સંગીતની જ વાતો થાય ને… પછી એ ટહુકોનો જન્મદિવસ હોય કે કોઇ કવિ કે સંગીતકારનો..

તો આજે પણ એ જ – ગુજરાતી સંગીત…. 

આજની આ વાનગીમાં આમ જોવા જઇએ તો ખાસ કંઇ નવુ નથી રાંધ્યુ…  જે હાથ લાગ્યું, એ યાદ આવ્યું એને મારા સ્વાદપ્રમાણે અને આવડ્યુ, સુઝ્યુ – એ રીતે બનાવ્યું છે…   આજની આ ભેળપૂરી કેવી લાગી તે જરૂરથી જણાવજો… હોં ને ? 🙂  

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે….

વ્હાલા ગુજરાતી મિત્રો,

આજે ટહુકોની સાચ્ચી બર્થ ડે. 😀 (સ્કૂલમાં લખાવેલી 25 નવેમ્બર, 2006)

આમ તો હંમેશા મને તમારો સાથ, સૂચનો, શુભેચ્છાઓ અને વ્હાલ મળ્યા જ છે, પણ આજે પહેલી વર્ષગાંઠ નિમિત્તે હું બધાનો હ્ર્દયપૂર્વક આભાર માનવાની તક ઝડપી લઉં છું.
ભગવતીકુમાર શર્મા, મુકુલ ચોક્સી, રઇશ મનીઆર, મેહુલ સુરતી, અમન લેખડિયા, વિવેક ટેલર.. શબ્દ, સ્વર અને સંગીત જગતના આ સિતારાઓ તરફથી એક ખાસ શુભેચ્છા સંદેશ મળ્યો છે, એના માટે એમનો આભાર માનવા માટે મારી પાસે પૂરતા શબ્દો પણ નથી.
A video used to be embedded here but the service that it was hosted on has shut down.

અને સાથે હું આભારી છું એ દરેક કલાકારની જેમની રચનાઓને લીધે જ ટહુકોનું અસ્તિત્વ ટકી રહ્યું છે.

સાથે જ આભાર આપનો, ટહુકોના દરેક મુલાકાતી મિત્રનો… તમારા સ્નેહની આંગળીના મળી હોય, તો આ એક વર્ષનું બાળક આજે જે પગલીઓ માંડી રહ્યું છે, એ શક્ય ન હોત.

વડીલોના આશિર્વાદ, અને મિત્રોના સ્નેહ શુભેચ્છાના ટહુકાઓ મને અવિરત મળતા રહ્યા છે, અને ભવિષ્યમાં પણ મળતા રહેશે… એ વિશ્વાસ સહ,

– જયશ્રી હીરાભાઇ ભક્ત.